Fri Apr 24 2026

Logo

ડૉલર સામે રૂપિયો વધુ 15 પૈસા ગબડ્યો

2026-04-24 20:11:47
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવા અંગેની અનિશ્ચિતતા તથા શાંતિ વાટાઘાટોના અભાવને કારણે ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ યથાવત્‌‍ રહેતાં આજે વધુ 15 પૈસાના ધોવાણ સાથે 94.16ની સપાટીએ બંધ રહ્યો હતો. 

વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકી લશ્કરને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગને અવરોધતી ઈરાનની નાની બોટને `શૂટ ઍન્ડ કીલ'નો આદેશ આપ્યો હોવાથી પરિસ્થિતિ વધુ તણાવરૂપ થવાની ભીતિ સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 105 ડૉલરની ઉપર જવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું

કે આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.01ના બંધ સામે 94.25ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.31 અને ઉપરમાં 94.18ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 15 પૈસાના ઘટાડા સાથે 94.16ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 23 પૈસા તૂટ્યો હતો. તેમ જ છેલ્લાં પાંચ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં 125 પૈસાનું ધોવાણ થઈ ગયું છે. 

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગમાં અમેરિકાની નાકાબંધી તણાવને ઊંચી સપાટી પર રાખી રહી હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલના ભાવમાં મજબૂત વલણને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 94થી 94.62 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.02 ટકા વધીને 98.62 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.21 ટકા ઉછળીને બેરલદીઠ 107.39 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 982.71 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 275.10 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3254.71 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ ગબડ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.