Fri May 01 2026

Logo

શો-શરાબા: સાઉથ વર્સેસ બોલિવૂડ નેરેટિવનો ‘ધી એન્ડ’? કોણ જીતી રહ્યું છે કે પછી કોઈ પણ નહીં?

2026-04-03 08:59:22
Author: Divyakant Pandya
Article Image

છેલ્લાં થોડાં વર્ષોમાં ઇન્ડિયન સિનેમા વિશે એક બહુ સરળ અને સુવિધાજનક નેરેટિવ ચાલી રહ્યું હતું. બોલિવૂડ ખતમ થઈ ગયું છે...  સાઉથ ઇન્ડસ્ટ્રી હવે ડોમિનેટ કરી રહી છે અને ફ્યુચર માત્ર પેન-ઇન્ડિયા સિનેમાનું છે...

સાંભળવામાં આ વાત મજાની લાગે, ચર્ચા માટે પણ પરફેક્ટ લાગે અને મીડિયા માટે તો ગોલ્ડમાઈન. હકીકતમાં સિનેમા ક્યારેય એટલું સીધું નથી હોતું. છેલ્લાં બે વર્ષમાં જે બદલાવ આવ્યો છે, તે એક વાત સ્પષ્ટ કરે છે કે સાઉથ વર્સેસ બોલિવૂડ જે ચર્ચા ચાલી રહી હતી તે હકીકતમાં એક ફેઝ-તબક્કો હતો. પરસેપ્શન, ટાઈમિંગ અને થોડા મોટા હિટ્સના કારણે એ વધારે મોટી લાગી.

આ બદલાવ ત્યારે શરૂ થયો જ્યારે બોલિવૂડ પોતાની સૌથી કમજોર સ્થિતિમાં હતું. પેન્ડેમિક પછી હિન્દી ફિલ્મ્સ થિયેટરમાં દર્શકોને ખેંચવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. 

ઘણી ફિલ્મ્સ ખૂબ અર્બન હતી અને ઘણી એવી હતી કે જે માસ ઓડિયન્સ સાથે જોડાઈ શકતી નહોતી. બીજી તરફ ‘આર.આર.આર.’, ‘કેજીએફ ચેપ્ટર 2’ અને ‘પુષ્પા ધ રાઈઝ’ જેવી ફિલ્મ્સ માત્ર હિટ નહોતી રહી, પરંતુ એક ઇવેન્ટ બની ગઈ. આ ફિલ્મ્સ ભાષાની બાઉન્ડરી પાર કરીને હિન્દી બેલ્ટ સુધી પહોંચી ગઈ અને એમાં સૌથી મહત્ત્વની વાત એ કે થિયેટરનો અનુભવ ફરી જીવંત કર્યો. તેથી લોકોનું સીધું માનવું હતું કે સાઉથ ઇન્ડસ્ટ્રી ઓડિયન્સને વધુ સારી રીતે સમજે છે.

જોકે અહીં એક મહત્ત્વની વાતની ઘણીવાર અવગણના થાય છે. આ ફિલ્મ્સ એક્સેપ્શનલ હતી, સામાન્ય નથી. દરેક ‘આર.આર.આર.’ પાછળ ઘણી સાઉથ ફિલ્મ્સ એવી પણ હતી જે પોતાના રીજન બહાર પહોંચી જ નથી. 2024માં જ ‘ઇન્ડિયન 2’ જેવી મોટા બજેટ અને અપેક્ષાઓ ધરાવતી ફિલ્મ દર્શકોને ખેંચી શકી નહોતી. ‘કંગુવા’ જેવી હાઈ-સ્કેલ ફિલ્મ પણ અપેક્ષા મુજબ ચાલતી નહોતી. ‘વેટ્ટૈયાન’ પાસે સ્ટાર પાવર હોવા છતાં તેની કમાણી મધ્યમ રહી. તેલુગુ ફિલ્મ્સ જેમ કે ‘ધ ફેમિલી સ્ટાર’, ‘મિસ્ટર બચ્ચન’ અને ‘ડબલ ઇસ્માર્ટ’ સ્પષ્ટ રીતે ફ્લોપ સાબિત થઈ.

પછી 2023માં સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. ‘પઠાણ’ માત્ર સફળ ફિલ્મ નહોતી, તેણે હિન્દી સિનેમાના થિયેટર બિઝનેસને ફરીથી જીવંત કર્યો. ત્યારબાદ ‘ગદર 2’ આવી, જેણે નોસ્ટેલ્જિયા અને માસ સેંટિમેન્ટને ખૂબ અસરકારક રીતે ઉપયોગ કર્યો. ત્યારબાદ ‘જવાન’ આવી, જે એક સ્ટેપ આગળ ગઈ. 

ખાસ વાત એ હતી કે આ ફિલ્મ સાઉથના ડિરેક્ટર એટલી દ્વારા બનાવવામાં આવી હતી અને તેમાં સાઉથ સ્ટાઈલ સ્ટોરીટેલિંગ અને બોલિવૂડ સ્ટારડમનું મજબૂત મિશ્રણ હતું. આ એક સાચી પેન-ઇન્ડિયા બ્લોકબસ્ટર બની. ત્યારબાદ ‘એનિમલ’ આવી, જેનાથી સાબિત 
થયું કે વિવાદાસ્પદ ક્ધટેન્ટ પણ જો મજબૂત રીતે રજૂ થાય તો દર્શકોને થિયેટર સુધી ખેંચી શકે છે.

આ ટ્રેન્ડ અહીં અટક્યો નથી. 2024 અને 2025 દરમિયાન ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મે હોરર અને કોમેડીનું મિશ્રણ કરીને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી. ‘ફાઇટર’ જેવી ફિલ્મે સ્કેલ અને વિઝ્યુઅલ્સના આધારે દર્શકોને આકર્ષ્યા. સાથે સાથે ‘સૈયારા’ અને ‘ધુરંધર’ જેવી 
ફિલ્મ્સએ પણ બતાવ્યું કે જો ફિલ્મનો અનુભવ મજબૂત હોય, તો દર્શકો હિન્દી સિનેમામાં ફરી વિશ્વાસ મૂકે છે. 

‘ધુરંધર’એ તો સાઉથ અને બોલિવૂડના બે પરસેપ્શન એટલે કે માસ અને ક્લાસ ને સિંગલ સ્ક્રીન ને મલ્ટીપ્લેક્સનું માસ્ટર ફ્યુઝન કરીને સૌને પ્રભાવિત કર્યા. અને ‘ધુરંધર’ની સફળતાનાં કારણે જ ‘કેજીએફ’ સ્ટાર યશની ‘ટોક્સિક’ને પાછળ ઠેલવવામાં આવી છે.

જો 2023થી 2025 વચ્ચે સાઉથ ઇન્ડસ્ટ્રીને ધ્યાનથી જોવામાં આવે, તો ત્યાં પણ મિશ્ર પરિણામો જોવા મળે છે.

‘સાલાર’, ‘રાજા સાબ’, ‘ઠગ લાઇફ’ અને ‘અઘથિયા’ જેવી ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર સફળ થઈ નહોતી. ‘કુબેરા’ જેવી ફિલ્મ્સને સમીક્ષકોની પ્રશંસા મળી, પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકી નહોતી. આથી સ્પષ્ટ થાય છે કે માત્ર મોટું બજેટ અને સ્ટાર પાવર હવે સફળતાની ગેરંટી નથી. 

આ બધું મળીને એક મહત્ત્વની વાત સ્પષ્ટ કરે છે. ઇન્ડિયન ઓડિયન્સ કોઈ એક ઇન્ડસ્ટ્રીને લોયલ નથી. તે  સારા અનુભવને વફાદાર  છે. જ્યારે બોલિવૂડ મજબૂત ઇમોશન અને એન્ટરટેઇનમેન્ટ સાથે આગળ આવ્યું, ત્યારે દર્શકો પાછા આવ્યા. જ્યારે સાઉથ ફિલ્મ્સએ નવીનતા વગર ફોર્મ્યુલા રિપીટ કર્યો, ત્યારે દર્શકો થોડા દૂર થયા. અને દર્શકો ઇન્ડસ્ટ્રી નહીં, પણ ઇન્ડિયન સિનેમાને લોયલ છે.

બોલિવૂડમાં પણ એક મહત્ત્વનો બદલાવ આવ્યો છે. હવે ફિલ્મ્સ માસ અપીલ ધરાવતી હોવામાં સંકોચ અનુભવતી નથી. ડ્રામા, એલિવેશન અને હીરો મોમેન્ટ્સને ખુલ્લેઆમ સ્વીકારવામાં આવી રહ્યા છે. સાથે સાથે ઇમોશનલ કનેક્ટ જાળવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, જે પહેલાના બોલિવૂડને વિશેષ બનાવતો હતો.

મીડિયાએ પણ સાઉથ વર્સેસ બોલિવૂડ ચર્ચાને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, કારણ કે ટકરાવ હંમેશાં આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે ડિરેક્ટર્સ, એક્ટર્સ અને ટેકનિશિયન્સ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે. દર્શકો તો આ ચર્ચાથી આગળ વધી ગયા છે. આજે તે મલયાલમ થ્રિલર, તેલુગુ સ્પેક્ટેકલ અને હિન્દી ડ્રામા બધું જ જુએ છે, ઘણી વખત એક જ પ્લેટફોર્મ પર.

તો હવે પ્રશ્ન એ છે કે સાઉથ વર્સેસ બોલિવૂડ નેરેટિવ હજુ પણ યોગ્ય છે? જવાબ છે- ના... તમને શું લાગે છે?

લાસ્ટ શોટ

એક એનાલિટિક્સ રિપોર્ટ કહે છે કે 2024માં માત્ર તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ લગભગ હજાર કરોડનું નુકસાન થયું હતું.