મોરબીઃ જેતપર ગામના ખેડૂતો વીજ લાઈન અને પોલ નાખવાના મુદ્દે આશરે બે મહિના જેટલા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં સામેલ થવા દેશના અગ્રણી ખેડૂત નેતા રાકેશ ટિકૈત 8 ઓગષ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ મોરબીના રવાપર ચોકમાં વિશાળ ખેડૂત મહાસભાને સંબોધશે અને જેતપર છાવણીની મુલાકાત લેશે. તેમની સાથે ખેડૂત નેતા યુદ્ધવીરસિંહજી પણ ઉપસ્થિત રહેશે. મોરબીના મનોજ પનારાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
29 ગામોમાં ભાજપના બહિષ્કારના બેનર લાગ્યા
ખેડૂત આંદોલન અંતર્ગત મોરબી જિલ્લાના 29 ગામો વાઘપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપરુ, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર), કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિા, જબલપુરમાં ભાજપના બહિષ્કારના બેનર લાગ્યા છે. જેમાં લોકોએ ચૂંટણીમાં ભાજપના નેતાઓએ મત માંગવા આવવું નહીં તેમ લખવામાં આવ્યું છે. જેના કારણે ભાજપના નેતાઓની ચિંતા વધી ગઈ છે.
આંદોલનમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ પણ છે સક્રિય
મોરબીના જેતપરમાં છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં વીજપોલ નાખવાને લઈ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ સક્રિય છે. આંદોલન દરમિયાન તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. આ દરમિયાન મોરબીની ટીંબડી ગામના પાટીયા પાસે તેમની માલિકીના ભરડીયામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. તેમજ નોટિસ આપીને રોયલ્ટની પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. આ ઘટના બાદ રાકેશભાઈ અમૃતિયાએ જેતપર ગામે ખેડૂત આંદોલન છાવણીમાં પહોંચ્યા હતા અને સરકારના મંત્રીઓના ઝભ્ભા ફાડો, 108માં ઘાલો તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લાના પૂર્વ કલેકટર માટે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
રાકેશ ટિકૈત કોણ છે
4 જૂન 1969ના રોજ જન્મેલા રાકેશ ટિકૈત એક જાણીતા ખેડૂત નેતા છે. હાલમાં તેઓ ભારતીય કિસાન યુનિયન (BKU)ની કમાન સંભાળી રહ્યા છે અને આ સંગઠન ઉત્તર પ્રદેશ તથા ઉત્તર ભારત ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે. ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતના બીજા પુત્ર તરીકે જન્મેલા રાકેશ ટિકૈતે પોતાના પિતાના પદચિહ્નો પર ચાલીને બધું જ છોડીને ખેડૂતો વચ્ચે પોતાનું જીવન વિતાવવાનું શરૂ કર્યું. મેરઠ યુનિવર્સિટીમાંથી MAની ડિગ્રી લીધા બાદ અને LLBનો અભ્યાસ કર્યા પછી રાકેશ ટિકૈત દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી રહ્યા હતા. પરંતુ એક ઘટનાના કારણે તેઓ પોલીસવર્દી ઉતારીને ખેડૂતોની સાથે આવી ગયા હતા.
1993-1994માં ખેડૂતોના મુદ્દાઓને લઈને દિલ્હીના લાલ કિલ્લા પર મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું હતું. રાકેશ ટિકૈત આ જ પરિવારમાંથી આવતા હોવાથી સરકારે આંદોલન પૂરું કરાવવા તેમના પર દબાણ બનાવ્યું હતું. સરકાર તરફથી તેમને તેઓ પોતાના પિતા અને ભાઈઓ સાથે વાત કરે અને આંદોલન સમાપ્ત કરવા કહે તેમ કહેવાયું હતું.
ખેડૂતો માટે દિલ્હી પોલીસની નોકરી છોડી
તંત્ર તરફથી દબાણ હોવા છતાં રાકેશ ટિકૈત ઝૂક્યા નહીં અને પોલીસની નોકરી છોડીને ખેડૂતોના મુદ્દા પર તેમની સાથે જોડાઈ ગયા. નોકરી છોડ્યા પછી રાકેશ ટિકૈતે સંપૂર્ણપણે ખેડૂતોની લડાઈમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં જ ખેડૂતોએ રાકેશ ટિકૈતને પોતાના નેતા માની લીધા. ત્યારબાદ તેમના પિતા મહેન્દ્ર સિંહ ટિકૈતનું કેન્સરના કારણે અવસાન થયું અને ભારતીય કિસાન યુનિયનની જવાબદારી સંપૂર્ણપણે તેમના હાથમાં આવી ગઈ હતી.
મહેન્દ્ર સિંહ બાલિયાન ખાપમાંથી આવતા હતા તેથી તેમના અવસાન પછી મોટા પુત્ર નરેશ ટિકૈતને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ખાપના નિયમો મુજબ પિતાના અવસાન પછી મોટો પુત્ર જ મુખી બની શકે છે. તેથી નરેશ ટિકૈતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા, જ્યારે રાકેશ ટિકૈતને યુનિયનના પ્રવક્તા બનાવવામાં આવ્યા. જોકે, પરોક્ષ રીતે ભારતીય કિસાન યુનિયનની કમાન રાકેશ ટિકૈતના હાથમાં જ છે અને તેમની સહમતિથી જ તમામ નિર્ણયો લેવામાં આવે છે.
કિસાન યુનિયનની પાયાની શરૂઆત કેવી રીતે થઈ?
ઉત્તર પ્રદેશમાં વીજળીના ભાવ વધારી દેવામાં આવ્યા હતા. વીજળીના ભાવ વધતાં જ ખેડૂતો ક્રોધે ભરાયા હતા અને તેમણે શામલી જિલ્લાના કરમુખેડીમાં મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં એક મોટું આંદોલન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં જયપાલ અને અકબર નામના બે ખેડૂતોના મોત થયા હતા. જે બાદ વર્ષ 1987માં ભારતીય કિસાન યુનિયનનો પાયો નંખાયો અને ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતને આ યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
રાકેશ ટિકૈતનો પરિવાર
મહેન્દ્ર ટિકૈતને ચાર પુત્રો છે. જેમાં બે પુત્રો નરેશ અને રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા છે, જ્યારે સુરેન્દ્ર ટિકૈત મેરઠની એક સુગર મિલમાં મેનેજર તરીકે કામ કરે છે. સૌથી નાનો પુત્ર નરેન્દ્ર ટિકૈત ખેતીકામ કરે છે. રાકેશ ટિકૈતના લગ્ન વર્ષ 1985માં બાગપત જિલ્લાના દાદરી ગામમાં થયા હતા. રાકેશ ટિકૈત ત્રણ સંતાના પિતા છે, જેમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે.