Mon Aug 17 2026

Logo

કળિયુગના શ્રવણકુમારઃ દીકરાઓએ માતા-પિતાને કાવડમાં બેસાડી 200 કિમી પગપાળા ચાલીને કરાવ્યાં ગંગા દર્શન

2026-08-09 21:11:00
Author: Mumbai Samachar Team
Article Image

બાગપતઃ ગયા અઠવાડિયા દરમિયાન ત્રણ દીકરીના બાપનું મૃત્યુ થયા પછી વીડિયો કોલ કરીને અંતિમવિધિ કરનારાને 5,100 રુપિયા મોકલવાના સમાચાર હજુ તાજા છે, ત્યારે યુપીના બાગપત રહેવાસી બે દીકરાએ માતાપિતાને કાવડમાં બેસાડીને 200 કિલોમીટર પગપાળા ચાલીને ગંગા દર્શન કરાવ્યા હતા, જે સમાચાર વાયુવેગે ફેલાતા દીકરાઓની નિષ્ઠાને વખાણવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ચિરચિતા ગામના બે ભાઇઓ હરિદ્વારથી લગભગ ૨૦૦ કિમી પગપાળા અંતર કાપી રહ્યા છે. જેની ખાસ વાત એ છે કે બંને ભાઇઓ તેમના માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી રહ્યા છે.

આ દ્રશ્ય જોઇને લોકો અને વટેમાર્ગુઓ માતા-પિતા પ્રત્યેની સેવા અને આદરને જોઇને તેમને કળિયુગના શ્રવણ કુમાર ગણાવી રહ્યા છે. સંજીવ કુમાર અને અનિલ કુમાર નામના બંને ભાઇઓ હરિદ્વાર ગયા હતા. આ ભાઇઓએ હર કી પૌડીમાં ગંગાનુ પવિત્ર જળ એકત્રિત કર્યું, તેમના પિતા વેદરામ અને માતા રાજેન્દ્રને કાવડની બે ટોપલીઓમાં બેસાડ્યા અને બાગપત પરત ફરવાની યાત્રા શરૂ કરી હતી.

આ બંને ભાઇઓ વારાફરતી કાવડ પોતાના ખભા પર ઉઠાવીને લગભગ ૨૦૦ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. યાત્રા દરમિયાન યાત્રાળુઓ તેમની કાવડને જોવા રોકાય જાય છે અને ભાઇઓની સેવા ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે.

બંને ભાઇઓનું કહેવું છે કે તેઓએે ભગવાન પાસે કોઇ ખાસ વરદાન માંગ્યું નથી. તેમના માટે તેમના માતા-પિતાની સેવા કરવી એ જ તેમનું સૌથી મોટું કર્તવ્ય અને તીર્થયાત્રા છે. તેમનું માનવું છે કે જીવનમાં સાચા આશીર્વાદ માતાપિતાનો આદર અને સેવા કરવાથી જ મળે છે. યુવાનોને સંદેશ આપતા તેઓ કહે છે કે જીવનમાં પ્રગતિ માટે માતાપિતાનો આદર અને સેવા કરવી બહુ જરૂરી છે.