અમદાવાદઃ અમેરિકામાં પાટીદાર મહિલાને મોતને ઘાટ ઉતારનાર સાયકો કિલરે આપઘાત કર્યો છે. 23 મે, 2026ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી હતી, ત્યારે આ હત્યાકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પહેલા ઘરે સાવકા પિતાની હત્યા કરી પછી મહેસાણાના મેઘનાબેનના સ્ટોર પર જઈ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.
10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા મેઘના પટેલ
મેઘના પટેલ પોતાના પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ ત્યાં પરિવાર સાથે સામાન્ય જીવન જીવતા હતા, ત્યારે અચાનક બનેલી દુઃખદ ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. સાયકો કિલરે ગોળીબાર કર્યો જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ક્યા કારણોસર હત્યા કરવામાં આવી તે હજી નથી સ્પષ્ટ
હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જોકે, ઘટનાના કારણો હજુ રહસ્યમય બન્યા છે.
આ ઘટનાના સમાચાર મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગામલોકો અને સગાસંબંધીઓએ આ ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. ઘણા લોકોનું કહેવું છે કે મેઘના પટેલ ખૂબ જ સરળ અને પરિવારપ્રેમી સ્વભાવ ધરાવતા હતા. અચાનક થયેલી તેમની હત્યાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે.
ગુજરાતીઓ સાથે બનતી ગુનાહિત ઘટનાઓ વધી
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો સાથે બનતી ગુનાહિત ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.