Mon Oct 05 2026

Logo

રાજકોટમાં વિસર્જન ટાણે માતમ: 22 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જતાં પિતા-પુત્ર સહિત એક જ પરિવારના 3 સભ્યોના મોત

2026-09-24 11:27:00
Author: Mayur Patel
રાજકોટમાં વિસર્જન ટાણે માતમ: 22 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જતાં પિતા-પુત્ર સહિત એક જ પરિવારના 3 સભ્યોના મોત

રાજકોટ:ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ વચ્ચે રાજકોટમાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો. રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસે ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યો 20થી 22 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પિતા-પુત્ર અને ભત્રીજાએ જીવ ગુમાવ્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ રાણપુર રોડ પર આવેલી શિવધારા રેસિડેન્સી, શેરી નં-6 માં રહેતા ચૌહાણ પરિવારના સભ્યો કુવાડવા રોડ પર અજય વે બ્રિજ સામે, ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા જળાશયમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા ગયા હતા.

પરંપરાગત રીતે પ્રતિમા પધરાવતી વખતે અચાનક પગ લપસી જતા અથવા ઊંડા પાણીના વહેણમાં ખેંચાઈ જતા ત્રણેય લોકો ડૂબી ગયા હતા. જળાશયની ઊંડાઈ 20થી 22 ફૂટ જેટલી હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા. તહેવારના ઉત્સાહ વચ્ચે ચીસાચીસ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમમાં રેસ્ક્યુ કોલ આવતા જ ERC ઈમરજન્સી સ્ટેશનથી રેસ્ક્યુ વાહન અને ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયરના જવાનોએ પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને લગભગ 10થી 12 મિનિટની ભારે જહેમત બાદ ત્રણેયને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેયના મોત થઈ ચૂક્યા હતા. ત્રણેયને બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ પણ કરાઈ હતી પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનારની ઓળખ આ મુજબ થઈ હતી:
1.  ધીરૂભાઈ ભલાભાઈ ચૌહાણ (પિતા)
2.  નયનભાઈ ધીરૂભાઈ ચૌહાણ (પુત્ર)
3.  નરેન્દ્રભાઈ મગનભાઈ ચૌહાણ (ભત્રીજો)

ધીરુભાઈ અને નયનભાઈ બાપ-દીકરો હતા જ્યારે નરેન્દ્ર ધીરુભાઈનો ભત્રીજો હતો. એક જ ઘરના ત્રણ યુવાનોના અણધાર્યા મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સગા દિલીપભાઈ ચૌહાણ, ગામના સરપંચ લાભુભાઈ અને એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી.
 
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન રાજકોટ સહિત રાજ્યભરમાં ડૂબવાની ઘટનાઓ બને છે. આ ઘટના ફરી એકવાર તંત્રની બેદરકારી અને લોકોની અજાગૃતતા બંને પર સવાલ ઉભા કરે છે.

ખોડિયાર મંદિર પાસેનું આ જળાશય મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર કૃત્રિમ વિસર્જન કુંડ નથી. લોકો ઊંડા પાણીના જોખમને જાણ્યા વગર ત્યાં વિસર્જન કરવા જાય છે. આ જળાશય 20-22 ફૂટ ઊંડું છે, કિનારેથી જ ઊંડું ઉતરી જાય છે. કોઈ બેરિકેડ, ચેતવણી બોર્ડ કે તરવૈયા ત્યાં હાજર ન હતા. 
વિસર્જનના દિવસોમાં મનપા દ્વારા કૃત્રિમ કુંડ અને ફાયર ટીમ તૈનાત કરવામાં આવે છે, પરંતુ આવા અંતરિયાળ તળાવો પર કોઈ બંદોબસ્ત હોતો નથી.