Thu Jul 23 2026

Logo

ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદથી તબાહી જ તબાહી, રજા જાહેર કરવી પડી

2026-07-22 08:23:00
Author: Mayur Patel
Article Image

AI Image


વલસાડઃ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ફરી એક વખત ધમરોળ્યું છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી તબાહી જ તબાહી છે. સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા કલેકટરે રજા જાહેર કરી હતી. ગત મોડીરાતે જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે સૂચના આપી હતી.

વલસાડમાં કેટલો પડ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 15.63 ઇંચ, નાનાપોંઢામાં 11.02 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, ધરમપુરમાં 6.77 ઇંચ, ઉમરગાંવમાં 5.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં રાતભર વરસેલા ધોધમાર વરસાદથી ઠેર-ઠેર  પાણી ભરાયા છે. વાપીના જગન પાર્ક, ચલા વિસ્તાર, સૂર્યા સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નાનાપોંઢાથી અંભેટી તરફ જતા મુખ્ય રસ્તા પર નદી-નાળાના પાણી ફરી વળતાં વાપીથી અંભેટી અને નાનાપોંઢાને જોડતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તા પર ભયજનક સપાટીએ પાણી વહી રહ્યા હોવા છતાં પસાર થવાનો પ્રયાસ કરતી એક ખાનગી બસ પૂરના પાણી વચ્ચે ફસાઈ ગઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા છે.સ્થિતિને પહોંચી વળવા માટે સુરત અને વલસાડમાં NDRF અને SDRF ની ટીમો ગોઠવી દેવામાં આવી છે. લોકોના બચાવ અને રાહત કામગીરી માટે SDRF ની વધારાની ૩ ટુકડીઓ પણ મોકલવામાં આવી છે.

હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.  સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જયારે ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાંવરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 15 ઇંચથી વધારે, એક તાલુકામાં 11 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 5 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 4 ઇંચથી વધારે, છ તાલુકામાં 3 ઇંચથી વધારે, સાત તાલુકામાં 2 ઇંચથી વધારે, 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 133 તાલુકામાં એક ઇંચ સુધીનો હળવો વરસાદ પડ્યો હતો.