Fri May 01 2026

Logo

રણવીર સિંહની 'ધુરંધર 2' પર ભારે પડી હોલીવુડની આ ફિલ્મ, માત્ર 3 દિવસમાં કરી 1000 કરોડની કમાણી

2026-03-25 15:37:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: હાલમાં સિનેમા જગતમાં રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવિંજ'ની ચારેતરફ ચર્ચા જોવા મળી રહી છે. આ ફિલ્મે રિલીઝના પ્રથમ 6 દિવસમાં જ દેશ-વિદેશમાં શાનદાર કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જોકે, આ સફળતા વચ્ચે હોલીવુડની એક સાયન્સ-ફિક્શન ફિલ્મે 'ધુરંધર 2'ની ગતિ પર બ્રેક લગાવી દીધી છે. માત્ર 2 કલાક અને 36 મિનિટની આ ફિલ્મે વિદેશી માર્કેટમાં એવો જાદુ ચલાવ્યો છે કે માત્ર ત્રણ દિવસમાં જ તેણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

રાયન ગોસલિંગ સ્ટારર ફિલ્મ પ્રોજેક્ટ હેલ મેરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધુરંધર 2ને મોટો ઝટકો આપ્યો છે. એન્ડી વિયરની પ્રખ્યાત નવલકથા પર આધારિત આ ફિલ્મ 20 માર્ચ 2026ના રોજ વિશ્વના 83 દેશોમાં રિલીઝ થઈ હતી. મીડિયા અહેવાલ મુજબ, આ ફિલ્મે તેના ડેબ્યૂ વીકેન્ડમાં $60.4 મિલિયનની વિદેશી કમાણી સાથે કુલ $140.9 મિલિયન (આશરે 1321 કરોડ રૂપિયાથી વધુ)નું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું છે. તેની સરખામણીમાં રણવીર સિંહની ફિલ્મે 6 દિવસમાં વિદેશમાં 231.57 કરોડ અને કુલ 919 કરોડનું કલેક્શન કર્યું છે.

વર્ષ 2026ની ટોપ 10 ફિલ્મોમાં મેળવ્યું સ્થાન
પોતાની જોરદાર કમાણીની રફ્તારને કારણે 'પ્રોજેક્ટ હેલ મેરી' વર્ષ 2026ની આઠમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે 'સેન્ડ હેલ્પ' જેવી ફિલ્મોને પાછળ છોડીને આ મુકામ હાંસલ કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે, તે ટૂંક સમયમાં જ ટોપ 5માં સ્થાન મેળવી લેશે. આ માટે તેણે 'ગોટ' (GOT)ના $174.4 મિલિયનના આંકડાને પાર કરવો પડશે. ભારત માટે સારા સમાચાર એ છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાઘરોમાં 26 માર્ચના રોજ રિલીઝ થવાની છે.

2026ની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોની યાદી
વર્ષ 2026માં અત્યાર સુધી કમાણીના મામલે 'પેગાસસ 3' 599.3 મિલિયન ડોલર સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ 'હોપર્સ', 'વુધરિંગ હાઈટ્સ' અને 'સ્ક્રીમ 7' જેવી ફિલ્મોનો નંબર આવે છે. હાલમાં 'પ્રોજેક્ટ હેલ મેરી' આઠમાં ક્રમે છે, પરંતુ તેના રિવ્યૂઝ અને પબ્લિક રિસ્પોન્સ જોતા તે ઝડપથી ઉપરના ક્રમે પહોંચે તેવી પૂરી શક્યતા છે. ફિલ્મી રસિકો માટે હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતીય બોક્સ ઓફિસ પર જ્યારે આ હોલીવુડ ફિલ્મ અને 'ધુરંધર 2' સામસામે હશે ત્યારે કયો સુપરસ્ટાર મેદાન મારી જાય છે.