Mon Aug 17 2026

Logo

સંસદમાં 'ઈડિયટ' અને 'અંધભક્ત' શબ્દ પર કેમ મચ્યો હોબાળો? જાણો સંસદમાં શબ્દો બેન થવાના નિયમો!

2026-07-30 13:53:00
Author: Darshana Visaria
Article Image

લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક ભાષણને લઈને સંસદમાં ભારે હંગામો મચી ગયો છે. સત્તા પક્ષ દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં 'ઈડિયટ' (Idiot) અને 'અંધભક્ત' (Andhbhakt) જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે સંસદીય મર્યાદાની વિરુદ્ધ છે. આજે આપણે વાત કરીશું કેટલાક એવા શબ્દો વિશે કે જે સંસદમાં બોલવાનું માન્ય નથી. 

આ મામલે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સખત વાંધો ઉઠાવતા લોકસભા અધ્યક્ષ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી. વિવાદ વણસતા આખરે સ્પીકરે આ શબ્દોને સંસદની કાર્યવાહીમાંથી હટાવવા એટલે કે 'એક્સપંજ' (Expunge) કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સવાલ એ થાય છે કે આખરે સંસદમાં કયા શબ્દો 'બેન' હોય છે અને શું ખરેખર કોઈ નિશ્ચિત શબ્દોની યાદી હોય છે?

અસંસદીય શબ્દ એટલે શું?
સંસદમાં બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ આ સ્વતંત્રતા કેટલાક નિયમોના દાયરામાં હોય છે. જો કોઈ સાંસદ એવા શબ્દ કે ટિપ્પણીનો પ્રયોગ કરે જેને અપમાનજનક, અશોભનીય, માનહાનિભરી, અભદ્ર કે કોઈની ગરિમાને ઠેસ પહોંચાડનારી માનવામાં આવે, તો તેને અસંસદીય ગણવામાં આવી શકે છે. લોકસભા અને રાજ્યસભાના નિયમો હેઠળ આ બાબતે અંતિમ નિર્ણય અનુક્રમે સ્પીકર અથવા સભાપતિ લે છે કે કોઈ શબ્દ રેકોર્ડ પર રહેશે કે તેને હટાવી દેવાશે.

શું સંસદમાં શબ્દોની કોઈ 'બેન લિસ્ટ' હોય છે?
આ સૌથી મોટો ભ્રમ છે. વાસ્તવમાં સંસદમાં કોઈપણ શબ્દની કાયમી કે હંમેશાં માટે પ્રતિબંધિત યાદી હોતી નથી. લોકસભા સચિવાલય સમય-સમય પર 'Unparliamentary Expressions' નામક એક સંદર્ભ પુસ્તક પ્રકાશિત કરતું રહે છે. જેમાં એવા હજારો શબ્દો અને વાક્યો સામેલ હોય છે જેને અગાઉ અલગ-અલગ પરિસ્થિતિમાં ગૃહના વડાએ કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે તે શબ્દ દરેક પરિસ્થિતિમાં હંમેશાં પ્રતિબંધિત જ રહેશે. એટલે કે એક સંદર્ભમાં જે શબ્દ અસંસદીય ગણાય, તે બીજા સંદર્ભમાં ન પણ હોય.

સંસદની કાર્યવાહીમાંથી શબ્દ હટાવવાનો શું અર્થ થાય?
જો અધ્યક્ષને લાગે કે કોઈ સભ્યની ટિપ્પણી સંસદીય મર્યાદા અનુસાર નથી, તો તેઓ તે ભાગને 'Expunge' કરવાનો આદેશ આપી શકે છે. તેનો અર્થ એ થાય છે કે તે શબ્દ અથવા વાક્ય સંસદની સત્તાવાર કાર્યવાહીનો ભાગ ગણાશે નહીં. જોકે, મીડિયા અથવા વિડીયો રેકોર્ડિંગમાં તે નિવેદન ક્યારેક દેખાઈ કે સંભળાઈ શકે છે.

રાહુલ ગાંધીના ભાષણમાં શું બન્યું?
29મી જુલાઈ, 2026ના રોજ લોકસભામાં સાર્વજનિક પરીક્ષા સાથે જોડાયેલા વિધેયક પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના આંદોલનનું સમર્થન કર્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે લોકોને ત્રણ શ્રેણીઓમાં વિભાજીત કરતાં સ્ટુડન્ટ્સ, ઈડિયટ્સ, અંધભક્ત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

આ દરમિયાન 'ઈડિયટ' અને 'અંધભક્ત' શબ્દ પર સત્તા પક્ષે આકરો વાંધો ઉઠાવ્યો. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ માફી માંગવાની માંગ કરી. જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે તેમણે આ શબ્દો કોઈપણ સાંસદ માટે નહીં, પરંતુ પોતાના ભાષણના સંદર્ભમાં કહ્યા હતા. વિવાદ વધતાં તેમણે એમ પણ કહ્યું કે જો આ શબ્દો આપત્તિજનક લાગતા હોય તો તેઓ અન્ય શબ્દનો ઉપયોગ કરી શકે છે. અંતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ વિવાદાસ્પદ શબ્દોને સત્તાવાર રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે.