Sun Jun 14 2026

Logo

અમેરિકાના પહેલી જ મૅચમાં વિક્રમો, પારાગ્વેને 4-1થી હરાવ્યું

California   2026-06-13 12:28:00
Author: Ajay Motiwala
Article Image

કૅલિફોર્નિયા: અહીં (ભારતીય સમય અનુસાર) શનિવારે સવારે લૉસ એન્જલસ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપના મુખ્ય યજમાન અમેરિકા (USA)એ પારાગ્વે (Paraguay)ને 4-1થી હરાવીને બહુમૂલ્ય ત્રણ પોઇન્ટ મેળવી લીધા હતા.

અમેરિકાના ફૉલારિન બાલગન (Balogun)નું આ મૅચમાં સૌથી મોટું યોગદાન હતું તેણે સૌથી વધુ બે ગોલ કર્યા હતા.

ઑન ગોલથી શરૂઆત

મેચની શરૂઆત 7મી મિનિટમાં ઑન ગોલથી થઈ હતી. અમેરિકાના હદક્ષેત્રમાં પારાગ્વેના ખેલાડી બૉબાડિલાથી ભૂલથી ગોલ થઈ ગયો હતો જેને લીધે અમેરિકાએ ત્યારે જ 1-0થી સરસાઈ મેળવી હતી.

બાલગનના બે ગોલ

ત્યાર બાદ બાલગને 31 મિનિટમાં અને ફર્સ્ટ હાફના અંતની થોડી ક્ષણો પહેલાં એમ બૅક-ટુ-બૅક ગોલ કરીને અમેરિકાની સરસાઈ વધારીને 3-0ની કરી હતી.

સેકન્ડ હાફમાં પણ અમેરિકાની સંરક્ષણ દીવાલ ખૂબ મજબૂત હતી, પરંતુ 73મી મિનિટમાં પારાગ્વેના મોરિસિયોએ ગોલ કરીને અમેરિકાની ટીમને પડકારી હતી. ત્યારે સ્કોર 3-1 હતો.

મુખ્ય મૅચની 90મી મિનિટ પછીના સ્ટોપેજ ટાઈમમાં આઠમી મિનિટમાં અમેરિકાના જિઓ રેનાએ ગોલ કર્યો હતો અને એ સાથે અમેરિકાએ 4-1થી વિજય મેળવ્યો હતો.

વિક્રમજનક શરૂઆત

અમેરિકાએ ફૂટબૉલ વર્લ્ડ કપમાં પહેલી જ વખત મૅચમાં ચાર ગોલ કર્યા અને 4-1ના પોતાના સૌથી મોટા માર્જિનથી જીત્યું. ફર્સ્ટ હાફની 3-0ની સરસાઈ પણ અમેરિકા માટે વિક્રમ છે.

આજે કતાર વિરુદ્ધ સ્વિટ્ઝરલૅન્ડ

વર્લ્ડ કપમાં આજે કતાર વિ. સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચે ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યે મુકાબલો શરૂ થશે.