Wed Aug 19 2026

Logo

મિજાજ મસ્તી: એક દોસ્તી ઐસી ભી... મૂંગા પ્રેમની મસ્તકથા

2026-08-02 09:38:00
Author: Sanjay Chhel
Article Image

 

 

 

- સંજય છેલ

 

ટાઇટલ્સ: 

 

આંખોથી ઊંડી કોઇ ભાષા નથી. (છેલવાણી)

 

દોસ્તી વણલખેલો કાનૂન છે, લીલી નસોમાં વહેતું ખાનદાની ખૂન છે. ભયંકર સંજોગોમાં સાથનો ગુણ છે. દોસ્તી એવું રસાયણ છે, જેમાં બે માણસો પીગળી-ઓગળીને આરપાર નીકળે છે. કૃષ્ણ-સુદામાથી લઇને તમારાં-મારાં જીવતરના ઝંઝાવાતમાં સાથ આપતું ઝનૂન છે.

 

કહેવાય છે માણસનું મન, મર્કટ કે બંદર જેવું હોય છે પણ બંદર એકમાત્ર જાનવર છે જે કેળાંની છાલ કાઢીને ખાઇ શકે, સીસોટી વગાડી શકે, માણસની નકલ કરી શકે પણ એ માણસ જેમ કમીનો કે ગદ્દાર હોય કે નહીં? ખબર નથી. 

 

આજે ‘ફ્રેંડશિપ-ડે’ પર એક એવી વાત કરીશું કે જેમાં મર્કટના મનમાં માણસથી વધુ સંવેદના દેખાશે. વરસો અગાઉ દૂરદર્શન પર ડિટેક્ટિવ ‘રાજા’ અને બંદર ‘રાંચો’ની જોડીવાળી સિરિયલ ‘રાજા ઔર રાંચો’ સુપરહિટ થયેલી. ‘રાજા’ ઉર્ફ અભિનેતા વેદ થાપર અને બંદર ‘રાંચો’ વચ્ચે એવી દોસ્તી જામી કે સેટ પર બેઉ સાથે મેક-અપ કરે, સાથે જમે, રમે ને રોજ શૂટિંગ કરે. આમ તો જાનવર પાસે કામ કઢાવવું અઘરું પણ આવી દોસ્તી પછી નિર્દેશકનું કામ આસાન થઇ ગયેલું. ઘણીવાર તો સ્ક્રિપ્ટમાં ના હોય એવા અજીબોગરીબ સ્ટંટ બેઉ સાથે મળીને કરતા. રાજા-રાંચોની જોડી બાળકોમાં ખૂબ પોપ્યુલર થઇ ગઈ પણ પછી કમાલના કરતબ કરતો બંદર ‘રાંચો’ વધુ લોકપ્રિય થવા માંડ્યો. આમે ય બાળક ને જાનવર સામે ગમે તેટલો સારો અભિનેતા હોય પણ તાળી તો જાનવર કે બાળક ને જ મળે કારણ કે એમના અભિનય જોઇ લોકોને અચંબા થાય. શૂટિંગ જોવા આવતા લોકો બંદરને જ મળવા માગે, ફોટા પડાવે એટલે અભિનેતા વેદને ખાસ ભાવ ના આપે. 

 

ઘણીવાર તો ‘અભિમાન’ ફિલ્મમાંના સ્પર્ધા કરતા કપલની અમિતાભ-જયાની જેમ રાજા, રાંચો સાથે ઊભો હોય તો લોકો અભિનેતા વેદને બાજુએ હટવા કહે. રાંચોની લોકપ્રિયતા જોઇને, અભિનેતા વેદને ઈર્ષ્યા થવા માંડી. જો કે બંદરને તો સમજાતું નહોતું કે શા માટે અભિનેતા વેદ એનાથી દૂર જવા માંડ્યો છે?

 

મૂંગા પ્રાણીને એમની મૈત્રીમાં દરાર દેખાતી તો હતી, પણ સમજાતી નહોતી. પ્રાણીને ભાષા ભલે ના આવડે પણ શરીરની ભાષા કે બોડી-લેંગ્વેજ સમજાય એટલે બંદર રાંચો પણ અભિનેતાથી રીસાવા લાગ્યો. સાથે રમવાનું, જમવાનું કે તોફાન મસ્તી કરવાનું બંધ કરી દીધું. ત્યાં સુધી કે રાજા સાથે કેમેરા સામે શોટ આપવામાં પણ બંદર નખરા કરવા લાગ્યો. 

 

આ બાજુ સ્ટારગીરી દેખાડવા અભિનેતા વેદ, મેકઅપમાં જાણી કરીને મોડું કરતો તો સામે બંદર રાંચો પણ ખૂણામાં મોં ચઢાવીને બેસી જતો. સેટ પર બંદર, ચાલુ શોટમાં મોં ફેરવી લે, દાંતિયા કાઢે અને અભિનેતા વેદ પણ એની સામે ડોળાં કાઢે.

 

ઇન્ટરવલ:

 

ક્યા હૈ કરીશ્મા? કૈસા ખિલવાડ હૈ?

 

જાનવર, આદમી સે ઝ્યાદા વફાદાર હૈ! (નીરજ)

 

હદ તો ત્યારે થઇ કે સાંજે ચીડાયેલો રાજા શૂટિંગ અટકાવીને પોતાની ખાસ ખુરશી મંગાવીને વિસ્કીના પેગ પીતા પીતા, ચણાં ખાવા બેસી જતો. આ જોઇ બંદર રાંચો પણ એ જ અદામાં પગ પર પગ ચડાવીને ખુરસી પર બેસીને ગ્લાસમાં પાણી પીને, ચણાં મંગાવીને ખાતો ને પછી તો એણે એકવાર વિસ્કીની બોટલ રાજા પાસેથી આંચકી લીધી અને પીવા માંડ્યો!

 

આમ અભિનેતા અને બંદરની આ અજીબ હુંસાતુંસીમાં શૂટિંગ વારેવારે અટકાવવું પડતું. છેવટે નિર્માતા-નિર્દેશકે અભિનેતા વેદને સમજાવ્યો કે બંદર ભલે ના સમજે પણ એક પ્રોફેશનલ એક્ટર તરીકે એણે તો સમજવું જોઇએ. ત્યારે મને-કમને ફરીથી રાજાએ રાંચો સાથે દોસ્તી શરૂ કરી પણ પહેલાં જેવી ઉષ્મા બેઉ વચ્ચે ફરી ના જ જન્મી. આમને આમ બેઉ વચ્ચેની કેમિસ્ટ્રી ખતમ થતાં સિરિયલની લોકપ્રિયતા ઘટાવા માંડી ને સિરિયલ બંધ થવાની કગાર પર આવી ગઇ. અભિનેતા વેદને સમજાઇ ગયું હતું કે હવે થોડાં જ એપિસોડ બચ્યા છે, પણ વાંદરાને એની ખબર કઇ રીતે પડે? એ તો રાજા સાથે ફરીથી દોસ્તી કરવા માંડેલો!

 

આખરે આખરી એપિસોડના શૂટિંગની ઘડી આવી. હવે રાજા ને રાંચો સદાયે માટે છૂટા પડવાના હતા- દંતકથા સમી જોડી તૂટવાની હતી. શૂટિંગના આખરી દિવસે સિરિયલનો એક બાજુનો સેટ તૂટવા માંડ્યો, કપડાંની પેટીઓ અને બીજી ધીમે ધીમે સામગ્રી સંકેલાવા લાગી. છેલ્લો શોટ પૂરો થયો, સેટ પર સૌ ગળે વળગીને છૂટા પડવા માંડ્યા ત્યારે બંદરને કશુંક સમજાયું, પછી રાંચોનો મદારી એને સેટ પરથી લઇ જવા લાગ્યો ત્યારે રાંચો ત્યાંથી હટે જ નહીં. એ તો ચિંચિંયારી પાડવા માંડ્યો. મદારી પણ એને સમજાવી કે સંભાળી શક્યો નહીં. રાંચોને કેળાં કે બિસ્કિટ વગેરે આપવામાં આવ્યા પણ બંદર તો અડે જ નહીં.

 

છેવટે રાજા ઉર્ફ અભિનેતા વેદ, બંદર રાંચોને મળવા ગયો. થોડી ક્ષણો સુધી બીછડતા પ્રેમીની જેમ બેઉએ એકમેકની સામે બસ જોયા જ કર્યું. બંનેને વરસો સુધી સાથે ગાળેલા દિવસો હવે યાદ આવવા માંડ્યા અને પછી બંદર રાંચો દોડીને, કૂદીને રાજાને ગળે વળગી પડ્યો અને ધ્રૂસ્કે ધ્રૂસ્કે ખૂબ રડ્યો.

 

અભિનેતાની આંખમાંથી પણ દડ દડ આંસુ વહેવા માંડ્યા. શરૂઆતમાં મિત્રો, પછી અબોલા અને પછી ફરી મૈત્રીની આ આખરી અનંત ક્ષણો, માની ના શકાય એવી નમણી ને નયનરમ્ય હતી. સેટ પર સૌના ગળામાં ડૂમા જામ્યા. પછી આખી રાત, ખાલી સ્ટુડિયોમાં રાજા-રાંચો સાથે રમ્યા, જમ્યા, રડ્યા-હસ્યા અને છેવટે ભારે હૈયે છૂટા પડ્યા.

 

કાશ આપણે માણસમાંથી ફરી વાંદરા બની શકીએ તો મૈત્રીમાં મહોરાં પાછળની ઇર્ષ્યા, નફરત, કપટ-કાવાદાવાથી બચી જઇ શકીએ.

 

હેપ્પી ‘ફ્રેંડશિપ-ડે’

 

એંડ-ટાઇટલ્સ:

 

આદમ: હું વાંદરું પાળું?

 

ઇવ: એક ઘરમાં બે ના ચાલે!