Fri Oct 09 2026

Logo

મરાઠવાડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન: વીજળી પડતા પાંચ લોકોનાં મોત

2026-09-18 21:07:16
Author: Mumbai Samachar Team
મરાઠવાડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન: વીજળી પડતા પાંચ લોકોનાં મોત

AI પ્રતીકાત્મક તસવીર


મુંબઈ/છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના મરાઠવાડામાં દુષ્કાળની પરિસ્થિતિ બાદ ઘણા ભાગોમાં વરસાદ થયો છે, જ્યારે છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનાઓમાં એક દંપતી સહિત પાંચ લોકોનાં મોત થયાં છે.

આ વિસ્તારના બીડ, લાતુર, નાંદેડ, પરભણી અને હિંગોલી જિલ્લાઓના ૩૧ મહેસૂલી વિસ્તારોમાં એક જ દિવસમાં ૬૫ મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો. અહીંના વિભાગીય કમિશનરની કચેરીના સત્તાવાર અહેવાલ મુજબ, સૌથી વધુ ૧૨૬ મિમી વરસાદ પરભણી જિલ્લાના ઝારી વિસ્તારમાં નોંધાયો હતો. ત્યારબાદ બીડ જિલ્લાના પરલી તાલુકાના સિરસાળા સર્કલમાં ૧૧૨.૫ મિમી અને પરભણીના પેડગાંવમાં ૧૧૧.૫ મિમી વરસાદ નોંધાયો હતો.

દરમિયાન ગુરુવારે મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડાના તમામ આઠ જિલ્લાઓમાં ૫.૪ મિમીથી ૪૧.૮ મિમી સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો હતો. અહેવાલ મુજબ, ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન મરાઠવાડામાં સરેરાશ ૬૭૯.૫ મિમી વરસાદ પડે છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૪૨૩.૩ મિમી વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ૩૭.૩ ટકાની ઘટ જોવા મળી છે.

છત્રપતિ સંભાજીનગરના કન્નડ તાલુકાના વાહુલખેડા ગામમાં, વીજળી પડવાથી ત્રણ લોકોનાં મોત થયાં હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. મૃતકોની ઓળખ હમીદા સૈયદ (૪૦), તસ્લીમ સૈયદ (૩૯) અને અલ્મિરા સૈયદ (૧૭) તરીકે થઈ હતી. અન્ય ત્રણ વ્યક્તિઓ હાફિઝ સૈયદ (૨૫), અનિસા સૈયદ (૩૮) અને ફરઝાના સૈયદ (૨૫) ઘાયલ થયા હતા તેઓ સારવાર હેઠળ છે.

સિલોડ તાલુકાના દહીગાંવમાં બનેલી અન્ય એક ઘટનામાં, વીજળી પડવાથી એક દંપતીનું મૃત્યુ થયું હતું. મૃતકોમાં ખેડૂત મનોહર દુધે (૬૦) અને તેમના પત્ની પાર્વતાબાઈનો સમાવેશ થાય છે. આ દંપતીનો પુત્ર, પાંઢરીનાથ દુધે, આ ઘટનામાં ઘાયલ થયો હતો અને સારવાર લઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.