શિલોંગ: 2025 માં મેઘાલયમાં હનીમૂન દરમિયાન મધ્યપ્રદેશના નવપરણિત રાજા રઘુવંશીની હત્યાનો મામલો ચર્ચાનો વિષય બન્યો હતો, તપાસ દરમિયાન તેની પત્ની સોનમ રઘુવંશીએ જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની જાણ થઇ હતી. અગાઉ ત્રણ વખત નકારી કાઢવામાં આવ્યા બાદ આખરે ગઈ કાલે મંગળવારે પૂર્વ ખાસી હિલ્સ જિલ્લા કોર્ટે સોનમને જામીન આપ્યા. અહેવાલ મુજબ ગંભીર આરોપો છતાં એક "કારકુની ભૂલ"ને કારણે આરોપી સોનમને કારણે જામીન મળી ગયા.
અહેવાલ મુજબ સોનમ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 403 (1) હેઠળ FIR નોંધવામાં આવી હતી, પરંતુ આ કલમનું કોઈ અસ્તિત્વ જ નથી.
પોલીસે શું ભૂલ કરી?
નોંધનીય છે કે અગાઉ હત્યા સંબંધિત ગુનામાં ઇન્ડિયન પીનલ કોડ(IPC)ની 403(1) હેઠળ કેસ નોંધવામાં આવતો હતો. બે વર્ષ પહેલા IPCને બદલે નવી BNS લાગુ કરવા આવી. હત્યા સંબંધિત ગુના BNSની કલમ 103 હેઠળ આવે છે. આ કલમ હેઠળ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રાખેલા દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે કે તેને તેની ધરપકડ પાછળના કારણોની જાણ કરવામાં આવે.
BNSમાં કલમ 403(1) જ નથી, છતાં મેઘાલય પોલીસે ભૂલથી FIRમાં BNSની કલમ 403(1) હેઠળ ગુનો નોંધ્યો હતો, અગાઉનાં IPC અને BNS વચ્ચે મુંઝવણને કારણે આ ભૂલ થઇ હોઈ શકે છે.
કોર્ટે પોલીસની દલીલો નકારી:
કોર્ટના આદેશ મુજબ, સોનમ રઘુવંશીના ધરપકડ મેમો, નિરીક્ષણ મેમો, અધિકારોની સૂચના મેમો અને કેસ ડાયરીમાં પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ 403(1)નો ઉલ્લેખ છે, જે અસ્તિત્વમાં જ નથી.
મેઘાલય પોલીસે કારકુની ભૂલ થઇ હોવાની દલીલને કરી પણ કોર્ટે આ દલીલો નકારી કાઢી. કોર્ટે કહ્યું કે આરોપીને "ધરપકડ માટે અસરકારક આધાર" આપવામાં આવ્યા ન હતા, જેના કારણે ધરપકડને કાયદેસર ગણી શકાય નહીં.
કોર્ટે બીજી એક ભૂલ તરફ પણ ધ્યાન દોર્યું, કોર્ટે કહ્યું કે ધરપકડ પછી જ્યારે સોનમને પહેલી વાર ગાઝીપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેને વકીલનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી હતી, એવું સાબિત કરે એવું રેકોર્ડ પર કંઈ નથી.
સોનમને જામીન આપતા કોર્ટે કેટલીક શરતો પણ લાદી, સોનમને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સોનમ પૂર્વ પરવાનગી વિના શિલોંગ જિલ્લો છોડી નહીં શકે.
સોનમનો પરિવાર હજુ પણ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યો છે અને તેની તાત્કાલિક મુક્તિ કે રોકાણની વ્યવસ્થા અંગે અનિશ્ચિત છે.