Fri Apr 24 2026

Logo

આવકો વિલંબિત થતાં અત્યાર સુધીમાં ઘઉંની પ્રાપ્તિમાં 11 ટકાનો ઘટાડો

2026-04-24 20:06:58
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન રવી માર્કેટિંગ મોસમમાં ઘઉંની આવકો વિલંબિત થવાને કારણે અત્યાર સુધીમાં વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા થતી ઘઉંની પ્રાપ્તિ ગત સાલના સમાનગાળાના 167 લાખ ટન સામે 11.37 ટકાના ઘટાડા સાથે 148 લાખ ટનની સપાટીએ રહી છે. 

ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને રાજ્ય સ્તરની એજન્સીઓ વર્તમાન રવી મોસમ (માર્ચથી એપ્રિલ) ના ઘઉંની લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે. સામાન્યપણે આ પ્રાપ્તિ એપ્રિલથી જૂન મહિના સુધીના ત્રણ મહિનામાં જ પૂરી થઈ જતી હોય છે. આ વર્ષે મંડીઓમાં આવકો વિલંબથી થઈ હોવાને કારણે અત્યાર સુધીની પ્રાપ્તિમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હવે પ્રાપ્તિ ગતિ પકડી રહી હોવાનું અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું. 

અમુક રાજ્યોમાં થયેલા કમોસમી વરસાદ અને કરાં પડવાને કારણે ઘઉંની ચમક ઓછી થઈ જવી અને ટુકડી થઈ જવા જેવી બાબતોને ધ્યાનમાં લેતા પ્રાપ્તિના ધોરણો હળવા કરવામાં આવ્યા છે. તેમ જ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પ્રાપ્તિનો સમયગાળો લંબાવવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન રવી માર્કેટિંગ મોસમમાં ગત બાવીસમી એપ્રિલ સુધીમાં પંજાબમાંથી પ્રાપ્તિ ગત સાલના 49 લાખ ટન સામે વધીને 67 લાખ ટનની અને હરિયાણામાંથી પ્રાપ્તિ ગત સાલના 53 લાખ ટન સામે વધીને 61 લાખ ટનની થઈ છે. જોકે, મધ્ય પ્રદેશમાંથી પ્રાપ્તિ ગત સાલના સમાનગાળાના 52 લાખ ટન સામે ઘટીને 10 લાખ ટન અને રાજસ્થાનમાંથી પ્રાપ્તિ ગત સાલના 7.8 લાખ ટન સામે ઘટીને પાંચ લાખ ટનની સપાટીએ રહી છે.

અધિકારીનાં જણાવ્યાનુસાર રાજ્ય સરકારોએ સંગ્રહની પર્યાપ્ત સુવિધા કરી હોવાથી હાલને તબક્કે માલના સંગ્રહ અંગે કોઈ સમસ્યા નથી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન પાક વર્ષ 2025-26 (જુલાઈ-જૂન)માટે સરકારે 12.02 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ મૂક્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.