Mon Oct 05 2026

Logo

બોર્ડર પારથી ચાલતા ડ્રગ્સ અને હથિયારના નેટવર્કનો પર્દાફાશ: બે શખ્સોની ધરપકડ

2026-04-11 12:53:00
Author: Mumbai samachar Team
બોર્ડર પારથી ચાલતા ડ્રગ્સ અને હથિયારના નેટવર્કનો પર્દાફાશ: બે શખ્સોની ધરપકડ

ચંડીગઢ: પંજાબમાં નશીલા પદાર્થો અને ગેરકાયદે હથિયારોની સપ્લાય કરતા આંતરરાષ્ટ્રીય રેકેટ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. સીમા પારથી સંચાલિત થતા આ ગઠબંધનને તોડવા માટે પંજાબ પોલીસ છેલ્લા ઘણા સમયથી સતર્ક હતી. રાજ્યમાં અશાંતિ ફેલાવવા અને ગુનાખોરીને પ્રોત્સાહન આપવાના ઈરાદે સક્રિય થયેલા આ નેટવર્ક પર તરાપ મારીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે.

બટાલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી માત્રામાં ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યા છે. પંજાબના પોલીસ મહાનિદેશક (DGP) દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી શેર કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 કિલો હેરોઈન, એક .30 કેલિબરની પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત, પોલીસને તેમની પાસેથી રૂ. 1 લાખની ડ્રગ મની પણ મળી આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ નેટવર્કના તાર સીધા સરહદ પાર એટલે કે પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરવામાં આવેલા હથિયારોનો ઉપયોગ આ જ ટોળકીના અન્ય સભ્યોને સપ્લાય કરવા માટે કરવામાં આવતો હતો. આ તપાસમાં ડ્રગ્સની તસ્કરી, ખંડણી અને ગેરકાયદે હથિયારોના વેપાર વચ્ચે એક મજબૂત જોડાણ હોવાનું પણ સ્પષ્ટ થયું છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો.

હાલમાં આ મામલે બટાલાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસ હવે આ ટોળકીના 'ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ' એટલે કે આ માલ ક્યાંથી આવતો હતો અને કોને વેચવાનો હતો, તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. DGPના જણાવ્યા અનુસાર, પોલીસનો મુખ્ય હેતુ આખા ગુંડા તત્વના માળખાને જડમૂળથી ખતમ કરવાનો છે જેથી કરીને ભવિષ્યમાં આવા આંતરરાષ્ટ્રીય રેકેટ ફરી માથું ન ઊંચકે.