રાજકોટ: શહેરમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આંધ્રપ્રદેશની રહેવાસી છે વિદ્યાર્થિની
પ્રાથમિક માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશની વતની અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા નામની વિદ્યાર્થિની આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં હોસ્ટેલની એ વિંગના 10મા માળેથી નીચે પડી હતી. ઘટનાની જાણ થતાં હોસ્ટેલમાં દોડધામ મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૌબર્નિકા મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરમાં AI બેઝ અભ્યાસ કરતી હતી. પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં તે બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પોલીસે તપાસ શરૂ કરી
બનાવની જાણ કરવામાં આવતા કુવાડવા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
હાલ કુવાડવા પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિની કયા સંજોગોમાં 10મા માળેથી નીચે પડી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે યુનિવર્સિટી અને હોસ્ટેલમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે.