Mon Oct 05 2026

Logo

ક્રૂડતેલના ભાવઘટાડા સાથે ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક, સેન્સેક્સમાં 299 પૉઈન્ટનો સુધારો

2026-09-23 20:00:30
Author: Ramesh Gohil
ક્રૂડતેલના ભાવઘટાડા સાથે ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક, સેન્સેક્સમાં 299 પૉઈન્ટનો સુધારો

વર્તમાન નાણાકીય વર્ષ માટે એશિયન ડેવલોપમેન્ટ બૅન્કે સાત ટકા વૃદ્ધિદરનો અંદાજ મૂકતા બજારને ટેકો મળ્યો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
 પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ હળવો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ બેરલદીઠ 100 ડૉલર કરતાં નીચી સપાટીએ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલના ઘટાડા બાદ બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 299.17 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 117.80 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 74,529.08ના બંધ સામે વધીને 74,648.32ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 74,599.88 અને ઉપરમાં 74,973.74 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.40 ટકા અથવા તો 299.17 પૉઈન્ટ વધીને 74,828.25ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,329ના બંધ સામે વધીને 23,352.15ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,349.55 અને ઉપરમાં 23,466.90ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.50 ટકા અથવા તો 117.80 પૉઈન્ટ વધીને 23,446.80ની સપાટીએ બંધ રહ્યો હતો. 

આજે લિસ્ટ થયેલા નવા શૅરોમા જિન્દાલ સુપ્રીમનાં શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 93ના ઈશ્યૂભાવ સામે 31 ટકા પ્રીમિયમથી થયું હતું. જેમાં બીએસઈ ખાતે ભાવ ઈશ્યૂ ભાવ સામે 31 ટકા વધીને રૂ. 121.90ના મથાળે અને એનએસઈ ખાતે લિસ્ટિંગ 29 ટકાના પ્રીમિયમ સાથે શૅરદીઠ રૂ. 120ના ભાવથી થયું હતું. જોકે, સત્રના અંતે બીએસઈ  અને એનએસઈ ખાતે ભાવ પાંચ ટકા વધીને રૂ. 126ના મથાળે બંધ રહ્યા હતા. 

જોકે, આજે હીરો મોટર્સનાં શૅરનું બીએસઈ ખાતે લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 84ના ભાવ સામે 2.26 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 82.10ના મથાળે અને એનએસઈ ખાતે 2.38 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 82ના મથાળે થયું હતું, પરંતુ ત્યાર બાદ 17.27 ટકા જેટલું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ સત્રના અંતે બીએસઈ ખાતે ભાવ 17.27 ટકા વધીને રૂ. 98.51ના મથાળે અને એનએસઈ ખાતે ભાવ 17.14 ટકા વધીને રૂ. 98.40ના મથાળે બંધ રહ્યા હતા. 

પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થવાના આશાવાદ ઉપરાંત વિશ્વ બજારમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડના ભાવ બેરલદીઠ 90 ડૉલરની અંદર રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સાર્વત્રિક સ્તરેથી લેવાલી નીકળતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટેક કંપની એનરિચ મનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આર પોન્મુડીએ જણાવ્યું હતું. 

વધુમાં એશિયન ડેવલોપમેન્ટ બૅન્કે ભારતનાં મક્કમ આંતરિક પરિબળોને ધ્યાનમાં લેતા વર્તમાન નાણાકીય વર્ષ માટેનાં જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સાત ટકા મૂક્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે બજારનાં સુધારાને પ્રેરકબળ પૂરું પાડ્યું હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ભૂરાજકીય જોખમો હળવા થવાની શક્યતા, ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને સ્થાનિક આર્થિક વૃદ્ધિદર મજબૂત રહેવાની શક્યતાઓને ધ્યાનમાં લેતા આજે માત્ર લાર્જકેપ સેગ્મેન્ટ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી રોકાણકારોની લેવાલીનો ટેકો મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે અગાઉ વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સ અને ફિચે પણ ભારતના જીડીપી વૃદ્ધિદરના અંદાજમાં સુધારો કર્યો હતો.

વધુમાં જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના ઉત્પાદનના ડેટા મજબૂત આવતા ફુગાવામાં વધારો થવા છતાં સ્થાનિક અર્થતંત્રમાં મક્કમ વલણ રહેવાનો વિશ્વાસ થતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હતો. 

આજે બીએસઈ ખાતે કુલ 4597 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં 2809 શૅરના ભાવ વધીને, 1579 શૅરના ભાવ ઘટીને અને 209 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 178 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 85 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 21 શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 3.28 ટકાનો સુધારો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં 3.07 ટકાનો, આઈટીસીમાં 1.77 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.73 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.68 ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.50 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય આજે એચસીએલ ટેક્નોલૉજીસમાં સૌથી વધુ 1.10 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં 1.03 ટકાનો, ટીસીએસમાં 0.95 ટકાનો, ટાઈટનમાં 0.60 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 0.49 ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એનટીપીસીમાં 0.15 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 0.14 ટકાનો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 0.08 ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 14 શૅરના ભાવ ઘટીને અને 36 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. 

આજે બીએસઈ ખાતેના સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.85 ટકાનો અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.79 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મેટલ ઈન્ડેક્સમાં 2.37 ટકાનો, કૉમોડિટી ઈન્ડેક્સમાં 1.64 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 1.49 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 1.47 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 1.30 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 1.18 ટકાનો, અને રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.11 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.93 ટકાનો અને આઈટી ઈન્ડેક્સમાં 0.77 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનાં હૅંગસૅંગ ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે જાપાનની બજાર જાહેર રજાને કારણે બંધ રહી હતી. તેમ જ મધ્ય સત્ર દરમિયાન યુરોપની બજારોમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.