Wed May 20 2026

Logo

જ્યાં શ્રદ્ધા રાખવાની હોય ત્યાં અપેક્ષા રાખવાની ભૂલ ન કરાય...

2026-03-13 08:44:00
Author: અરવિંદ વેકરિયા
Article Image

સાત્વિકમ્‌ શિવમ્‌:

અરવિંદ વેકરિયા

ગત સપ્તાહે શાંતિલાલ જાધવ નામના વાચકભાઈએ મહેન્દ્ર બોહરાની ફિલ્મનું નામ યાદ કરાવેલું, આજે એમણે એમનાં અવસાનનાં ખબર આપ્યા. ઓમ શાંતિ.

મુળુભા આવતે સોમવારે બરોડાથી આવી જાય છે એવો મેસેજ ઇન્દુભાભીએ મને ફોન પર આપ્યો. ભાઈદાસ-પાર્લાના શો પછી વિજય-મુકેશ-દેવેશનો નિર્ણય આવશે એવી મને આશા હતી. મુળુભાને મળી આગળ વિચારવું. મુળુભાએ સામેથી જણાવ્યું એટલે ગુસ્સો ઠંડો પડ્યો. જોકે ગુસ્સો અસ્થાને હતો, કારણ કે મહેન્દ્ર બોહરાને ભલામણ તો એમણે જ મારી કરેલી. મોટા બનીએ પણ એની સામે નહિ જેણે આપણને મોટા કર્યા એનું ભાન થયું.

ભાઈદાસ બપોરનો `મળે સૂર...' નો શો ઠીક રહ્યો. બીજે દિવસે ચારે જણે મળવાનું નક્કી કર્યું. મનોમન મેં મુળુભાને મંગળવારે મળવાનું નક્કી કર્યું. સોમવારે સાંજે અમે મળ્યાં. વિજય રાવલે આખી બેલેન્સ-શીટ કાઢી. કહે, `અત્યાર સુધીનું પ્લસ- માઈનસ કરતાં થોડી નુકસાની આવે છે, કદાચ એ સહન કરતાં આગળ પણ વધીએ પણ `હાઉસ' દરેક શોમાં ઘટતું જ જાય છે. ક્યારેક ટાંટિયા મળે તો ક્યારેક કલેક્શનમાં મૂઢમાર પણ વાગે છે. મુકેશ-દેવેશની ઇચ્છા હજી થોડાં શો કરવાની છે, પણ મારા નિર્માણના અનુભવે મારી જરા પણ ઇચ્છા નથી.'

મને એ નિર્ણય ગમ્યો. મુકેશ-દેવેશ થોડા અસમંજસમાં હતા પણ વિજયનો નિર્ણય ઉથાપી શક્યા નહિ. મને શો નાં `હાઉસ'નાં આંકડા જોઈ અફસોસ તો થતો જ હતો પણ સાથે મહેન્દ્ર બોહરાના નાટકની શરૂઆત કરવાનો છૂપો સ્વાર્થ પણ મનમાં રમતો હતો. મેં મારો મત રજુ કર્યો `જુઓ, તમે તુષારભાઈનાં પ્રોબ્લેમને કારણે આ નાટક આગળ ચલાવવાનું બીડું ઝડપ્યું. કલાકારોને બેકાર બનાવતાંમાંથી ઉગારી લીધાં. નાટક સારું પણ જતું હતું. ખૂબ પ્રસંશા પણ પામેલું. તમે હાથમાં લીધાં પછી પણ ઘણાં શો સારા ગયા. 

હવે ખોટ જાય છે તો આપણે એ હકીકતનો સ્વીકાર કરી નાટક બંધ કરી દેવું જોઈએ. પ્રશંસા અને ટીકા બંને સ્વીકારો, ફૂલ ઊગવા માટે સૂર્ય અને વરસાદ બંનેની જરૂર પડે. હવે રિઝલ્ટ આપણી સામે છે તો હસતા મોઢે વધુ છેતરાતા રહેવાનો કોઈ અર્થ નથી. જાણતાં હોવા છતાં હસતા મોઢે સ્વીકારેલી છેતરામણીનો હિસાબ ઈશ્વર કરે છે.' મેં મારા મનનો ઊભરો ઠાલવી દીધો એની ધારી અસર થઈ. 

વિજયે કહ્યું કે `દાદુની વાત બરાબર છે. આપણે નાટક બંધ કરી સેટિંગવાળાને પણ જણાવી દઈએ. એને બે મહિનાનો ટાઈમ આપીએ પછી ભલે તોડી નાંખે. હા, એ દરમિયાન તુષારભાઈ આવી ગયા તો ઠીક બાકી હરી ઇચ્છા.' આમ નિર્ણય લેવાય ગયો અને અમારાં ચારે'યનું સગપણ સચવાય ગયું. સગપણ એવા જ હોવા જોઈએ કે જેને નિભાવવા કોઈ વિધિની જરૂર ન હોય અને યાદ કરવા કોઈ તિથીની જરૂર ન હોય.

ભારે મન સાથે `બંધ'નાં નિર્ણય સાથે અને કોઈ પણ જાતનાં દોષારોપણ વગર છૂટા પડ્યાં.

હવે કલાકારોને આ વાત કરવાની `કઠણ' જવાબદારી મારી હતી. એ બધાને તુષાર-પ્રકરણ વિષે જાણ હતી એટલે મને વધુ તકલીફ નહિ પડે એની ખાત્રી હતી. ઘરે આવી મુળુભાને ફોન કર્યો અને એમણે જ ઉપાડ્યો. હું બોલું એ પહેલા એમણે શરૂ કર્યું.' સોરી દાદુ. તમારું કામ થોડું લંબાઈ ગયું. પહેલા ફિલ્મનું કામ નહોતું એટલે પ્રોમિસ અપાય ગયું. પછી અચાનક લેખન અને અભિનયનું કામ આવી પડ્યું. ચિંતા ન કરતાં. મારે મહેન્દ્ર સાથે વાત થઈ ગઈ છે. એ `તેજા' ફિલ્મમાં અટવાયેલો છે. હજી અઠવાડિયું જશે...' 

મેં કહ્યું, `તો..તો આ અઠવાડિયામાં નાટકનું આગળનું લખાણ પૂં થઈ જશે ને? પાછું ફિલ્મ માટે ભાગવાનું નથી ને?' એમણે કહ્યું, `જુઓ દાદુ.. આ ફિલ્મ-લાઈન છે. અમારો ફોન જાણે `હોટ-લાઈન'હોય એમ ગમે ત્યારે કામ માટે રણકી ઊઠે. ગુજરાતી ફિલ્મો મોટે ભાગે બરોડાના-હાલોલનાં લકી સ્ટુડિયોમાં બને છે. ક્યારે એક તો ક્યારેક બીજો નિર્માતા ભૂંગળેવાત કરી બોલાવી પણ લે. મારો સ્વભાવ તો તમને ખબર છે કે હું વાતોમાં આવી જાવ અને કોઈને `ના' પણ નથી કહી શકતો. 

યોગ કરો કે ન કરો પણ જરૂર પડે એકબીજાને સહયોગ જરૂર કરો' મેં કહ્યું `મને સહયોગ કરશો ને?' થોડીવાર ચુપકીદી રહી. મેં ફરી પૂછ્યું, `મુળુભા...મુળુભા.. સંભળાય છે ને?' ખોંખારો ખાઈને મને કહે. ` હા..હા.. પણ દાદુ નાટક મારો જીવ છે. જ્યારથી ફિલ્મો- સિરિયલો કરવાની શરૂ કરી છે ત્યારથી ઠાકોરજીની કૃપાથી કામ સાં મળતું રહે છે. મેં તમને નાટક માટે `હા' પાડી છે બાકી ઘણાં નિર્માતા મને નાટક માટે કહે છે. પહોંચી ન શકાય તો કોણીએ ખોટો ગોળ લગાડવાનો શો અર્થ.! સારું નામ ખરાબ થતાં વાર ન લાગે.'

મેં પૂછયું ` ...તો હવે મહેન્દ્ર બોહરા માટે નાટક લખાશે કે નહિ? જો કે મને શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા રાખવાની છે ત્યાં અપેક્ષા રાખવાની ભૂલ ન કરાય એવું હું માનું છું.' મુળુભા કહે, `તમારી વાત સાચી છે. પણ... આવકની દ્રષ્ટિ કરતાં મારે ફિલ્મ-લાઈનની `ગુડવીલ' ટકાવી રાખવાની છે. આ 22-25 પાના લખાઇ ગયા,  પણ આગળ હમણાં તો નહીં વિચારી શકાય. હા, તમારી પાસે કોઈ ઈંગ્લીશ નાટક હોય તો મને આપો. હું એના પરથી લખી આપું. બાકી લખેલા નાટક માટે સમય જોઇશે. વિચારો હમણાં વહેચાયેલા છે. સામે બુક હશે તો સમય નહિ લાગે. 22-25 પાના જે લખ્યાં છે એ તમારા જ છે એ નાટક પૂં કરી તમને જ આપીશ.'
લાંબો ફોન પતાવી હું વિકલ્પ વિચારતો રહ્યો.

ડબ્બલ રિચાર્જ
લગ્નની શરૂઆતનાં સમયમાં પત્નીને ગાંડી કહી શકાય.
બોલ બોલ ગાંડી! એ એને ગમે પણ ખરું. પણ લગ્નનાં દાયકા પછી ગાંડી બોલવાની ભૂલ ન કરવી નહિ તો તમારા આખા ખાનદાનમાં કોણ-કોણ ગાંડું છે એ ગણાવી દેશે.