મુંબઈ: બોલીવુડની લાઈમલાઈટથી દૂર રહેનારા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાની જોડી ચાહકોની સૌથી મનપસંદ જોડીમાં ગણતરી કરવામાં આવે છે. બંનેએ જયારે પણ ફિલ્મી પડદા પર સાથે કામ કર્યું છે, તેમની ફિલ્મોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. હાલમાં જ છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ 'રાજા શિવાજી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેણે બોક્સઓફિસ પર ભવ્ય પ્રદર્શન કર્યું હતું. હવે આ ફિલ્મનું ટીવી પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ ફિલ્મમાં રિતેશ અને જેનેલિયાના દીકરાઓએ પણ અભિનય કર્યો, પરંતુ એક માતાપિતા તરીકે બંને ક્યારેય ઇચ્છતા નહોતા કે તેમના બાળકો આટલી નાની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે.
એવામાં જયારે તેમને ફિલ્મમાં બાળકોની ભૂમિકા અને ભવિષ્યમાં તેમના અભિનય કરિયરને લઈને સવાલ કરવામાં આવ્યો તો બંનેએ આ વિષય પર ખુલીને પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે આખરે કેવી રીતે અચાનક પરિસ્થિતિઓ એવી બની કે તેમના બાળકોને ફિલ્મ વીર શિવાજીના બાળપણના પાત્ર ભજવવાની તક મળી હતી.
બાળકોને ફિલ્મમાં કાસ્ટ કરવાની તરફેણમાં નથી
વાતચીત દરમિયાન જયારે રિતેશ અને જેનેલિયાને પૂછવામાં આવ્યું કે જો ભવિષ્યમાં તેમને લાગે કે તેમના બાળકોને પણ કોઈ ફિલ્મમાં કાસ્ટ કરવા જોઈએ, તો તેઓ માતાપિતા તરીકે શું નિર્ણય લેશે. આ વાત પર રિતેશે કહ્યું કે હાલમાં તે પોતાના બાળકોને ફિલ્મોમાં કાસ્ટ કરવાના પક્ષમાં નથી. રિતેશે આગળ કહ્યું કે એક માતાપિતા તરીકે મને લાગે છે કે બાળકોને આ ફિલ્મમાં પણ કાસ્ટ કરત નહીં. મેં હંમેશાં વિચાર્યું હતું કે હું પોતાના બાળકોને ફિલ્મોમાં જ નહીં પરંતુ જાહેરાતમાં પણ દૂર રાખીશ.
ફિલ્મ-જાહેરાતોમાં બાળકોની એન્ટ્રી થશે નહીં
રિતેશે આગળ જણાવ્યું કે ફક્ત ફિલ્મોમાં જ નહીં, પરંતુ જાહેરાતોમાં પણ બંને બાળકો સાથે કામ કરવાના અનેક ઓફર મળી છે. રિતેશે કહ્યું, 'અત્યાર સુધી એટલી બધી જાહેરાતો આવી કે તમે બંને બાળકોને લઇ લો અને મોટી બ્રાન્ડ્સ સાથે કામ કરો. અમે તેમને અવોઇડ કર્યા હતા. અમે એવું કરવા માંગતા નહોતા.' જો કે 'રાજા શિવાજી' તેમના માટે બાકી પ્રોજેક્ટ્સથી કંઈક અલગ અને ખાસ હતી. રિતેશે માન્યું કે આ ફિલ્મથી તેમનું ભાવાત્મક જોડાણ હતું. તેમણે કહ્યું કે આ ફિલ્મ તેમના દિલની નજીક હતી.
સેટ પર ચીફ એડીના સૂચનથી મળી તક
ફિલ્મમાં બાળકોને લઈને જે નિર્ણય થયો, તે રિતેશ અને જેનેલિયાનો નહીં, પરંતુ ફિલ્મના સેટ પર હાજર એક ચીફ આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એડી)નો હતો. રિતેશે આ વિશે રસપ્રદ કિસ્સો શેર કરતા કહ્યું કે આ મેં નક્કી કર્યું નહોતું. એક એડી સેટ પર આવ્યા અને તેણે મને આ સૂચન કર્યું હતું. રિતેશે આગળ કહ્યું કે ફિલ્મ માટે અનેક બાળકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટીમ દરરોજ સેટ પર તેમને મળતી હતી. દરમિયાન અમુક તસવીરો જોઈને ચીફ એડીએ અલગ વિચાર રજૂ કર્યો હતો.
રિતેશે કહ્યું અમે દરરોજ અનેક બાળકોના ટેસ્ટ લેતા હતા પણ એમાં મજા ન આવી પછી એડીના સૂચનથી આશરે 10-12 ફોટાઓ એક દીવાલ પર લગાવ્યા અને પછી જે બે ફોટા લગાવ્યા તે અમારા બાળકોના હતા. જેમના પર એઆઈથી બનાવેલા કોસ્ટ્યૂમ પણ હતા, જે તેમના પર મેચ થઈ રહ્યા હતા.
એઆઈ કોસ્ટ્યૂમ જોઈ પહેલા વિશ્વાસ ન થયો
શરૂઆતમાં રિતેશને આ સૂચન થોડું અજુગતું લાગ્યું હતું, પરંતુ બાદમાં તેમને પોતાના બાળકો પર તે સારું લાગી રહ્યું છે. રિતેશે કહ્યું કે ફોટો જોઈને મેં કહ્યું, તમે બતાવી તો રહ્યા છો પણ તેવું ન હોય ભાઈ. જોકે, ટીમે તેમને એકવાર કોશિશ કરવા માટે કહ્યું અને કામ કરી ગયું હતું. આ રીતે રિતેશ અને જેનેલિયાના બાળકોને ફિલ્મમાં વીર શિવાજીના બાળપણનું પાત્ર ભજવવાની તક મળી હતી.