નવી દિલ્હીઃ દેશમાં જ્યારે પણ કોઈ નેતાની સંપત્તિ અંગે ચર્ચા થાય છે ત્યારે મુદ્દો માત્ર પંચાયત કે વિધાનસભા સુધી અટકતો નથી, સાંસદના બન્ને ગૃહ સુધી જાય છે. રાજ્યસભાને ઉચ્ચ સદન તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ છેલ્લા 12 વર્ષમાં અહીંયા પહોંચનારા સાંસદ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે. અહીંયા સુધી પહોંચેલા સાંસદોની આર્થિક સ્થિતિ ઝડપથી બદલી ગઈ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મના એક રિપોર્ટ અનુસાર જુદા જુદા વર્ષમાં ₹ 100 કરોડથી વધારે સંપત્તિ જાહેર કરનારા સાંસદની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2014માં જ્યારે પહેલીવાર કેન્દ્રમાં મોદી સરકાર રચાઈ એ સમયે માત્ર 4 સાંસદ હતા. વર્ષ 2018માં આ સંખ્યા વધીને 6 થઈ, વર્ષ 2024માં 31 અને 2026માં આંકડો હજુ યથાવત્ 31 જ છે. આ આંકડો ચૂંટણી સમયે એફિડેવિટમાં જાહેર કરવામાં આવેલા આંક પર આધારિત છે.
સંપત્તિનું આંકડાકીય વિશ્લેષણ
ADRના જૂન 2026ના રિપોર્ટ અનુસાર રાજ્યસભામાં 233માંથી 226 વર્તમાન સાંસદની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાંથી 4 બેઠકો ખાલી હતી અને 3 સાંસદોના એફિડેવિટ નહીં હોવાને કારણે ખાસ ઊંડું વિશ્લેષણ ન થયું, પણ 226માંથી 31 સાંસદ એટલે કે 14 ટકા સાંસદો એવા છે જેની સંપત્તિ ₹ 100 કરોડથી વધારે છે. આનો સીધો અર્થ એ થયો કે, દરેક સાતમો સાંસદ ₹ 100 કરોડની સંપત્તિ ધરાવતી શ્રેણીમાં આવે છે. કુલ 226 સાંસદોની સરેરાશ સંપત્તિ પર નજર કરવામાં આવે તો ₹ 115.25 કરોડ થાય છે. આ સરેરાશ એવું બતાવે છે કે, રાજ્યસભાની આર્થિક પ્રોફાઈલ કેટલી મોટી છે અને પૈસાદાર સાંસદોથી ભરી છે.
સંપત્તિને લઈને ઘણીવાર મતમતાંર જોવા મળે છે પણ હકીકત એ પણ છે કે, વર્ષ 2014 પછી આવા સાંસદોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જુદા જુદા રાજ્યોમાંથી ₹100થી વધારે સંપત્તિ ધરાવતા સાંસદની વાત કરવામાં આવે તો આંધ્ર પ્રદેશમાંથી 5, ઉત્તર પ્રદેશમાંથી 4, તેલંગણામાંથી 4, મહારાષ્ટ્રમાંથી 3, ઓડિશામાંથી 3, ગુજરાતમાંથી 2, પંજાબમાંથી 2, તમિલનાડુંમાંથી 2, હરિયાણામાંથી 1, કર્ણાટકમાંથી 1, કેરળમાંથી 1, મધ્યપ્રદેશમાંથી 1, રાજસ્થાનમાંથી 1 અને ઝારખંડમાંથી 1 સાંસદનો સમાવેશ આ કેટેગરીમાં થાય છે.
₹ 100 કરોડથી વધારે સંપત્તિ
ભારતીય જનતા પાર્ટીના 107 સાંસદમાંથી 7 ટકા સાંસદોએ ₹100 કરોડથી વધારે સંપત્તિ જાહેર કરી છે. કોંગ્રેસના 29માંથી 21 ટકા સાંસદોએ આ શ્રેણીમાં આવે છે. જ્યારે YSRCPમાં 4માંથી 2 સાંસદો, TDPમાં 4 માંથી 2 સાંસદો, BRSમાંથી 3માંથી 2 સાંસદ અને NCP માં 4માંથી 2 સાંસદો આ કેટેગરીમાં આવે છે. BRSના ડૉ.બંદીપાર્થ સારથી રેડ્ડી સૌથી વધારે સંપત્તિ ધરાવતા સાંસદ છે અને તેઓ BRSમાંથી રાજ્યસભાના સાંસદ છે. એમની કુલ સંપત્તિ ₹5300 કરોડ છે. આ પછી પંજાબના ભાજપના સાંસદ રાજિંદર ગુપ્તાની સંપત્તિ ₹5053 કરોડ છે, જ્યારે તેલંગણાના કોંગ્રેસના ડૉ. અભિષેક મનુ સિંઘવીની સંપત્તિ ₹2558 કરોડ છે. ચોથા ક્રમે એક્ટ્રેસ અને રાજ્યસભા સાંસદ જય બચ્ચન ₹1578 કરોડ છે. જ્યારે ગુજરાતના પરિમલ નથવાણીની ₹755 કરોડ સાથે આ કેટેગરીમાં છે. રાજ્ય વાઈસ જોવામાં આવે તો તેલંગણા અને આંધ્ર પ્રદેશના સાંસદોની સંપત્તિનો મોટો ભાગ આ રાજ્યસભામાં છે. તેલંગણાના સાત સાંસદોમાંથી ચાર (57%) અને આંધ્રપ્રદેશના અગિયારમાંથી પાંચ (45 ટકા) સાંસદોએ ₹100 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
રાજ્યવાઈસ રિપોર્ટ
આ શ્રેણીમાં ઓડિશાના દસમાંથી ત્રણ (30 ટકા), પંજાબના સાતમાંથી બે (29 ટકા) અને ગુજરાતના અગિયારમાંથી બે (18 ટકા) સાંસદોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના એકત્રીસ સાંસદોમાંથી ચાર (13 ટકા), મહારાષ્ટ્રના ઓગણીસમાંથી ત્રણ (16 ટકા) અને તમિલનાડુના અઢારમાંથી બે (11 ટકા) સાંસદો ₹ 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.
આ ઉપરાંત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાંથી એક-એક સાંસદ '₹100 કરોડ ક્લબ'માં સામેલ છે. તેલંગણા અને આંધ્રપ્રદેશના 18 સાંસદોની કુલ જાહેર કરાયેલી સંપત્તિ આશરે ₹10,259 કરોડ (તેલંગણા ₹ 8,310 કરોડ + આંધ્રપ્રદેશ: ₹1,949 કરોડ) છે, જે 226 સાંસદોની કુલ સંપત્તિ (આશરે ₹ 26,047 કરોડ)ના લગભગ 39 ટકા હિસ્સો ધરાવે છે.