Mon Oct 05 2026

Logo

શેરબજારમાં હાહાકાર: વૈશ્વિક માર્કેટમાં અફડાતફડી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં, અબજો રૂપિયા સ્વાહા

2026-09-24 14:57:00
Author: Mumbai Samachar Team
શેરબજારમાં હાહાકાર: વૈશ્વિક માર્કેટમાં અફડાતફડી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં, અબજો રૂપિયા સ્વાહા

Ai Image


મુંબઈઃ શેરમાર્કેટમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ અફડાતફડીવાળો રહ્યો છે, જેમાં ઓપનિંગ સેશનમાં ઉછાળા પછી ઈન્ટ્રા ડેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટમાં ટ્રેન્ડ શરૂ થતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ દઈને નીચે ઊતર્યા હતા. BSE Sensexમાં ઈન્ટ્રા ડેમાં 1200 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. મુંબઈ સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા બેન્ચમાર્ક સેન્સેક્સ ઈન્ડેક્સ ઓપનિંગની સાથે જ 700 પોઈન્ટ પર ઝોલા ખાવા લાગ્યો તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી ઈન્ડેક્સ પણ સેન્સેક્સના પગલે પગલે ધીમે ધીમે નીચે ઊતરતો ગયો હતો. નિફ્ટી માર્કેટ શરૂ થતાની સાથે 200 પોઈન્ટ નીચે ઊતર્યો હતો. 

માર્કેટમાં બદલાઈ રહ્યા છે વલણ
જેમ જેમ દિવસ આગળ વધ્યો એમ માર્કેટમાં વલણ બદલાતા રહ્યા હતા. ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરના સમયે BSE સેંસેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે નિફ્ટીમાં 300 પોઈન્ટ સુધી ગબડ્યો હતો. શેર માર્કેટમાં ઘટાડા પાછળના કારણની વાત કરવામાં આવે તો અમેરિકાથી લઈ એશિયાઈ વૈશ્વિક માર્કેટમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. શેરમાર્કેટ ડાઉન થતા 250 પોઈન્ટ પર ગગડ્યો હતો. 
આ પાછળનું કારણ એ હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. 100 ડૉલરને પાર ટ્રેન્ડ કરી રહ્યો હતો. શેરબજારમાં ભારે અસ્થિરતા પ્રવર્તી રહી છે અને આવા માહોલ વચ્ચે NSEના શેર બજારમાં પ્રવેશવા જઈ રહ્યા છે. આ બાબતે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ₹ 22,561.57 કરોડનું મૂલ્ય ધરાવતો NSEનો IPO 17થી 21 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્લો હતો. 

આ કંપનીના શેરમાં તોતિંગ ઘટાડો
તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ગ્રે માર્કેટના સંકેતો નબળા લિસ્ટિંગ તરફ ઈશારો કરી રહ્યા છે. લિસ્ટિંગના થોડા સમય પહેલાં NSEના IPOનું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) માત્ર 2 ટકાની આસપાસ છે. માર્કેટ ક્રેશના માહોલ વચ્ચે રિલાયન્સથી લઈ HDFC બેંક સુધી શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ જે શેરને નુકસાન થયું એમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વે શેર અને કોટક બેંક શેરનો સમાવેશ થાય છે. જેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટ અથવા 1.57 ટકા ઘટીને 73528 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 375 પોઈન્ટ ઘટીને 23048 પર પહોંચી ગયો હતો.

શરૂઆતમાં આવી સ્થિતિ રહી
ગુરુવારે શેરબજારમાં કારોબારની શરૂઆત સાથે જ BSE સેન્સેક્સ 74,272ના સ્તરે ખુલ્યો હતો, જે અગાઉના 74,828ના બંધ ભાવ કરતાં નીચો હતો અને ત્યારબાદ થોડી જ મિનિટોમાં તેમાં ભારે ઘટાડો નોંધાયો. કારોબારની શરૂઆતની માત્ર પાંચ મિનિટમાં જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ્સ ગગડીને 74,120ના સ્તર પર આવી ગયો. 
NSE નિફ્ટીની વાત કરીએ તો શરૂઆતના કારોબારમાં 50-શેરનો આ સૂચકાંક પણ સેન્સેક્સની જેમ જ આગળ વધતો જોવા મળ્યો હતો જે 23,221 પોઈન્ટના મથાળે ખૂલ્યો—જે અગાઉના 23,446ના બંધ ભાવ કરતાં નીચો હતો અને ત્યાર બાદ 200થી વધુ પોઈન્ટ્સના ઘટાડા સાથે 23,205ના સ્તરે કારોબાર કરવા લાગ્યો.

બજાર તૂટવા પાછળના કારણો
ભારતીય સ્ટોકમાર્કેટમાં તબાહીના સંકેતો ગઈકાલે મળી ચૂક્યા છે, જેમાં બુધવારે ડાઉ જોન્સ, નેસ્ડેક પણ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા, જ્યારે માર્કેટ તૂટવા પાછળના મહત્ત્વના કારણોમાં ઈર્ડા દ્વારા ઈન્શ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશન કમિશન પર કેપ લગાવવાના પ્રસ્તાવને કારણે ફિનટેક સહિત વીમા કંપનીના સ્ટોકમાં ધોવાણ થયું હતું, જ્યારે બેન્કિંગ સ્ટોક તૂટ્યા હતા. અમેરિકન બોન્ડમાં ઉછાળાની સાથે વૈશ્વિક સ્ટોકમાર્કેટમાં જોરદાર ધોવાણ રહ્યું હતું. અમેરિકન બોન્ડ યિલ્ડમાં તેજીના કારણે એફઆઈઆઈએ ભારતીય માર્કેટમાંથી પૈસા કાઢીને અમેરિકન માર્કેટમાં નાખી રહ્યા હોવાનો નિષ્ણાતોએ દાવો કર્યો હતો.