Fri May 29 2026

Logo

શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ‘ધુરંધર’ની સિક્વલ વિરુદ્ધ ફરિયાદ

2026-03-25 19:45:00
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના નિર્માણકારો અને મુખ્ય ભૂમિકા ભજવનારા અભિનેતા રણવીર સિંહે શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવી હોવાનું જણાવી શીખ સંગઠન દ્વારા મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ફિલ્મના પોસ્ટરમાં રણવીરને માથે પાઘડી, લાંબી દાઢી અને કડો પહેરેલો બતાવવામાં આવ્યો છે, જે શીખ સમુદાયનાં પવિત્ર પ્રતીકો છે, એવું ‘શીખ્સ ઈન મહારાષ્ટ્ર’એ ફરિયાદમાં જણાવ્યું હતું.
આવા દેખાવ સાથે રણવીરને હાથમાં સિગારેટ પકડેલો બતાવાયો છે, જેનાથી શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ મામલે 17 માર્ચે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

સંગઠને ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી છે. જોકે આ પ્રકરણે એફઆઈઆર નોંધવામાં આવ્યો નથી, પરંતુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું.

ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ હતી અને ગ્લૉબલ બૉક્સ ઑફિસ પર તેણે 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2025માં રિલીઝ થયેલી આદિત્ય ધારની ‘ધુરંધર’ ફિલ્મની આ સિક્વલમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મ દુનિયાભરમાં બૉક્સ ઑફિસ પર 1000 કરોડ રૂપિયાની કમાણી કરી આપી હતી. (પીટીઆઈ)