- ગિરિરાજ
કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, લોકજીવન અને ધાર્મિક પરંપરાઓ વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. મોટો રણ વિસ્તાર, સમુદ્ર કિનારો અને ઐતિહાસિક ધામો ધરાવતી આ ભૂમિમાં વાગડ પંથકનું વિશેષ મહત્ત્વ છે. વાગડનો વ્યક્તિ ભુજ આવે તો કહેશે કચ્છ જઈએ છીએ એવી એક સંસ્કૃતિ કે જે કચ્છના પૂર્વમાં કચ્છની કચ્છી ઓછી ગુજરાતની ગુજરાતી સંસ્કૃતિ સાચવી બેઠું છે. પરંતુ સંસ્કૃતિક મેળાઓ પૂર્વ પશ્ચિમ છેડાને ભેગા કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ પછી પશ્ચિમ કચ્છનું માતાનો મઢ ધામ હોય કે પૂર્વ કચ્છનો રવેચી ધામ. ભાદરવી આઠમના રવેચીનો મેળો અને આસોની નવરાત્રીએ માતાના મઢે માનવ મહેરામણ ઊમટે છે. આ વખતે વાત કરવી છે, રવેચીના મેળાની.
રાપર તાલુકામાં આવેલું રવ ગામ અને ત્યાં બિરાજમાન રવેચી માતાજીનું મંદિર સમગ્ર વાગડ જ નહીં, પણ સમગ્ર પ્રદેશ અને પ્રવાસીઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે ભાદરવા સુદ આઠમ (ભાદરવી આઠમ) અને નોમના દિવસે અહીં યોજાતો `રવેચીનો મેળો' વાગડ પ્રદેશનો સૌથી મોટો અને લોક સંસ્કૃતિથી છલકાતો મેળો માનવામાં આવે છે. લોકકથાઓ અનુસાર, આ ધામનો સંબંધ દ્વાપર યુગ અને પાંડવોના અજ્ઞાતવાસ સાથે પણ જોડવામાં આવે છે. એવી લોકવાયકા છે કે પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન આ ક્ષેત્રમાં ભ્રમણ કર્યું હતું અને આ પવિત્ર સ્થળે પૂજા-અર્ચના કરી હતી.
ઐતિહાસિક દૃષ્ટિએ જુઓ તો રવેચી માતાજીને વાગડના રાજપૂતો, રબારી, આહીર, ચારણ, પટેલ અને અન્ય તમામ સમાજ પોતાની કુળદેવી અથવા ઇષ્ટદેવી તરીકે પૂજે છે. મંદિર પરિસરમાં આવેલ તળાવ અને તેની આસપાસની લીલોતરી આ ધામને આધ્યાત્મિક શાંતિ અર્પે છે. વાગડ વિસ્તારમાં આઈ રવેચીને `હરતી-ફરતી દેવી' અને `ભક્તોના કષ્ટ હરનારી માતા' તરીકે પૂજવામાં આવે છે. સ્થાનિક લોકોમાં માતાજી પ્રત્યે એટલી ગાઢ શ્રદ્ધા છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત રવેચી માતાજીના સ્મરણ વગર થતી નથી. નવજાત શિશુના બાબરી હોય, નવા વાહનની પૂજા કરવી હોય કે ઘરમાં કોઈ મંગળ પ્રસંગ હોય, લોકો રવેચી ધામ આવીને માતાજીના આશીર્વાદ ચોક્કસ લે છે.
ઇન્ટરનેટ પરથી મળેલી માહિતી અનુસાર, આ મંદિર ઈ. સ. 1821 (સંવત 1878)ના વર્ષમાં 633 પાઉન્ડ (24,000 કચ્છ કોરી)ના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર 30 ફીટ લાંબું, 17 ફીટ પહોળું અને 54 ફીટ ઊંચાઈની સાથે બે ગુંબજો ધરાવે છે. જેમાં પ્રથમ 7 ચોરસ ફીટ અને બીજો 14×7 ફીટનો છે. મંદિરનો મુખ્ય ભાગ 14 ફીટ × 13 ફીટ વિસ્તાર પર 44 ફીટ ઊંચાઈ પર છે. તે પહેલાંના સમયનું મંદિર, જે 9 ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામા આવ્યું હતું, તેનો બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યો હતો તેમ મનાય છે.
મંદિરમાં માતાજીની મૂર્તિ તેજોમય છે અને ભક્તો દરરોજ અહીં કૂંકુ પગલાં અને ધજા ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અહીં દરરોજ સવાર-સાંજ થતી આરતીનો નાદ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દે છે. છેલ્લા અઠવાડિયામાં મેઘરાજાની મહેર થઈ હોવાથી આ વખતે વાગડની ધરા ઉત્સવઘેલી બની છે.
મેળામાં આવતા લોકોનો અસલ કચ્છી પહેરવેશ. રબારી, આહીર અને ભરવાડ સમાજના પુરુષો પોતાના પરંપરાગત કચ્છી ચોરણા, કેડીયાં અને માથે બાંધેલી રબારી પાઘડીમાં સજ્જ થઈને આવે છે. જ્યારે મહિલાઓ હાથે ભરેલા પરંપરાગત આભલા-ભરતકામવાળા આભલા-કાપડા, ઘાઘરા અને સોના-ચાંદીના દાગીનાઓથી સજ્જ થઈને આવે છે. મેળો જાણે વિવિધ રંગોનો મહાસાગર બની જાય છે.
હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે અહીં મહાપ્રસાદ (અન્નક્ષેત્ર)નું આયોજન કરવામાં આવે છે. વિવિધ સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, રહેવાની અને સ્વાસ્થ્ય સેવાઓની મફત વ્યવસ્થા કરવામાં આવે છે. કચ્છના પ્રવાસન ક્ષેત્રે રવેચી ધામનું પોતાનું એક આગવું સ્થાન છે. રણ ઉત્સવ કે ધોળાવીરા જતા પ્રવાસીઓ માટે વાગડ પ્રદેશની અસલ ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ સમજવા માટે રવેચી ધામની મુલાકાત લેવી જોઈએ અને વાગડની અસ્મિતા, એકતા અને સંસ્કૃતિને માણવી જોઈએ. સમય બદલાયો હોવા છતાં, રવેચીના મેળામાં આજે પણ એ જ પ્રાચીન લોકજીવનની મહેક અને શ્રદ્ધાનો ધબકારો અનુભવાય છે. જય આઈ રવેચી માતાજી!
હે રવના થાણકવાળી રવેચી મા
ધન ધન રવવાળી રવરાય મા
તારા ગુણ ગાયે જગ
માત તારું શરણું સૌથી પ્યારું