Wed Apr 29 2026

Logo

સુરતમાં AAPનાં 77, કોંગ્રેસના 95 ઉમેદવોરાની ડિપોઝીટ ડૂલ; 1995 બાદ સુરત મનપામાં વિપક્ષ  નેતાની ઓફિસ રહેશે ખાલી

2026-04-29 12:32:00
Author: Mayurkumar Patel
Article Image

સુરતઃ સુરત મહાનગર પાલિકાની ૩૦ વોર્ડની કુલ 120 બેઠકો ઉપર દાવેદારી કરનારા 483 પૈકી 307 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાની વારો આવ્યો છે. જેમાં ચૂંટણીજંગમાં વિજેતા જાહેર થયેલા તમામ 120 ઉમેદવારો ઉપરાંત 56 ઉમેદવારો ચૂંટણી ભલે ન જીત્યા હોય પરંતુ જરૂર મત મેળવવામાં સફળ રહેતા તેમની ડિપોઝીટ બચી ગઈ છે. જયારે અપક્ષ અને અન્ય રાજકીય પક્ષ તરીકે દાવેદારી કરનાર તમામ 135 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 120 બેઠકો ઉપર 483 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જે પૈકી ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં 115, આમ આદમી પાર્ટીના 4 અને કોંગ્રેસનાં 1 ઉમેદવાર જીત્યા હતા. જેને પગલે કોંગ્રેસનાં કુલ 117 ઉમેદવારો પૈકી 95 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કુલ 111 ઉમેદવારો પૈકી 77 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. જયારે અપક્ષ અને અન્ય રાજકીય પક્ષનાં ઉમેદવાર તરીકે દાવેદારી કરનારા તમામ 135 ઉમેદવારો વિજેતા ઉમેદવાર કરતા સરેરાશ લોક ચતુર્થાંશ મત મેળવી શક્યા ન હોવાથી ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સાથે ભરેલી ડિપોઝીટ પરત મેળવી શકશે નહી. સાથે જ તેમણે નાલોશીભરી હારનો પણ સ્વાદ ચાખવો પડયો  હતો.

1995 બાદ સુરત મનપામાં વિપક્ષ  નેતાની ઓફિસ ખાલી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે આ વર્ષે 115 બેઠક જીતીને ઈતિહાસ રચ્યો હતો. વર્ષ 1995માં ભાજપે 98 બેઠક જીતી હતી અને એક બેઠક અપક્ષને મળી હતી. વર્ષ 2000માં ભાજપને 59, કોંગ્રેસને 25 અને અન્યને 15 બેઠક મળી હતી. વર્ષ 2005માં ભાજપને 90, કોંગ્રેસને 11 અને અન્યને એક બેઠક મળી હતી. વર્ષ 2015માં ભાજપને 80 અને કોંગ્રેસને 36 બેઠક મળી હતી. જયારે વર્ષ 2021માં ભાજપને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી. 

વર્ષ 2026 એટલે કે વર્તમાન ચૂંટણીમાં ભાજપને 115, આપને 4 અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. નિયમ મુજબ નિયમ મુજબ પાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી છ બેઠકો હોવી જરૂરી છે. પરંતુ આ વખતે આપ 4 અને કોંગ્રેસ એક મળીને પણ આ આંકડો સ્પર્શી શકતા નથી. જેને પગલે વર્ષ 1995 પછી ફરી એકવાર સુરત મનપાની કચેરીમાં વિપક્ષી નેતાની કેબિન ખાલી જોવા મળશે. આ સાથે ગાડી અને ફોન જેવી સુવિધાઓ પણ મનપાએ પુરી પાડવાની રહશે નહીં. વિપક્ષ નેતાની કોઇ ભૂમિકા નહીં હોવાને કારણે હવે સુરત પાલિકાના અધધ કહી શકાય તેવા 11 હજાર કરોડના વહીવટ પર ભાજપનું એકહથ્થું શાસન રહેશે.