Mon Oct 05 2026

Logo

ગણેશોત્સવનો અનોખો રંગ: સાવરકુંડલામાં 26 લાખની નોટો અને ડૉલર વચ્ચે બિરાજ્યા વિઘ્નહર્તા!

2026-09-23 11:42:38
Author: Mayur Patel
ગણેશોત્સવનો અનોખો રંગ: સાવરકુંડલામાં 26 લાખની નોટો અને ડૉલર વચ્ચે બિરાજ્યા વિઘ્નહર્તા!

સાવરકુંડલાઃ હાલ સમગ્ર દેશમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે પંડાલોમાં ગણપતિ બાપાના અવનવા શણગાર જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં કરવામાં આવેલો ‘લખપતિ ગણપતિ’નો અનોખો શણગાર સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સદભાવના ગ્રુપ દ્વારા આ વર્ષે વિઘ્નહર્તાને અંદાજે  રૂ. 26 લાખની ભારતીય ચલણી નોટો તેમજ અમેરિકન ડૉલરથી સજાવવામાં આવ્યા છે. ગણપતિ બાપાની આસપાસ રૂ. 10થી લઈને રૂ. 500 સુધીની અસલી ચલણી નોટોની કલાત્મક ગોઠવણી કરવામાં આવી છે. પંડાલની આસપાસની દીવાલોને પણ નોટોથી આકર્ષક રીતે શણગારવામાં આવી છે. ભારતીય રૂપિયાની સાથે અમેરિકન ડૉલરનો ઉમેરો થતાં ‘લખપતિ ગણપતિ’નું સ્વરૂપ અત્યંત ભવ્ય અને શાહી લાગી રહ્યું છે.

સદભાવના ગ્રુપ છેલ્લા 15 વર્ષથી સાવરકુંડલામાં ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવે છે અને દર વર્ષે કંઈક નવો જ વિચાર રજૂ કરે છે. બાપાના આ ‘લખપતિ’ સ્વરૂપના દર્શન કરવા માટે માત્ર સાવરકુંડલા શહેર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા અને વડિયા જેવા તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. સામાન્ય રીતે ફૂલો કે સોના-ચાંદીના આભૂષણોથી શણગાર થતો હોય છે, ત્યારે આ પ્રકારનો ચલણી નોટો અને વિદેશી કરન્સીનો શણગાર ભક્તો માટે કૌતુક અને અનોખો અનુભવ સાબિત થયો છે.

સદભાવના ગ્રુપની આ ઉજવણી માત્ર ધાર્મિક પૂરતી સીમિત નથી. આયોજકો ગણેશ મહોત્સવના માધ્યમથી છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. ઉત્સવ દરમિયાન એકત્ર થતી આવકનો મોટો હિસ્સો ગરીબોની સહાય અને લોકઉપયોગી કાર્યોમાં વાપરવામાં આવે છે. આમ, અનોખા શણગાર, અતૂટ આસ્થા અને નિઃસ્વાર્થ સમાજસેવાના ત્રિવેણી સંગમ સમાન સાવરકુંડલાનો આ ગણેશોત્સવ સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રશંસા પામી રહ્યો છે.