Tue May 26 2026

Logo

દેખતે રહોગે ભૈયા, સાયકો સૈયાં...

2026-03-27 09:54:00
Author: Naresh Shah
Article Image

 

ફિલ્મનામા -નરેશ શાહ

ફિલ્મ કે વેબસિરીઝના ટાઈટલ ક્યારેક થાપ ખવડાવી દેતાં હોય છે, પણ ક્યારેક નામ પરથી ફિલ્મ કે વેબસિરીઝને મૂલવવામાં આપણે થાપ ખાઈ જઈએ એવું પણ બનતું હોય છે. 

‘એમેઝોન - મેક્સ પ્લેયર’ પર ગયા મહિને જ સ્ટ્રીમ થયેલી ‘સાયકો સૈયાં’ એવી વેબસિરીઝ છે કે નામ પરથી એ જોવા બેસો અને સિરીઝ પૂરી કરો ત્યારે મહેસૂસ થાય કે - ‘સાયકો સૈયાં’ નામને આપણે અંડર એસ્ટિમેટ કર્યું હતું.

ઉજજૈનમાં રહેતા કોલેજિયન યુવક કાર્તિક પાંડેની મુલાકાત અચાનક ઉજજૈન આવેલી ચારૂ સાથે થાય છે. કાર્તિક પ્રથમ નજરે ચારૂના પ્રેમમાં પડી જાય છે. આપણને લાગવા માંડે છે કે વેબસિરીઝનો હીરો કાર્તિક પાંડે જ આપણો ‘સાયકો સૈયાં’ છે અને કાર્તિકનાં પરાક્રમ પણ એવા જ છે. શાંત-શરમાળ લાગતા કાર્તિકનાં મિજાજનો બાટલો ગમે ત્યારે ફાટતો રહે છે.

માતા અંતિમ શ્ર્વાસ ઉજજૈનમાં લઈને મોક્ષ મેળવવા માગે છે એટલે તેને લઈને, ત્રણ બોડીગાર્ડ સાથે આવેલી ચારૂ પણ બે- ચાર દિવસમાં તેના પ્રત્યે ખેંચાણ અનુભવે છે, પણ અચાનક એક દિવસ ચારૂને પરાણે ઉજજૈનથી પાછી લઈ જવામાં આવે છે.

ચારૂની યાદમાં ઉદાસ કાર્તિકને એક દિવસ વીડિયો મેસેજ મળે છે, જેમાં ચારૂ જાણ કર્યાં વગર ચાલ્યા જવા માટે માફી માગીને (પોતાને)ભૂલી જવાનું કહે છે, પણ... વીડિયો કોલ અને ફોન નંબર પરથી ભાળ મેળવીને કાર્તિક ચારૂને મળવા મધ્ય પ્રદેશના કટરી પહોંચી જાય છે. હવે તેને ખબર પડે છે કે ચારૂના તો મહાબલી-રાજકારણી હન્ટ્રી ચૌહાણ સાથે લગ્ન થવાના છે. પ્રથમ પત્ની સાથે છૂટાછેડાનો કેસ કોર્ટમાં લડી રહેલો હન્ટ્રી ચૌહાણ ચારૂ પર ફિદા છે અને કોઈને ભડાકે દેતાં પહેલાં વિચાર કરતો નથી. હા, હન્ટ્રી ચૌહાણ એક જમાનામાં અભિનેતા પણ હતો.

કાર્તિક પાંડે પછી કહાણીમાં પ્રવેશતાં હન્ટ્રી ચૌહાણનું પાત્રાલેખન જોઈને આપણે ધારણામાં સુધારો કરીએ છીએ કે હન્ટ્રી ચૌહાણ આ વેબસિરીઝનો બીજો ‘સાયકો સૈયાં’ છે. અનેક ટીવી સિરિયલો લખનારાં અમિતાભ સિંહની સ્ટોરી અને સ્ક્રીનપ્લેમાં અનેક ખામી છે, પરંતુ એ ખામીઓને નજરઅંદાઝ કરીને કહીએ તો ‘સાયકો સૈયાં’માં મોટાભાગના કેરેકટર ‘સાયકો’ જેવા જ દેખાડયાં છે. સિરીઝના મહિલા કિરદારને પણ આ વાત લાગુ પડે છે અને આ કારણે અનેક નબળાઈઓ છતાં ‘સાયકો સૈયાં’ તમારે પૂરી કરવી પડે તેવી દિલચસ્પ બની છે. હન્ટ્રી ચૌહાણ તરીકે રવિ કિશન આ સિરીઝની મોટી તાકાત છે તો ડિરેકટર અજય ભુયાને (થોડે દૂર, થોડે પાસ, છળકપટ, મત્સ્યકાંડ) લીધેલી એકટર-પેરમાં તેજસ્વી પ્રકાશ તમને હેમામાલિનીની યાદ અપાવતી રહે છે તો અનુપ સિંહ ધાકામાં તમને સુશાંતસિંહ રાજપૂતની ઝલક મળ્યાં કરે છે. અનુપે તો સુશાંતસિંહ રાજપૂતની ‘છિછોરે’ ફિલ્મમાં કામ પણ કર્યું છે, જ્યારે છેલ્લાં એપિસોડમાં સુરભિ ચંદાના સિરીઝના નવા અને આખરી વળાંકમાં ચમકાવે જરૂર છે.

‘સાયકો સૈયાં’ વેબસિરીઝ એ દૃષ્ટિએ ‘ટાઈમપાસ’ છે, પણ તેના નબળા પાસાં પર નજર નાખવા જેવી છે. તેના ડાયલોગ વિનોદ બિકાએ લખ્યાં છે અને તેમાં ભરપૂર બીભત્સતા છે. અમુક સિચ્યુએશનની જેમ અમુક સંવાદો પણ ગળે ઊતરતાં નથી. દાખલા તરીકે, હન્ટ્રી ચૌહાણના જ પેલેસનુમા -બંગલામાં જે રીતે કાર્તિક-ચારૂ મળતાં રહે છે એ ગળે ઊતરતું નથી. પોતાનો છૂપો પ્રેમ કોઈ જોઈ જાણી જશે, તેની તેમને રતિભાર પણ પરવાહ ન હોય એ વિચિત્ર લાગે છે. કાર્તિક ખૂન કરવાનું મુલતવી રાખે છે યા ટાળે છે ત્યારે જ ચારૂ આવીને ગુસ્સો કરે, એ પણ સુસંગત લાગતું નથી. એ જ રીતે બધા આરોપ કાર્તિક પાંડે પર આવી જવાથી તેને જેલ થાય છે એ પછી જેલ તોડવાના તેના પ્રયાસો હાસ્યાસ્પદ લાગે છે. કહાણીના વળવળાંક પૂરતો કાર્તિકનો જેલવાસ દેખાડવો પડ્યો છે એ પણ સમજી શકાય તેવું છે કારણ કે એ દરમિયાન ચારૂ ફરી એકવાર ગુમ થઈ જાય છે. તેની શોધમાં ભટકતાં હીરો સમક્ષ ભેદ ખૂલે છે ત્યારે આપણને હિન્દી ફિલ્મ ‘યે વાદા રહા’નું સ્મરણ થઈ આવે છે... 

એ રીતે વાર્તા, પાત્રો, પાત્રોનો અભિગમ, તેના ઉતારચઢાવ રસપ્રદ હોવા છતાં તેની રજૂઆત  રાઈટર - ડિરેકટર અને ડાયલોગ રાઈટરની કચાશ ‘સાયકો સૈયાં’નો માઈનસ પોઈન્ટ છે. આમ છતાં એ ય ખરું કે સિરીઝ પૂરી થશે ત્યારે સમય બગાડયાનો અફસોસ તમને નહીં થાય, અમારી જેમ...