બોલિવૂડ હોય કે હોલિવૂડ, ફિલ્મોમાં હવે ભવ્યતાને વધુ પ્રાધાન્ય અપાતું હોવાથી મોડર્ન ટેકનોલોજી અનિવાર્ય બની રહી છે. એ સંદર્ભમાં આગામી આ બે ફિલ્મ વિશે વાત કરવી જોઈએ.
નિતેશ તિવારીની ‘રામાયણ’ , એસ. એસ. રાજામૌલીની ‘વારાણસી’
આપણને આઝાદી મળી 15 ઓગસ્ટ, 1947માં. એ દિવસે ફિલ્મિસ્તાનની ‘શેહનાઈ’ રિલીઝ થઈ હતી. આજે એની વાર્તા, એના કલાકારો અને અન્ય અનેક વાત વિગત સ્મરણમાં નહીં હોય. હા, એમને ફિલ્મનું ‘આના મેરી જાન, મેરી જાન સન્ડે કે સન્ડે’ જરૂર એની ધૂન સાથે યાદ હશે.
વીસમી સદીના આઝાદ ભારતના 53 વર્ષમાં બનેલી હિન્દી ફિલ્મોમાં વાર્તા તેમ જ ગીત - સંગીતને પ્રાધાન્ય હતું. ફિલ્મો લાગણી પ્રધાન હતી, ઉમંગ આવે એવો રોમેન્સ, પારિવારિક મૂલ્યો, સામાજિક સંઘર્ષ અને નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય હતું. પ્રેમ હતો, ધિક્કાર પણ હતો, દોસ્તી હતી તો દુશ્મની સુધ્ધાં હતી, પણ થિયેટરમાંથી બહાર નીકળતો દર્શક લાગણીભીનો જોવા મળતો. છેક ‘જબ વી મેટ’ સુધી આ પ્રવાહ અવિરત રહ્યો.
એ પછી 2008માં આવી હેરી બાવેજા દિગ્દર્શિત પ્રિયંકા ચોપડા - હર્મન બાવેજાની ‘લવ સ્ટોરી’ (2050).CGI - Computer Generated Imagery, VFX જેવી મોડર્ન ટેકનિકનો પહેલી વાર હિન્દી ફિલ્મમાં વ્યાપકપણે ઉપયોગ થયો. ફિલ્મ સદંતર ફ્લોપ થઈ, પણ ટેકનોલોજીએ ફિલ્મમેકરોને ભ્રમિત કરી દીધા. 2011માં આવેલી શાહરુખ ખાનની ‘રા.વન’ અને બે વર્ષ પછી આવેલી ‘ક્રિશ’માં સિનેમેટિક ભવ્યતાને પ્રાધાન્ય મળ્યું. અનુભૂતિ પાછળ ધકેલાઈ અને અનુભવ અગ્રસર થયો. છેલ્લા 15 વર્ષમાં અને વિશેષ કરીને એસ. એસ, રાજામૌલીની ‘બાહુબલી’ (2015)થી ફિલ્મોમાં માયથોલોજી, સુપરહીરો, વીએફએક્સ જેવાં રસાયણોથી આંખો અંજાઈ જાય, દિલ ધબકારો ચુકી જાય એવી રજૂઆતને પ્રાધાન્ય મળવા લાગ્યું.
પડદા પર ભવ્યતા દર્શાવવા છેલ્લાં કેટલાંક વર્ષથી IMAX camera જેવા ઉપકરણ માટે ઘેલછા વધી છે. રાજામૌલીની જ ‘વારાણસી’ અને નિતેશ તિવારીની ‘રામાયણ’ના શૂટિંગના અમુક હિસ્સામાં આઈમેક્સ કેમેરાના વપરાશને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે ફિલ્મનો હીરો બદલાઈ ગયો છે. ઘર, પરિવારને સાચવવાની - સંભાળવાની જવાબદારી બદલાઈ છે. હવે તેણે સમગ્ર દેશનું - માનવજાતનું રક્ષણ કરવાનું છે. માનવ નહીં, પણ મહામાનવ બનવાનું છે. એટલે સિને રસિકોને ભવ્યાતીત રજૂઆત પડદા પર દેખાડવી અનિવાર્ય છે.
હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ‘બ્રહ્માસ્ત્ર’, ‘આદિપુરુષ’, ‘કલ્કી 2898 એડી’ ચહેરો વિસ્ફારિત કરી દેનારા છેલ્લાં કેટલાંક વર્ષના ઉદાહરણ છે. સાઉથમાં ‘બાહુબલી’થી શરૂ કરી ‘આરઆરઆર’, ‘કેજીએફ’, ‘પુષ્પા’, ‘સલાર’ વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મ હવે અનુભવનું સાધન બની રહી છે. આઈમેક્સ કેમેરા એ અનુભવને ઊંચાઈએ લઈ જવાનું મોંઘેરું સાધન બની રહ્યું છે.
તાજેતરમાં ભારત સહિત વિશ્વભરમાં ધૂમ મચાવનારી ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’નો કેટલોક હિસ્સો અને ક્રિસ્ટોફર નોલાનની ‘ધી ઓડિસી’નું સમગ્ર શૂટિંગ આઈમેક્સ કેમેરાથી કરવામાં આવ્યું હતું. 2026માં આ કેમેરાથી શૂટ થયેલી હોલિવૂડની વીસેક ફિલ્મ દર્શકોને હેરત પમાડવા રિલીઝ થઈ છે કે થવાની છે. જોકે, આ ટેકનોલોજી મુશ્કેલ અને ખર્ચાળ હોવાથી મોટાભાગના મેકરો ફિલ્મના મહત્ત્વનાં દૃશ્યોનું જ ફિલ્માંકન આ અદ્યતન કેમેરા ટેક્નિકથી કરે છે.
‘ધી ઓડિસી’ વિશ્વની પહેલી ફિલ્મ છે, જેનું સંપૂર્ણ ફિલ્માંકન શૂટિંગના સ્થળે 70 એમએમ આઈમેક્સ ફિલ્મનો ઉપયોગ કરતા કેમેરાથી કરવામાં આવ્યું છે. રાજામૌલીની ‘વારાણસી’ પણ આઈમેક્સથી જ શૂટ થઈ છે પણ એમાં ડિજિટલ આઈમેક્સ સર્ટિફાઈડ કેમેરાનો ઉપયોગ થયો છે. બંનેમાં ટેકનિકલ ફરક છે, પણ દર્શકોને સિનેમાનો અલગ જ અનુભવ કરાવવાનો ઈરાદો સ્પષ્ટ છે.
ટૂંકમાં થિયેટરમાં લાકડાની પાટથી ખુરશી અને પુશબેક આરામદાયક ચેરથી યુએસબી પોર્ટ, હિટેડ કુશન, ટ્રે ટેબલ જેવી અત્યાધુનિક સગવડો ધરાવતી રિક્લાઈનર સીટ્સ સુધીની મજલ પછી પડદા પરની નવી ક્રાંતિનો વારો આવ્યો છે. ‘પૈસા ફેંકો તમાશા દેખો’ સ્લોગનને નવો અર્થ પ્રાપ્ત થયો છે એમ કહી શકાય.
IMAX Camera ઓળખીએ...
ભારતમાં સ્માર્ટ ફોન ખરીદનારાઓમાં એક મોટો વર્ગ એવો છે જે અન્ય બાબત કરતાં ફોનનો કેમેરા કેટલા રિઝોલ્યુશનનો છે - કેટલા મેગાપિક્સલ છે એને પ્રાધાન્ય આપે છે. મેગાપિક્સલ જેટલા વધારે એટલો ફોટોગ્રાફ શાર્પ આવે. માઉન્ટ આબુ કે સ્વિટ્ઝર્લેન્ડમાં લીધેલી સેલ્ફીમાં બેકગ્રાઉન્ડની ડિટેઈલ્સ નજરે પડે અને સાથે આંખમાં રહેલી ચમક પણ દેખાય.
IMAX - Image Maximum એ ટેકનોલોજી છે, જે ફિલ્મ જોવા આવેલા દર્શકોને વિશાળ પડદા ઉપર હાઈ રિઝોલ્યુશનવાળાં દ્રશ્યો અલગ પ્રકારની સાઉન્ડ ઈફેક્ટ સાથે જોવા મળે છે. આઈમેક્સ કેમેરા અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશનનો મોશન પિક્ચર કેમેરા છે. આ પ્રકારના કેમેરાથી શૂટ થયેલી ફિલ્મ પડદા પર ભવ્યતાનો અનુભવ કરાવે છે. યુદ્ધનાં દૃશ્યો, સમુદ્રની સિક્વન્સ કે પછી લાગણીઓના સંઘર્ષના ડાયલોગ સાથેનાં દૃશ્યો અત્યંત પ્રભાવી લાગે છે. પાત્રની ભાવનાનો અનુભવ થાય છે.
1968માં કેનેડામાં આઇમેકસ ફિલ્મ્સનો પ્રારંભ થયો. શરૂઆતમાં ફિલ્મો શૈક્ષણિક બાબતો પૂરતી સીમિત હતી અને મ્યુઝિયમ તેમજ સાયન્સ સેન્ટરમાં દર્શાવવામાં આવતી હતી. 1970માં જાપાનમાં ‘ટાઈગર ચાઈલ્ડ’ નામની પ્રમોશનલ ફિલ્મ બની. આઈમેક્સ ફોર્મેટમાં 1995ના રજૂ થયેલી પ્રથમ ફીચર ફિલ્મ ‘વિંગ્સ ઓફ કરેજ’ (40 મિનિટ) હતી અને 2008માં રિલીઝ થયેલી ક્રિસ્ટોફર નોલાનની જ ‘ધ ડાર્ક નાઈટ’ અમુક એક્શન સીન આઈમેક્સ કેમેરાથી ફિલ્માવાયા હોય એવી પ્રથમ હોલિવૂડ ફિલ્મ હતી. ત્યારબાદ સિલસિલો આગળ ચાલી રહ્યો છે.
જોકે, આઈમેક્સ કેમેરાથી શૂટ થયેલી ફિલ્મની અસલી મજા તો આઈમેક્સ થિયેટરમાં જ આવે. આજની તારીખમાં વિશ્વભરમાં આવા થિયેટરની સંખ્યા ઝાઝી નથી અને ભારતમાં તો માંડ ત્રીસેક છે. એવા થિયેટર બાંધવાની બહુ કોશિશ નથી થતી, કારણ કે એ અતિશય ખર્ચાળ છે. એના ટેકનિકલ પાસા પણ ઘણા છે. એટલે ‘ધી ઓડિસી’ની જેમ સંપૂર્ણ ભારતીય ફિલ્મ આઈમેક્સ કેમેરાથી શૂટ થાય એ તો આજની તારીખમાં ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે’ જેવી વાત છે.