મુંબઈ: માર્વેલ અને સોની પિક્ચર્સની નવી સુપરહીરો ફિલ્મ 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને નવા રેકોર્ડ બનાવી રહી છે. માત્ર ત્રણ જ દિવસમાં ફિલ્મે ભારતમાં અંદાજે 176 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ સાથે તેણે અનેક મોટી હિન્દી અને હોલીવૂડ ફિલ્મોના શરૂઆતના કમાણીના રેકોર્ડને તોડી નાખ્યાં છે. આ ફિલ્મને અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે દેશભરના મલ્ટિપ્લેક્સમાં શો હાઉસફુલ ચાલી રહ્યા છે.
ફરીવાર સ્પાઇડર મેન સુપરહિટ
સ્પાઈડર-મેન ફ્રેન્ચાઇઝીને દુનિયાની સૌથી લોકપ્રિય સુપરહીરો સિરીઝમાંની એક માનવામાં આવે છે. વર્ષ 2021માં આવેલી 'Spider-Man: No Way Home' પછી ટોમ હોલેન્ડ ફરી એકવાર પીટર પાર્કરના પાત્રમાં પરત ફર્યો છે. નવી ફિલ્મમાં પીટર પાર્કરની સફર એક નવા અધ્યાય સાથે આગળ વધે છે, જ્યાં એક શક્તિશાળી નવા જોખમનો સામનો કરતી વખતે તેના જીવનમાં અનેક પડકારો ઊભા થાય છે. આ કારણોસર ફિલ્મને માત્ર એક્શન નહીં, પરંતુ ઈમોશનલ વાર્તા માટે પણ વાહવાહી મળી રહી છે. ફિલ્મે શરૂઆતના ત્રણ દિવસમાં જ એવો દબદબો બનાવ્યો છે કે તે વર્ષ 2026ની સૌથી મોટી હોલીવૂડ ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.

ખાસ કરીને ભારતમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ, 3D અને પ્રીમિયમ સ્ક્રીનોમાં ઊંચી ઓક્યુપન્સી અને પરિવાર સાથે ફિલ્મ જોવાનો ટ્રેન્ડ ફિલ્મની સફળતાના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. ફિલ્મે શરૂઆતના દિવસોમાં જ કેટલાક જાણીતા ભારતીય અને હોલીવૂડની ફિલ્મના રેકોર્ડને બ્રેક કરી દીધા છે. ફિલ્મ હવે કમાણી ના મામલે એક માઈલસ્ટોન સ્થાપે એ વાત નક્કી માનવામાં આવે છે.
શું કહે છે ફિલ્મ એનલીટિક્સ
ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે કે, જો આવનારા દિવસોમાં પણ દર્શકોનો આવો જ પ્રતિસાદ ચાલુ રહેશે, તો 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હોલીવૂડ ફિલ્મોમાં ટોચના સ્થાન માટે મજબૂત દાવેદાર બની શકે છે. આ સફળતા ફરી એકવાર સાબિત કરે છે કે ભારતીય દર્શકોમાં માર્વેલ સિનેમેટિક યુનિવર્સ અને સ્પાઈડર-મેન પ્રત્યેનો ક્રેઝ આજે પણ યથાવત છે.