આર. સી. શર્મા
શીતળા માતા દેવી દુર્ગાનું જ એક રૂપ છે. તેઓ વાસી ભોજન, ગોળ અને દહીં પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ વર્ષે 10 માર્ચે શીતળા સપ્તમી અને 11 માર્ચે શીતળા અષ્ટમી છે. એ દિવસે શીતળા માતાને વાસી ભોજનનો ભોગ ધરવામાં આવતો હોવાથી એને બસોડા પણ કહેવામાં આવે છે. આ પર્વ અતિશય મહત્ત્વનો છે કેમ કે ધાર્મિક આસ્થાની સાથે સ્વાસ્થ્યની વૈજ્ઞાનિક પરંપરા પણ તેની સાથે જોડાયેલી છે.
હોળીના આઠ દિવસ પછી આ તહેવારને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં મનાવવામાં આવે છે. શીતળા માતાને રોગ નિવારણના દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. ગામડામાં લીમડાના ઝાડ પર શીતળા માતા માટે જળ ચડાવવામાં આવે છે.
એક સમયે જ્યારે દેશમાં ઓરી, અછબડા બાળકોમાં નીકળતા હતા ત્યારે એને શીતળા માતા સાથે પણ જોડવામાં આવતા હતા. ત્વચાના રોગ અને સંક્રમણથી રક્ષા કરનારી આ દેવી છે. શીતળા શબ્દનો અર્થ છે શીતળતા પ્રદાન કરનાર. શીતળા માતા ગધેડા પર સવાર, હાથમાં ઝાડુ, કળશ અને લીમડાના પાંદડાંની સાથે દેખાય છે.
આ બધાં પ્રતીકો આરોગ્ય સાથે સંકળાયેલા છે એનો અર્થ થાય છે સાફ-સફાઈ, બીમારીઓ અને અશુદ્ધિઓને દૂર કરવા. કળશ જીવન અને સ્વાસ્થ્યનો સ્તોત્ર છે. લીમડાનાં પાંદડાંઓમાં ઔષધિય ગુણ છે જે રોગપ્રતિરોધક છે. તો ગધેડા વિનમ્રતા અને સેવાભાવના પ્રતીક છે.
ભારતમાં અનેક વર્ષો પહેલાં અન્ય સંક્રમક રોગોનો વ્યાપક પ્રકોપ ફેલાયેલો રહેતો હતો. એથી આધુનિક ચિકિત્સા-વિજ્ઞાનનો વિકાસ થયો એ પહેલાં આ બીમારીથી બચવા માટે દેવી-દેવતાઓ ની પૂજા કરવામાં આવતી હતી. શીતળા માતાની પૂજા પણ આ જ સામાજિક-સ્વાસ્થ્ય સંદર્ભથી જોડાયેલી છે.
સદીઓ પહેલા જ્યારે ગામડાઓમાં ચિકન પોક્સનો ફેલાવો થતો ત્યારે લોકો એમ માનતા કે શીતળા માતાનો તેમના પર પ્રકોપ થયો છે. એથી આ પ્રકોપથી બચવા લોકો તેમની આરાધના કરતાં હતાં. સાથે જ બીમારને ઠંડક આપવા માટે લીમડાના પાંદડાંઓનો ઉપયોગ કરતા હતા.
બીમારને લીમડાના ઝાડ નીચે બેસાડવામાં આવતા જેથી તેને ઠંડકની સાથે આરામ પણ મળે.
શીતળા અષ્ટમી ઉજવવાની પાછળ કેટલાંક કારણો પણ છે. જેમ કે, બીમારની રોગોથી રક્ષા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવે. આ સાથે જ ઋતુમાં આવેલા પરિવર્તનનું પણ સ્વાગત કરવામાં આવે. શીતળા અષ્ટમીના દિવસે માતાઓ તેમના પરિવાર અને બાળકોની સલામતી માટે પ્રાર્થના કરે છે. સ્મોલપોક્સ ખૂબ ઝડપથી ફેલાય છે. ઘરમાં એકને થાય તો અન્યને પણ એ થતા સમય નથી લાગતો.
શીતળા અષ્ટમીના દિવસે ઠંડો ખોરાક ખાવાની પરંપરા છે. એ દિવસે પૂરી, કઢી-ચોખા, દહીં પકવાન ખાવાની પરંપરા છે. એનાથી શરીરને પણ ટાઢક મળે છે. એનાથી પાચન વ્યવસ્થા પણ સંતુલિત રહે છે.
શીતળા માતાના હાથમાં રહેલા લીમડાનાં પાંદડાં હંમેશાંથી એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ વાઇરલ રહ્યો છે. એ આપણને અનેક સ્વાસ્થ્ય સુરક્ષાના લાભ આપે છે. એથી શીતળા અષ્ટમી માત્ર એક પર્વ, આસ્થા કે ધર્મ નથી, પરંતુ વિજ્ઞાન સાથેનો પણ અનોખો સંબંધ ધરાવે છે.