જોધપુર: બળાત્કારના ગુનામાં દોષિત ઠર્યા બાદ આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને રાજસ્થાન હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે આસારામ બાપુના વચગાળાના જામીન 25 મે સુધી લંબાવ્યા છે. કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે તબીબી કારણોસર આશારામ બાપુને આ રાહત આપી છે.
નોંધનીય છે કે હાલ આસારામ વચગાળાના જામીન હેઠળ જેલની બહાર છે, જામીનની મુદત પૂરી થવાની છે એ પહેલાં તેના વકીલે હાઇકોર્ટમાં એક નવી અરજી દાખલ કરી હતી. અરજીમાં કોર્ટને જણાવવામાં આવ્યું કે આશારામ વૃદ્ધ છે અને તેને કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે.
આશારામ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તે લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને તબીબી સારવાર માટે વધુ સમય આપવો જોઈએ.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આ અરજીની સુનાવણી કરી હતી, બેન્ચે જામીનની મુદત વધારવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ પણ મળી ચુક્યા છે જામીન:
નોંધનીય છે કે આસારામ 2013 થી જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ છે. 2018 માં તેમને સગીર પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી, તેઓ સમયાંતરે સ્વાસ્થ્યના કારણોસર કોર્ટમાં અરજી કરતા રહ્યા છે.
નોંધનીય છે કે સગીર પર બળાત્કાર કરવાના આરોપમાં આસારામ વર્ષ 2013 થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે, આ કેસમાં દોષિત ઠર્યા બાદ વર્ષ 2018 માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદથી સ્વાસ્થ્યની તકલીફને કારને કોર્ટમાં અરજી કરતા રહ્યા છે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2025 માં આસારામને ત્રણ મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા, જે પછીથી લંબાવવામાં આવ્યા હતા. 29 ઓક્ટોબર, 2025 ના રોજ, તેમને વધુ છ મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.