Mon Aug 17 2026

Logo

તમારા હાથમાં ક્યારથી આવશે પ્લાસ્ટિકની ચલણી નોટ? RBIના ગવર્નરે જણાવી ચોક્કસ તારીખ...

2026-08-05 21:07:59
Author: Darshana Visaria
Article Image

છેલ્લાં કેટલાક દિવસોથી ભારતમાં રૂપિયા 10 અને રૂપિયા 20ની પ્લાસ્ટિક એટલે કે પોલિમર ચલણી નોટ લાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ નાગરિકોમાં આ નોટ બજારમાં ક્યારે આવશે તેને લઈને ગ્રાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. હવે આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. એમપીસી (MPC)ની બેઠકના પરિણામો જાહેર કરતી વખતે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ પોલીમર નોટ ક્યારે બજારમાં આવશે, એ વિશે સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ શું કહ્યું છે આરબીઆઈ ગર્વનરે... 

આરબીઆઈની ગવર્નર સંજય મલ્હોત્રાએ રૂપિયા 10 અને 20ની નવી પ્લાસ્ટિકની પોલીમર નોટ બજારમાં ક્યારે આવશે એની તારીખો જાહેર કરી છે. સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ-જૂન 2027થી દેશમાં પ્લાસ્ટિકના નોટ ચલણમાં આવવાની પ્રબળ શક્યતા છે.

હાથમાં ક્યારથી આવશે પ્લાસ્ટિકના નોટ?

કેન્દ્ર સરકાર તરફથી આરબીઆઈને ફાઇનાન્સિયલ ફીલ્ડ ટ્રાયલ તરીકે 10 રૂપિયા અને 20 રૂપિયા મૂલ્યના એક-એક અબજ એમ એટલે કે કુલ બે અબજ પોલિમર બેંકનોટ છાપવાની મંજૂરી મળી ચૂકી છે. પ્લાસ્ટિકના નોટ આવ્યા બાદ પણ કાગળના નોટ તુરંત બંધ કરવામાં આવશે નહીં. બજારમાં કાગળ અને પોલિમર બંને પ્રકારના નોટ સાથે-સાથે ચાલશે. હાલમાં આ યોજના ટ્રાયલ ફેઝમાં છે. દેશના વાતાવરણ, હવામાન અને બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેના પ્રદર્શનના આધારે જ તેને મોટા પાયે લાગુ કરવાનો આખરી નિર્ણય લેવાશે.

કાગળના બદલે પ્લાસ્ટિકના નોટ કેમ?

આરબીઆઈ ગવર્નરે પ્લાસ્ટિકના નોટ લાવવા પાછળ બે મુખ્ય કારણો જણાવ્યા હતા. જેમાં સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એટલે સામાન્ય કાગળના નોટની સરખામણીએ પોલિમર નોટનું આયુષ્ય બેથી ચાર ગણું વધુ હોય છે. ખાસ કરીને 10 અને 20 રૂપિયાના નાના નોટનો વ્યવહારમાં બહોળો ઉપયોગ થતો હોવાથી તે ઝડપથી ફાટી કે ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટિક નોટથી આ સમસ્યા દૂર થશે.

છેલ્લાં એક દાયકામાં ભારતમાં આશરે 50 અબજ રૂપિયાના ફાટેલી-જૂની નોટ ચલણમાંથી બહાર કરવા પડ્યા છે. દર વર્ષે નોટોની સુરક્ષા અને મેન્ટેનન્સ પર અંદાજે 5,000 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થાય છે. 2016-17પછી ઇશ્યૂ કરાયેલા દર 100 નવી નોટ સામે 71 જૂની નોટ હટાવવી પડી છે. પોલિમર નોટથી આ ખર્ચ ઘટશે અને નકલી નોટના દૂષણ પર પણ અંકુશ આવશે.

નોંધનીય છે કે દુનિયાના ઘણા દેશોમાં છેલ્લાં 30 વર્ષથી વધુ સમયથી પોલિમર નોટોનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં પણ 'રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ' (BRBNMPL)એ પોલિમર શીટની સપ્લાય માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરી દીધું છે.