નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી છોડીને ભાજપને કેસરીયો ખેસ પહેરી લેનાર રાઘવ ચઢ્ઢાની લોકપ્રિયતાને ફટકો લાગ્યો છે. એકબાજુ ક્રિકેટર હરભજનસિંહના ઘરની બાહર કોઈએ ગદ્દાર લખી દીધુ તો હવે રાઘવ ચઢ્ઢાના સોશિયલ મીડિયામાંથી 10 લાખ ફોલોઅર્સે એમને ફોલો કરવાનું બંધ કરી દીધું છે. ચઢ્ઢા ખુદ ન માત્ર ભાજપમાં જોડાયા પણ પોતાની સાથે રહેલા આમ આદમી પાર્ટીના છ રાજ્યસભાના સાંસદને પણ ભાજપમાં લઈ ગયા છે, જેથી આમ આદમી પાર્ટીની ચિંતા રાતોરાત વધી ગઈ છે.
યુવાવર્ગમાં ભારે નારાજગી
આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાનો નિર્ણય યુવાનો ખાસ કરીને ઝેન ઝી જનરેશનને પસંદ પડ્યો નથી. થોડા સમય પહેલા રાજ્યસભામાં અનેક એવા મહત્ત્વના મુદ્દાઓ ઊઠાવનાર નેતાએ અચાનક આવો નિર્ણય લેતા અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. ઈન્ટરનેટની દુનિયા પર આ નિર્ણયને યુવા વર્ગ પસંદ કરી રહ્યા નથી. આજની ડિજિટલની દુનિયામાં ફોલોઅર્સને કોઈ પણ નેતાની લોકપ્રિયતાના પાયોનીયર માપદંડ તરીકે જોવામાં આવે છે. આંકડાકીય રિપોર્ટ અનુસાર, ભાજપમાં જોડાયાના 24 કલાકમાં ઈન્સ્ટાગ્રામ પરથી રાઘવ ચઢ્ઢાના આશરે 10 લાખ ફોલોઅર્સ ઘટી ગયા છે. શુક્રવારે જ્યાં એમના ફોલોઅર્સ 14.6 મિલિયન હતા, જે શનિવારે ઘટીને 13.5 મિલિયન થઈ ગયા છે.
ફોલોઅર્સ ઘટી ગયા
આ આંકડો શનિવારે બપોરે 1 વાગ્યા સુધીનો છે. રાત્રિ સુધીમાં હજું પણ ઘટાડો થાય એવા અણસાર ચોક્કસ છે. NCP પ્રવક્તા અનીશ ગવાંડેએ એક્સ પર લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અનફોલો અભિયાનને કારણે ચઢ્ઢાએ 10 લાખ ફોલોઅર્સ ગુમાવ્યા છે. ઈન્ટરનેટ તમને રાતોરાત હીરો બનાવી શકે છે તો રસ્તા ઉપર પણ લાવી દે છે. રાઘવ ચઢ્ઢાએ યુવાવર્ગમાં એક અલગ ઓળખ ઊભી કરી હતી. યુવા નેતાની સાથે તેમણે જે મુદ્દાઓ સાંસદમાં ઊઠાવ્યા એ ખરેખર સામાન્ય માણસની દૈનિક જીવનશૈલી સાથે જોડાયેલા હતા, જે મુદ્દાઓને રાજનીતિમાં અવગણવામાં આવતા એવા મુદ્દાને નીડરતાથી તેમણે રજૂ કર્યા છે.
અન્ય પાર્ટી બનાવશે એવી અટકળ હતી
આમ આદમી પાર્ટીએ જ્યારે એમને ઉપનેતા તરીકે પદ પરથી દૂર કર્યા એ સમયે પણ દેશભરમાંથી એમને જનસમર્થન મળી રહ્યું હતું. એક યુઝરે તે એમને પોતાની અલગ ઝેન-ઝી પાર્ટી બનાવવાની સલાહ આપી હતી. એક યુઝરે એવી ચેતવણી પણ આપી હતી કે, જો તેઓ કોઈ બીજી પાર્ટીમાં ગયા તો ભારે નફરતનો સામનો કરવો પડી શકે છે. એ સમયે એવી અટકળ હતી કે, તેઓ પોતાની નવી પાર્ટી બનાવશે પણ એવું ન થયું. ટ્વીટર પર #UnfollowRaghavChadha ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ જ ટેગ પર 45 હજારથી વધારે પોસ્ટ થઈ હતી.પોતાના સોશિયલ મીડિયા પરથી રાઘવે મોદીની ટીકા કરતા વીડિયો ડિલિટ કરી નાંખ્યા હતા.
અનેક પ્રકારની કોમેન્ટનો ઢગલો
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, એમની પ્રોફાઈલ પર મોદી નામથી માત્ર બે પોસ્ટ છે, જેમાં તેઓ વડા પ્રધાન મોદીને વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વર્તમાન રાજનીતિની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાવર્ગમાં એની અસર ઘટી છે. આ નિર્ણય પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે એવો વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં કેપ્શન લખ્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે ઑપરેશન લોટસ પર રાઘવ ભાષણ કરતા, આજે ખુદ ભાજપનો એક ભાગ બની ગયા છે. અન્ય એક યુઝરે એવું લખ્યું કે, હવે ડાયરેક્ટ નાણામંત્રીને જે તે વિષય પર સલાહ આપવા માટે જજો. એક યુઝરે એવું લખ્યું કે, આને જ માસ્ટર ઓફ પોલિટિક્સ કહેવાય. એક યુઝરે એવી પણ કોમેન્ટ કરી કે, પાર્ટી ગમે તે હોય હવે ફરીથી કરિયર શરૂ કરવા ઓલ ધ બેસ્ટ