Fri Apr 17 2026

Logo

શેરબજાર લોહીલૂહાણ: રૂ. ૧૩ લાખ કરોડનું ધોવાણ, ચાંદીમાં રૂ. ૨૦,૦૦૦નો જોરદાર કડાકો

2026-03-19 19:38:10
Author: Nilesh Wagela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સતત વધી રહેલી ભીષણતા વચ્ચે હચમચી ગયેલા વિશ્ર્વબજારમાં ગુરુવારે સેન્સેક્સમાં ૨૫૦૦ પોઇન્ટનો કડાકો, માર્કેટ કેપમાં રૂ. ૧૩ લાખ કરોડનું ધોવાણ, સોનામાં દસ ગ્રામે રૂ. ૭૦૦૦ અને ચાંદીમાં કિલોદીઠ રૂ. ૨૦,૦૦૦નો જોરદાર કડાકો નોંધાયો હતો.

બંને શત્રુપક્ષ હવે ઓઇલ મથકોને લક્ષ્યાંક બનાવી રહ્યાં હોવાથી ગેસ અને તેલની અછતના ભણકારા વચ્ચે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે ફેડ દ્વારા વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મુકાતા શેરબજારની સાથે સોનાચાંદીમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું. ફોરેક્સ માર્કેટમાં ડોલર મજબૂત થવાને કારણે રૂપિયો પણ રોજ નવું વિક્રમી તળિયું બતાવી રહ્યો છે.

ગુરુવારના ધોવાણમાં બીએસઇનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૩૯ લાખ કરોડ સામે રૂ.૧૨.૮૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૬.૧૩ લાખ કરોડ રહ્યું હતું. ફેબ્રુઆરીએ અખાતી કટોકટી શરૂ થવાથી અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાંથી કુલ રૂ. ૩૭ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.

સેન્સેક્સ દિવસ દરમિયાન ૨,૭૫૩.૧૮ પોઈન્ટ અથવા ૩.૫૮ ટકા તૂટીને ૭૩,૯૫૦.૯૫ની સપાટીને અથડાયા બાદ અંતે ૨,૪૯૬.૮૯ પોઈન્ટ અથવા ૩.૨૬ ટકા ઘટીને ૭૪,૨૦૭.૨૪ પર સ્થિર થયો હતો, જે જૂન ૨૦૨૪ પછીનો તેનો સૌથી મોટો એક દિવસીય કડાકો દર્શાવે છે. જ્યારે નિફ્ટી ૭૭૫.૬૫ પોઈન્ટ અથવા ૩.૨૬ ટકા ઘટીને ૨૩,૦૦૨.૧૫ પર બંધ થયો હતો.

એ જ રીતે, બુલિયન બજારમાં પણ કડાકાનો દોર ચાલુ રહ્યો હતો. કોમેક્સ ગોલ્ડે લગભગ ૧૦૦ ડોલરના કડાકા સાથે ૪૭૦૦ ડોલરની સપાટી તોડી નાખી હતી. કોમેક્સ ગોલ્ડમાં બે દિવસમાં લગભગ ૩૦૦ ડોલરનું ધોવાણ થયું છે. સ્થાનિક ઝવેરી બજારમાં શુદ્ધ સોનાનો ભાવ દસ ગ્રામદીઠ રૂ. ૬૯૯૦ના કડાકા સાથે રૂ. ૧,૪૭,૮૮૯ અને ૯૯૫ ટચના સોનાના ભાવ રૂ. ૬૯૫૯ પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે રૂ. ૧,૪૭,૨૯૭ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે હાજર ચાંદી એક કિલોેદીઠ રૂ. ૨૦,૦૦૩૪ના જોરદાર કડાકા સાથે રૂ. ૨,૪૯,૯૦૭ની સપાટીએ સ્થિર થઇ હતી..

વૈશ્ર્વિક શેરબજારમાંથી નબળા સંકેતો અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠામાં સંભવિત વિક્ષેપ અને ફુગાવા અંગેની ચિંતાઓએ રોકાણકારોને વધુ વેચવાલી કરવા પ્રેર્યા હતા. આ ઉપરાંત એફઆઇઆઇની સતત વેચવાલીએ પણ ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું.

ક્રૂડ ઓઇલ સપ્લાયમાં સંભવિત વિક્ષેપો, વધતા ફુગાવાના દબાણ અને આર્થિક વિકાસ પર સંભવિત અસર અંગેની ચિંતા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત વેચાણ અને રૂપિયામાં નબળાઈએ રોકાણકારોનું માનસ ખોરવી નાખ્યું છે.સેન્સેક્સની બધી જ 30 સ્ક્રિપ ઘટી હતી. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.439 લાખ કરોડથી રૂ.12.87 લાખ કરોડ ઘટીને રૂ.426.13 લાખ કરોડ રહ્યું હતું.

બધા સેક્ટરલ ઈન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં મુખ્યત્વે ઓટો 4.07 ટકા, રિયલ્ટી 3.79 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ 3.66 ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી 3.62 ટકા, પ્રાઈવેટ બેન્ક્સ ઈન્ડેક્સ 3.61 ટકા, ટોપ 10 બેન્ક્સ 3.61 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 3.53 ટકા, સર્વિસીસ 3.44 ટકા, આઈટી 3.41 ટકા, ફોક્સ્ડ આઈટી 3.41 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 3.38 ટકા અને બેન્કેક્સ 3.32 ટકા, મેટલ 3.21 ટકા અને કોમોડિટીઝ 3.18 ટકા ઘટ્યા હતા.

એક્સચેન્જમાં 4,404 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું. 1,051 સ્ક્રિપ્સ વધી હતી, 3,192 સ્ક્રિપ્સ ઘટી હતી અને 161 સ્ક્રિપ્સ સ્થિર રહી હતી. 53 સ્ટોક્સ બાવન સપ્તાહની ઉચ્ચ સપાટીએ અને 368 સ્ટોક્સ બાવન સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. 16 સ્ક્રિપ્સને ઉપલી અને 12 સ્ટોક્સને નીચલી સર્કીટ લાગી હતી.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ 150 મિડકેપ 3.04 ટકા અને બીએસઈ 250 સ્મોલકેપ 2.58 ટકા ઘટ્યા હતા.સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 2.77 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.91 ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે ઈટર્નલ 5.65 ટકા, બજાજ ફાઈનાન્સ 5.42 ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 5.25 ટકા, એચડીએફસી બેન્ક 5.13 ટકા, લાર્સન 4.72 ટકા, ઈન્ડિગો 4.66 ટકા, બજાજ ફિનસર્વ 4.47 ટકા, ટ્રેન્ટ 4.32 ટકા, એક્સિસ બેન્ક 3.69 ટકા, ઈન્ફોસિસ 3.69 ટકા, મારુતિ 3.55 ટકા અને તાતા કન્સલ્ટન્સી 3.47 ટકા ઘટ્યા હતા.