લખનઊઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું કે બિયારણ અને જંતુનાશકો (પેસ્ટિસાઈડ્સ)ને લગતો ધારો તૈયાર થઈ ગયો છે અને સંસદના આગામી સત્રમાં તેને પસાર થવા માટે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
અત્રે ઉત્તરના રાજ્યો માટે યોજાયેલા કૃષિ પરિસંવાદને સંબોધતા ચૌહાણે જણાવ્યું હતું કે બનાવટી અને હલકી ગુણવત્તાવાળા બિયારણ અને જંતુનાશકોનું વેચાણ અટકાવવા અથવા નિયંત્રણમાં રાખવા માટેનો પ્રસ્તાવિત બિયાંરણ ધારો (સીડ એક્ટ) અને જંતુનાશક (પેસ્ટિસાઈડ્સ એક્ટ) પ્રતિસાદ માટે વિતરીત કરવામાં આવ્યો છે.
જો કોઈપણ બનાવટી-નકલી કે હલકી ગુણવત્તાવાળા બિયારણ અથવા તો પેસ્ટિસાઈડ્સનું વેચાણ કરતું હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલના દંડના ધોરણો નીચા અને ઓછા અસરકારક હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આવી ગેરરીતિઓ સામે રાજ્યોના સમર્થન સાથે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે.
નોંધનીય બાબત એ છે કે આ પરિસંવાદમાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યના કૃષિ પ્રધાન સૂર્યપ્રતાપ શાહી, બાગાયતી ખાતાના પ્રધાન દિનેશ સિંહ અને રાજ્યના નવ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વધુમાં ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્રએ સમગ્ર દેશમાં વિવિધ કૃષિ આબોહવાની પરિસ્થિતિઓની સમસ્યાઓ વધુ સારી રીતે ઉકેલવા માટે રવી અને ખરીફ પાકો પર એક જ રાષ્ટ્રીય પરિષદમાંથી પ્રદેશ આધારિત સલાહ-મસલત તરફ સ્થળાંતર કર્યું છે. ભારત વિશાળ દેશ છે અને વિવિધ માટી તથા વિવિધ આબોહવાની સ્થિતિ પણ જુદી જુદી છે આથી જે કાર્ય જમ્મુ અને કાશ્મીરમાં થાય તે તમિળનાડુમાં ન થઈ શકે આથી પ્રદેશ મુજબનું આયોજન કરવામાં આવે તો વધુ અસરકારક કૃષિનો રોડમેપ તૈયાર થાય, એમ તેમણે ઉમેર્યું હતું.
સરકારની સિદ્ધિઓ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલ ભારતમાં ખાદ્યાન્નનો પર્યાપ્ત પુરવઠો છે અને દેશ હવે આયાત પર નિર્ભર નથી અને ભારત હવે વિશ્વનો સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ છે અને ચીનથી પણ આગળ છે. તેમ જ હવે ભારત ઘઉંનો પણ મોટો નિકાસકાર દેશ બન્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકારે ત્રણ બાબતોને અગ્રતાક્રમ આપ્યો છે જેમાં અન્ન સલામતી, ખેડૂતોની આવકમાં વધારો અને લોકોને પોષણયુક્ત અનાજ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. આ માટે છ મુદ્દાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે, જેમાં સ્થાનિકમાં ઉત્પાદન વૃદ્ધિ, ઉત્પાદન પડતરમાં ઘટાડો, સામાન્ય વળતરદાયી ભાવ ઉપલબ્ધિની બાંયધરી, પાક નુકસાન સામે વળતર અને વિકેન્દ્રિકરણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
જોકે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ખાતરના અંધાધૂંધ વધી રહેલા વપરાશ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે ખાતરનો અતિરેકપણે વપરાશ જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે બાગાયતી અને ઔષધીય પાક સહિતના પાક તરફ વૈવિધ્યીકરણની સાથે કુદરતી અને જૈવિક ખેતીની પદ્ધતિઓની હિમાયત કરવાની સાથે ગુણવત્તાયુક્ત બિયારણના મહત્ત્વ પર વધુ ભાર મૂક્યો હતો.