Wed Apr 29 2026

Logo

હવે કાગળના પેકિંગમાં મળશે પાન-મસાલા, ગુટકા! પ્લાસ્ટિક પાઉચ થશે બંધ

2026-04-29 15:34:00
Author: Mayurkumar Patel
Article Image

પ્લાસ્ટિકના પાઉચમાં નહીં મળે પાન-મસાલા, પેકેજિંગના નિયમો માટે ડ્રાફ્ટ જાહેર કર્યો

નવી દિલ્હીઃ પાન-મસાલા, ગુટકાનું સેવન કરતાં લોકો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને લઈ હવે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે  પાન-મસાલાના ઉત્પાદનોનું પ્લાસ્ટિક પેકિંગ બદલવાની તૈયારી કરી છે. નાના પ્લાસ્ટિકના પાઉચ (સેશે) પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

ડ્રાફ્ટ કરવામાં આવ્યો જાહેર
FSSAI દ્વારા આ અંગે એક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવા ફેરફારની સીધી અસર પાન મસાલા અને તમાકુ ઉદ્યોગ પર પડી શકે છે. સરકાર આ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ જડમૂળથી ખતમ કરવા ઈચ્છે છે.

ડ્રાફ્ટમાં શું છે
નવા ડ્રાફ્ટ નિયમો અનુસાર, પાન મસાલા અને ગુટકા જેવી પ્રોડક્ટ્સ હવે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે સેશેમાં વેચી શકાશે નહીં. આ બાબતે સરકારનું વલણ ઘણું કડક છે. ડ્રાફ્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પેકેજિંગ માટે પ્લાસ્ટિક, પોલિથિન અથવા પીવીસી જેવી કોઈપણ સિન્થેટિક સામગ્રીનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. એટલું જ નહીં, જે પ્રોડક્ટ્સ અવારનવાર એલ્યુમિનિયમ ફોઇલના ચમકદાર પેકિંગમાં મળતી હતી, તેના પર પણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.

આશ્ચર્યની વાત એ છે કે  આ પ્રતિબંધ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી. ડ્રાફ્ટ મુજબ, આ ઉત્પાદનોના પેકિંગ, સ્ટોરેજ (સંગ્રહ) અને વિતરણમાં પણ કોઈપણ સ્વરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સરકારનું માનવું છે કે પ્લાસ્ટિકના સેશે માત્ર પર્યાવરણ માટે જ જોખમ નથી, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખતરનાક સાબિત થઈ રહ્યા છે.

પેકેજિંગ માટે આ કુદરતી વિકલ્પોનો ઉપયોગ થશે
પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવ્યા બાદ આ ઉત્પાદનો શેમાં વેચવા તે અંગે પ્રશ્ન પણ સામે આવ્યો છે. આ માટે સરકારે કુદરતી અને રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીનો વિકલ્પ આપ્યો છે. હવે પાન મસાલા કંપનીઓએ પેપર, પેપર બોર્ડ અથવા સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય, ટીનના કન્ટેનર અને કાચની બોટલો કે ડબ્બાઓના ઉપયોગની મંજૂરી આપવામાં આવી શકે છે.

ભારતમાં કેટલું છે પાન-મસાલા માર્કેટનું કદ
ઉલ્લેખનીય છે કે ભારતમાં પાન મસાલા માર્કેટનું કદ 2025માં 48,455.9 કરોડ રૂપિયા હતું. એક અંદાજ પ્રમાણે, 2034 સુધી તેનું કદ 67,034 કરોડ રૂપિયા સુધી પહોંચશે. વિવિધ ફ્લેવર્સ અને વેરિઅન્ટ્સની વધતી ઉપલબ્ધતા, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો ઝડપી વિસ્તાર, ઉત્પાદકો દ્વારા પ્રોડક્ટ પ્રમોશનમાં વધારો અને ગ્રાહકોની  આવકમાં થયેલો વધારો એ આ માર્કેટના ગ્રોથને વેગ આપનારા મુખ્ય પરિબળો રહેશે.