મુંબઈ: મતદાર યાદીના વિશેષ સઘન પુનનિરીક્ષણ (એસઆઈઆર)ને લઈને ચૂંટણી પંચની કામગીરી અંગેનો વિવાદ વધુ ગરમાયો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ચૂંટણી પંચની કામગીરીની તપાસ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માગણી કરી છે. બીજી તરફ, શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
ચવ્હાણે આરોપ લગાવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના સાથી ચૂંટણી કમિશનરો સાથે પૂરતી ચર્ચા કર્યા વિના ચૂંટણી પંચ વતી નિર્ણયો લઈ રહ્યા હતા. તેમણે સમગ્ર મામલાની વિગતવાર તપાસની માગ કરી છે. તાજેતરમાં બહાર પડેલા એક ચોંકાવનારા મીડિયા અહેવાલમાં ચૂંટણી પંચની આંતરિક કામગીરી અંગે કરવામાં આવેલા દાવાઓ બાદ આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે.
આ અહેવાલ મુજબ ચૂંટણી કમિશનર એસ.એસ. સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં મતદાર નોંધણી, નામ ઉમેરવા-કાઢવા, નામ પુનઃસ્થાપિત કરવા અને એસઆઈઆર સાથે જોડાયેલા કેટલાક નિર્ણયોને લઈને ઓછામાં ઓછા 14 વખત લેખિત વાંધા નોંધાવ્યા હતા. અહેવાલમાં ચૂંટણી પંચના આંતરિક દસ્તાવેજો અને નિર્ણય પ્રક્રિયાને લગતી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જોકે, ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બરે આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પંચે જણાવ્યું હતું કે SIR સંબંધિત નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. ભવિષ્યની બેઠકોમાં એજન્ડા અગાઉથી વહેંચવા અને બેઠકોની કાર્યવાહી નોંધવાની વ્યવસ્થા અંગે પણ પંચે માહિતી આપી હતી.
ચવ્હાણે આ સ્પષ્ટતા બાદ સવાલ ઉઠાવ્યો કે જો SIRના નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા, તો અગાઉ નોંધાયેલા વાંધાઓને કેવી રીતે સમજવા જોઈએ. તેમણે બંધારણની કલમ 324 હેઠળ ચૂંટણી પંચની ભૂમિકા અને સત્તાઓનો ઉલ્લેખ કરીને સમગ્ર મામલે તપાસની જરૂરિયાત વ્યક્ત કરી છે.
ચવ્હાણે ઈન્ડી ગઠબંધનની બેઠક બોલાવવાની પણ માગ કરી છે. તેમણે સૂચન કર્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળે અને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માગ રજૂ કરે. જરૂરી હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મામલાની નોંધ લેવામાં આવે તેવી માગ તેમણે કરી છે.
દરમિયાન, શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે પણ ચૂંટણી પંચના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. રાઉતે આરોપ લગાવ્યો કે સરકારનું મુખ્ય ધ્યાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવવા પર છે. તેમના આ નિવેદનથી પણ એસઆઈઆર અને ચૂંટણી પંચની કામગીરી અંગેની રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની છે.
હાલ સમગ્ર મામલામાં એક તરફ ચૂંટણી પંચ એસઆઈઆર સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું કહી રહ્યું છે, જ્યારે બીજી તરફ વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચની આંતરિક નિર્ણય પ્રક્રિયા અને અગાઉ નોંધાયેલા વાંધાઓ અંગે તપાસની માગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય અને કાનૂની ચર્ચા થવાની શક્યતા છે.