Wed Aug 19 2026

Logo

ઈન્સ્ટન્ટ ડિલિવરીથી કંટાળીને Gen Zએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ, જાણો શું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'સ્નેલ મેલ ક્લબ'!

2026-07-30 15:39:00
Author: Darshana Visaria
Article Image

એક જમાનો હતો જ્યારે ઘરની ડોરબેલ વાગતાં જ એક અલગ જ ખુશી થતી કે કોઈ પ્રિયજનની ચિઠ્ઠી કે મનીઓર્ડર લઈને આવ્યું છે. પરંતુ, આજના ડિજિટલ યુગમાં બેલ વાગતા પહેલા જ સોસાયટીની એપ પર નોટિફિકેશન આવી જાય છે કે એમેઝોન, બ્લિકિંટ કે સ્વિગીમાંથી કઈ ડિલિવરી આવી રહી છે. દરવાજે રોજ ડિલિવરીની લાઈનો લાગે છે, પરંતુ હવે એમાં એ રોમાંચ કે મજા નથી રહી, માત્ર ઇન્સ્ટન્ટ સેટિસ્ફેક્શન રહી ગયું છે. આ જ કારણ છે કે આ ફાસ્ટ કલ્ચરથી કંટાળીને લોકો હવે ફરીથી અસલી ચિઠ્ઠીઓ અને 'સ્નેલ મેલ'ની દુનિયા તરફ પાછા વળી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આ નવો ટ્રેન્ડ...

ઈન્સ્ટાગ્રામ કે પિન્ટરેસ્ટ પર 'સ્નેલ મેલ' સર્ચ કરતા જ સુંદર રીતે સજાવેલા કવર્સ જોવા મળે છે, જેના પર જૂના જમાનાની સ્ટેમ્પ્સ, સૂકા ફૂલો, કલરફુલ સ્ટિકર્સ અને આકર્ષક હસ્તલિખિત લખાણ જોવા મળે છે.

શું છે આ 'સ્નેલ મેલ ક્લબ'?
આજના ડિજિટલ થાક ભરેલા માહોલમાં લોકો એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાવા માટે નાના-નાના સમુહો બનાવી રહ્યા છે, અને એટલે જ 'સ્નેલ મેલ ક્લબ' ટ્રેન્ડમાં છે. 'સ્નેલ મેલ' કોઈ નવો શબ્દ નથી, તે જૂના જમાનાથી ચાલી આવે છે કારણ કે ટપાલથી આવતી ચિઠ્ઠી ગોકળગાયની જેમ ધીમી ગતિએ પહોંચતી હતી.

આ મોડેલમાં કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ કે ક્લબ દ્વારા દર મહિને તમને હાથથી લખેલી સુંદર ચિઠ્ઠી, કોઈ આર્ટિસ્ટિક પોસ્ટકાર્ડ અને સ્ટેશનરી આઈટમ્સ મોકલવામાં આવે છે. સાથે જ તેમાં બુકમાર્ક, ફ્રિજ મેગ્નેટ કે સરપ્રાઈઝ એલિમેન્ટ પણ રાખવામાં આવે છે. આ એક સબ્સ્ક્રિપ્શન બેઝ્ડ મોડેલ છે, જેની કિંમત સામાન્ય રીતે 300થી 500 રૂપિયા પ્રતિ મહિનો હોય છે.

નવી પેઢીને કેમ ભા રહી છે આ ટ્રેન્ડ?
આજના યુવાનો માટે આ ટ્રેન્ડ માત્ર જૂની યાદોને તાજી કરવા પૂરતો નથી, પરંતુ તેમને 'એનાલોગ એક્સપિરિયન્સ'નું નવું આકર્ષણ ખેંચી રહ્યું છે. પેન-પાલથી લઈને લેટર-રાઈટિંગ વૉર્કશોપ સુધી, ચિઠ્ઠીઓની આ ભાવના હંમેશા રહી છે, બસ દરેક પેઢીએ તેની સાથે જોડાવાની રીત બદલી છે. આ ક્લબનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ચિઠ્ઠી મેળવવાની ખુશી ફરીથી અનુભવવાનો છે, જેથી તેઓ થોભીને એ ચિઠ્ઠી સાથે સમય વિતાવી શકે, તેની આર્ટવર્ક જોઈ શકે અને પોતાના વિશે શાંતિથી વિચારી શકે.