કામરૂપઃ આસામના કામરૂપમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી. આ સભમાંથી તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર ચાબખા માર્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કહ્યું હતું કે, આસામના વિકાસ માટે કોંગ્રેસ પાસે રોડમેપ અત્યારે પણ તૈયાર છે. આસામના મુખ્યમંત્રી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. એમના મોઢેથી 24 કલાક નફરત અને હિંસાની ભાષા જ નીકળે છે.
50 હજારની આર્થિક સહાય કરશે
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આક્ષેપ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આસામના મુખ્યમંત્રીને કંટ્રોલ કરે છે. કોંગ્રેસની ગેરેન્ટી આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, સરકાર બની એના 100 દિવસમાં જુબીન ગર્ગ કેસમાં ન્યાય મળશે. મહિલાઓને દર મહિને બેંક ખાતામાં સીધા જ પૈસા આવશે એ પણ કોઈ જ પ્રકારની શરત વગર. પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતી મહિલાઓને કોંગ્રેસ સરકાર 50 હજાર રૂપિયાની આર્થિક સહાય કરશે. આ માટે સરળ પ્રક્રિયા રહેશે.
ચોક્કસથી બદલાવ આવશે
જમીન અંગે જે નિયમો છે એમાં પણ ફેરફાર કરવામાં આવશે. સ્થાયી માલિકી હકમાં ફેરફાર કરાશે. સિનિયર સિટિઝન્સને મહિને 1250 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. આ માટે સરકારમાં એક અલગ વિભાગ તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં દરેક પરિવારને પોતાના સ્વજનોના ઈલાજ માટે 25 લાખ રૂપિયાની કેશલેસ સુવિધા આપવામાં આવશે.આ સિવાય રાહુલ ગાંધીએ આદિવાસી સમુદાય માટે ખાસ પ્રકારની લોનની પણ કોંગ્રેસ સરકાર વ્યવસ્થા કરશે. અહીંયાના લોકો અને મુખ્યમંત્રીની વિચારધારામાં ખૂબ જ અંતર છે. આસામના લોકો કોંગ્રેસ પર વિશ્વાસ કરશે તો ચોક્કસથી બદલાવ આવશે.