ઉમેશ ત્રિવેદી
રાધિકા મદાન એ નામ ઘણાને નવું લાગશે, પણ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે નામના મેળવનારી રાધિકાએ ટેલિવિઝનથી માંડીને બોલિવૂડની સફર ખૂબ જ સહેલાઈથી પાર કરી છે. આ અઠવાડિયે તેની ફિલ્મ ‘સુબેદાર’ સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અનિલ કપૂર, રાધિકા મદાન અને મોના સિંહની છે.
1995માં દિલ્હીમાં હિન્દુ કુટુંબમાં જન્મેલી રાધિકાએ તેનું શાળા શિક્ષણ દિલ્હીમાં પૂરું કર્યું છે અને સ્નાતક સુધીનો અભ્યાસ પણ દિલ્હીમાં જ પૂરો કર્યો છે. સ્નાતક થયા પછી તેણે અભિનય કારકિર્દી તરફ વળવાનો નિર્ણય કર્યો અને એ માટે તેણે પહેલાં ટેલિવિઝનથી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો.
‘કલર્સ’ પર આવનારી દૈનિક ધારાવાહિક ‘મેરી આશિકી તૂમસે હીં’માં શક્તિ અરોરા સામે તેણે ઈશાની વાઘેલા નામની ભૂમિકા કરી. આ દૈનિક ધારાવાહિકમાં તેણે જૂન-2014થી કરીને ફેબ્રુઆરી 2016 સુધીમાં લગભગ 400 એપિસોડ કર્યા. તે ધીરે-ધીરે આગળ વધવા માગતી હતી એટલે આ દૈનિક ધારાવાહિક દરમિયાન જ તેણે પોતાની નૃત્યકલાની જાણ કરવા માટે ‘કલર્સ’ના જ ‘ઝલક દિખલા જા’માં કામ કર્યું. ત્યાં પણ તેને સફળતા મળી. આ પછી તેણે 2017માં એક સિરિયલમાં અભિનય કર્યો અને પછી તેણે ટેલિવિઝન છોડી દીધું. આ ત્રણ વર્ષની તેની મહેનત રંગ લાવી અને 2018માં તેણે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘પટાખા’માં તક મળી.
આ ફિલ્મ બે બહેનોની વાત પર બનેલી હતી. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રાની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મની ભૂમિકા માટે રાધિકાને ‘સ્ક્રીન એવોર્ડસ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્ય’નો એવોર્ડ પણ મળ્યો હતો.
વિશાલ ભારદ્વાજની ફિલ્મ પછી રાધિકાને કોમેડી ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ મળી. જેમાં તેનો હીરો નવોદિત અભિમન્યુ દસાની હતો. સાથે ગુલશન દેવૈયા, મહેશ માંજરેકર અને જિમિત ત્રિવેદી જેવા કલાકારો હતા. આ ફિલ્મ 2018માં રજૂ થઈ હતી. ફિલ્મને બોક્સઓફિસ પર બહુ સફળતા મળી નહોતી.
2020માં આવેલી ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મથી રાધિકા મદાનની લોકોએ નોંધ લેવાની શરૂઆત કરી. ઈરફાન ખાન અભિનીત આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ હતી. ફિલ્મમાં રાધિકાએ ઈરફાન ખાનની પુત્રીની ભૂમિકા કરી હતી. આ ભૂમિકાથી રાધિકાને ઘણી લોકપ્રિયતા મળી અને એક ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે તેની ઓળખ થવા લાગી હતી. ત્યાર બાદ 2021માં આવેલી ‘શિદ્દ:ત’થી તો રાધિકા મદાને એક અભિનેત્રી તરીકે ભરપૂર નામના મેળવી લીધી હતી. ફિલ્મમાં તેની સાથે સન્ની કૌશલ, મોહિત રૈના અને ડાયેના પેન્ટી હતાં. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ કમાલ દાખવી હતી.
જોકે, રાધિકાની ફિલ્મોને બોક્સ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળતી નહોતી પણ બીજી તરફ તેને ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે સતત માન્યતા મળતી જતી હતી. તેનાં કુદરતી અભિનયના લાખ્ખો ચાહકો થયા હતા. 2022માં ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ અને ‘સના’, 2023માં ‘કુત્તે’, ‘કચ્ચે લિમ્બુ’, ‘સજની શિંદે કા વાઈરલ વીડિયો’, 2024માં ‘સરફીરા’ અને ‘જિગરા’માં તે દેખાઈ અને હવે 2026માં તે ‘સુબેદાર’માં દેખાશે.
2021માં તેણે ફરી એક વાર ટેલિવિઝન પર શરૂઆત કરી. ‘રે’ નામની ફિલ્મ માટે તેને ‘ફિલ્મફેર’નો ઓટીટીનો એવોર્ડ મળ્યો. 2021માં જ તેણે ‘ફિલ્મ લાઈક ઈશ્ક’માં પણ અભિનય કર્યો અને 2023માં આવેલી ક્રાઈમ સિરીઝ ‘સાસ બહુ ઔર ફ્લેમિંગો’માં તો તેનું કામ ખૂબ જ વખણાયું હતું. ‘ડિઝની હોટસ્ટાર’ પર રજૂ થયેલી આ સિરીઝમાં ડિમ્પલ કાપડિયા, ઈશા તલવાર, અંગીરા ધર, જિમિત ત્રિવેદી, દીપક ડોબરિયાલ અને નસીરુદ્દીન શાહ જેવાં કલાકારોની વચ્ચે તેનું કામ ખૂબ વખણાયું હતું.
2023માં રાધિકા નોન-વેજ ખાવાનું બંધ કરીને ‘વેગન’ બની ગઈ ત્યારે તેણે ‘પેટા ઈન્ડિયા’ની ‘ટ્રાય વેગન’ ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો. 2015માં રાધિકાને ‘સેક્સીએસ્ટ એશિયન વિમેન’ની યાદીમાં 24મો ક્રમાંક મળ્યો હતો અને 2024માં ‘ફોર્બ્સ ઈન્ડિયા’ની ‘30 અંડર 30’માં યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અત્યારે 31 વર્ષની થયેલી રાધિકા મદાન પોતાની રીતે એક પછી એક સફળતા મેળવતી જાય છે અને સતત આગળ વધતી જાય છે. તે પોતાનું કામ એટલે અભિનય સારી રીતે કરી જાણે છે અને સતત કાંઈક સારું કરવાની ધગશ ધરાવે છે. એટલે જ ટીવી સિરિયલથી કારકિર્દી શરૂ કરીને ફિલ્મો સુધી પહોંચેલી આ અભિનેત્રી એક પછી એક નામના મેળવતી જાય છે.
ઈરફાન ખાન, નસીરુદ્દીન શાહ, ડિમ્પલ કાપડિયા જેવાં દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને તેમાંથી પ્રેરણા લઈને તે પોતાનો અભિનય સુધારતી જાય છે. ‘સુબેદાર’ ફિલ્મ સીધી જ ઓટીટી પર રજૂ થવાની છે એટલે તેની સફળ ફિલ્મની યાદીમાં તેનો સમાવેશ નહીં થાય, પણ અનિલ કપૂર સાથેની આ ફિલ્મથી તેની પ્રતિષ્ઠામાં વધારો જરૂર થશે.
OTTનું હોટસ્પોટઃ 7 થી 13 માર્ચ 2026 સુધી શું જોશો? રૂા. 100 કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મનું ઓટીટી પર પ્રસારણ
ગુજરાતી ફિલ્મોમાં અનેરો ઈતિહાસ સર્જનારી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ હવે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે ત્યારે કયા વિક્રમો સર્જે છે એ જોવું રસપ્રદ સાબિત થશે. રીવા રાછ, કરણ જોશી, સૃહાર્દ ગોસ્વામી અભિનીત આ ફિલ્મના દિગ્દર્શક અંકિત સાબિયા છે.
આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસ પર રૂા. 100 કરોડથી વધુની કમાણી કરીને ગુજરાતી ફિલ્મોને નવી દિશા ચીંધી છે. એક વ્યક્તિના લાલો એટલે કૃષ્ણ પરના વિશ્ર્વાસની કથા કહેતી આ ફિલ્મ હવે ઓટીટી પર ‘સોની લીવ’ પ્લેટફોર્મ દ્વારા રજૂ થઈ રહી છે. આ ફિલ્મ આજે છઠ્ઠી માર્ચે જ રજૂ થઈ રહી છે, જે જોવાનું ચૂકશો નહીં.
એ અગાઉ પાંચમી માર્ચે અનિલ કપૂર અભિનીત ‘સુબેદાર’ એમેઝોન પ્રાઈમ પર રજૂ થઈ ચુકી છે.
* ઝી ફાઈવ: પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના અને સમીર સોની અભિનીત હિન્દી ફિલ્મ ‘જબ ખુલી કિતાબ’ આજે છ માર્ચે આ ઓટીટી ચેનલ પર રજૂ થઈ રહી છે.
* નેટફ્લિક્સ: નેટફ્લિક્સ પર આજે છઠ્ઠી માર્ચે ત્રણ અલગ - અલગ પ્રકારની ફિલ્મ અને સિરીઝ રજૂ થઈ રહી છે. તેમાં પહેલી ફિલ્મ એક રોમાન્ટીક ડ્રામા છે. ‘વિથ લવ’ એ એક તમિળમાં બનેલી ફિલ્મ છે, પણ આજે (છઠ્ઠી માર્ચે) તે એકસાથે અનેક ભાષામાં રિલીઝ થશે. બીજી ફિલ્મ ‘બોયફ્રેન્ડ ઓન ડિમાન્ડ’ છે. કોરિયન રોમાન્ટીક કોમેડી ફિલ્મ આજે જ આ ચેનલ પર રજૂ થશે અને ત્રીજી એક ડોક્યુમેન્ટ્રી સિરીઝ છે, જેનાં નિર્માતા સ્ટીવન સ્પીલબર્ગ છે. ‘ધ ડાયનોસોર્સ’ નામની આ સિરીઝનો આજે પ્રીમિયર છે. આ ઓટીટી ચેનલ પર સાત માર્ચે ‘ન્યુરેમ્બર્ગ’ નામની સિરીઝ, 10મી માર્ચે ‘વન પીસ’ની સીઝન-ટુ અને 12મી માર્ચે ‘મેડ ઈન કોરિયા’ નામની સિરીઝનું પ્રસારણ થશે.
* જિયો હોટસ્ટાર: જિયો હોટસ્ટાર પર નવમી માર્ચે ‘રુસ્ટર’ નામની નવી નક્કોર સિરીઝ રજૂ થવાની છે.
આ સિવાય 8 માર્ચે આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલનો રોમાંચ જરૂરથી માણવા મળશે. છેલ્લાં એક મહિનાથી ચાલી રહેલી આ સ્પર્ધામાં વિજેતાનું નામ આપણને ટૂંક સમયમાં જાણવા મળશે. તે અગાઉ ચાર માર્ચે અને પાંચ માર્ચે બે સેમિ-ફાઈનલ રમાવાની છે, જે આ છપાતાં અગાઉ તેનાં રિઝલ્ટ આવી ગયા હશે.
આ ટી-20 વર્લ્ડ કપ પૂરો થશે ત્યાં જ ભારતમાં ફરી એકવાર આઈપીએલની શરૂઆત થવાની ‘કાઉન્ટ ડાઉન’ શરૂ થઈ ચૂક્યું છે.