હેમા શાસ્ત્રી
‘આ મારી 100મી ફિલ્મ છે અને એ હું તારી (મોહનલાલ) સાથે કરી રહ્યો છું એ સિદ્ધિ તો ખરી જ, પણ એથી મોટી અને અભૂતપૂર્વ સિદ્ધિ એ છે કે કોઈ દિગ્દર્શકે તેની પહેલી અને 100મી ફિલ્મમાં એક જ હીરો સાથે કામ કર્યું હોય એવું ફિલ્મમેકિંગના વિશ્વ ઈતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે.’
યુટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં હિન્દી ઉપરાંત મુખ્યત્વે મલયાલમ તેમ જ તમિળ અને તેલુગુ ભાષામાં પણ ફિલ્મો બનાવનારા લેખક-દિગ્દર્શક-પટકથા લેખક પ્રિયદર્શન (આખું નામ પ્રિયદર્શન સોમન નાયર, જે ‘પ્રિયન સર’ તરીકે પણ જાણીતા છે)ની આ રજૂઆત છે.
હિન્દી કે અન્ય ભાષાની ફિલ્મોમાં કલાકારે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હોય એવા અઢળક ઉદાહરણ મળી આવે. એમાંય હીરો સિવાયના રોલ કરતા અભિનેતાએ 300 - 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હોવાના ઘણા દાખલા છે, પણ ભારતીય સિનેમામાં દિગ્દર્શકની 100 ફિલ્મ? દીવો લઈને શોધવા નીકળવું પડે એવી આ વિલક્ષણ સિદ્ધિ છે.
ફિલ્મ ઈતિહાસમાં ખાંખાંખોળા કરતા જાણવા મળે છે કે 1927થી 1977 દરમિયાન મરાઠી અને હિન્દી ફિલ્મો દિગ્દર્શિત કરનારા પ્રસિદ્ધ ફિલ્મમેકર વી. શાંતારામના નામે 50 - 55 ફિલ્મ બોલે છે. જોકે તે, દિગ્દર્શક તરીકે સક્રિય થયા એના પહેલા બે દાયકામાં આજની સરખામણીએ જૂજ ફિલ્મો બનતી હતી. ‘મુસાફિર’થી ‘જૂઠ બોલે કૌઆ કાટે’ સુધી હૃષીકેશ મુખરજીએ પણ પચાસેક ફિલ્મ બનાવી હોવાની નોંધ છે. બીજા પણ કેટલાંક નામ છે પણ સત્તાવાર આંકડો 60ને નથી ઓળંગતો.
ભાષાના લેબલ વિનાની મૂંગી ફિલ્મોના દોરમાં હોમી માસ્તરે 1924થી 1949 દરમિયાન ‘કન્યા વિક્રય’થી ‘શેઠનો સાળો’ સુધી 75 ફિલ્મો ડિરેક્ટ કરી હોવાનો આધારભૂત અહેવાલ છે. એની સરખામણીએ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંખ્યાબળ ઘણું ઊંચું જોવા મળે છે. ‘સ્વર્ગ નરક’ (1978), ‘જ્યોતિ બને જ્વાલા’ (1980) તેમજ ‘આજ કા એમએલએ રામ અવતાર’ (1984) સહિત પંદરેક હિન્દી ફિલ્મો દિગ્દર્શિત કરનારા સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતા, દિગ્દર્શક, લેખક અને પ્રસંગોપાત અભિનય કરનારા દાસરી નારાયણ રાવએ 125થી વધુ ફિલ્મ ચાર ભાષામાં (મુખ્યત્વે તેલુગુ તેમજ હિન્દી, કન્નડ, તમિળ અને મલયાલમ) ફિલ્મ ડિરેક્ટ કરી હોવાની સત્તાવાર નોંધ છે.
આ સિવાય કે. બાલાચંદર (એક દુજે કે લિયે - કમલ હાસન, રતિ અગ્નિહોત્રી) તેમ જ કે. રાઘવેન્દ્ર રાવ (તોહફા-જીતેન્દ્ર, શ્રીદેવી, જયા પ્રદા)ના નામે પણ 100થી વધુ ફિલ્મ દિગ્દર્શક તરીકે બોલે છે. આ પરિસ્થતિમાં પ્રિયદર્શનની સિદ્ધિ નોંધપાત્ર જરૂર કહેવી જોઈએ. ખાસ તો એટલા માટે કે તેમણે કેવળ સાઉથની ભાષામાં ફિલ્મો અને નામના નથી મેળવ્યા. હિન્દીમાં પણ તેમણે નોંધપાત્ર ફિલ્મો બનાવી છે.
પ્રાણલાલ મહેતા નિર્મિત ‘મુસ્કુરાહટ’થી શરૂઆત કરનારા ફિલ્મમેકરે 2000થી 2010ના એક દસકામાં ‘હેરાફેરી’થી ‘આક્રોશ’ સુધી 15 ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. એમાં ‘હેરાફેરી’ તો કલ્ટ ફિલ્મ બની ગઈ અને અક્ષય કુમાર કોમિક રોલમાં પણ ઝળકી ઊઠે એ સાબિત થયું. આ સિવાય ‘હલચલ’, ‘માલામાલ વીકલી’, ‘ભાગમભાગ’ જેવી નિર્ભેળ મનોરંજક ફિલ્મો બનાવી અને ‘ભૂલભૂલૈયા’ (2007) જેવી હોરર કોમેડી ફિલ્મ બનાવી જે છેલ્લા 20 વર્ષમાં આવેલી આ પ્રકારની ફિલ્મો માટે ટ્રેન્ડસેટર સાબિત થઈ. ટૂંકમાં પ્રિયદર્શને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ-દામ ઉપરાંત નામ પણ મેળવ્યા છે.
ગયા દાયકામાં હિન્દી ફિલ્મોની ગતિમાં ધીમા પડી ગયેલા પ્રિયન સરની બે હિન્દી ફિલ્મ ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ આ વર્ષે રિલીઝ થશે અને 100મી ફિલ્મ ડિરેક્ટ કરનારા દિગ્દર્શક 28 હિન્દી ફિલ્મ પૂરી કરશે.
સિનેમા ઉદ્યોગમાં પ્રિયદર્શનનો પ્રવેશ 1982માં મલયાલમ ચિત્રપટના પટકથા લેખક તરીકે થયો હતો. જેમાં પણ મોહનલાલની અભિનેતા તરીકે હાજરી હતી. બે વર્ષમાં જ તેમને સ્વતંત્ર રીતે ફિલ્મ દિગ્દર્શનની તક મળી. 1984માં રિલીઝ થયેલી મલયાલમ કોમેડી ફિલ્મ Poochakkoru Mookkuthi દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી, જેના હીરો મોહનલાલ હતા. તાજેતરમાં ઘોષિત થયેલી ફિલ્મ સુધીની સેન્ચુરી યાત્રામાં ડિરેક્ટર-એક્ટરની જોડી ત્રીસેક ફિલ્મોમાં સાથે નજરે પડી છે.
રસપ્રદ વાત એ છે કે એમાંની કેટલીક ફિલ્મો પ્રિયદર્શને હિન્દીમાં રિમેક બનાવી રજૂ કરી છે. પ્રિયદર્શન ‘કિંગ ઓફ રિમેકસ’ તરીકે ખ્યાતિ ધરાવે છે. તેમની મોટાભાગની કોમેડી ફિલ્મો અંગ્રેજી નાટકો અથવા હિન્દી ફિલ્મોનું સંસ્કરણ છે. તેમની પ્રથમ ફિલ્મ ચાર્લ્સ ડિક્ધસ લિખિત નાટક ‘ધ સ્ટ્રેન્જ જેન્ટલમેન’ પર આધારિત હતી અને તેમની બીજી ફિલ્મ Odaruthammava Alariyam સઈ પરાંજપેની મજેદાર ફિલ્મ ‘ચશ્મે બદ્દદુર’ને ધ્યાનમાં રાખી તૈયાર થઈ હતી.
નોંધપાત્ર વાત એ છે કે 2006ની મસ્ત મજાની ‘માલામાલ વીકલી’ની મલયાલમ રિમેક પ્રિયદર્શને જ બનાવી હતી. આ સિવાય આ હિન્દી ફિલ્મની રિમેક તેલુગુ અને કન્નડ ભાષામાં બની ચૂકી છે. પ્રિયદર્શન કોમેડી ફિલ્મો સુધી સીમિત નથી રહ્યા. તેમણે સામાજિક - રાજકીય તેમજ ગુનાખોરી દુનિયા સંબંધિત ફિલ્મો પણ બનાવી છે.એકંદરે નોંધપાત્ર અને ગુણવત્તાભરી ફિલ્મો બનાવનારા પ્રિયદર્શનની આ વિશિષ્ટ સિદ્ધિને પોંખવી જોઈએ.
ફોરેન ડિરેક્ટર્સની સેન્ચુરી
દિગ્દર્શકને ફિલ્મનો કેપ્ટન માનવામાં આવે છે. ટીમ સાથે વૈવિધ્યપૂર્ણ અને સંખ્યાબંધ ફિલ્મો ડિરેક્ટ કરવી ખાવાના ખેલ નથી. હોલિવૂડ-વિદેશી ફિલ્મોમાં હન્ડ્રેડ-100થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરનારાઓની યાદી લાંબી નથી. આધારભૂત જાણકારી અનુસાર 100થી વધારે ફિલ્મ ડિરેક્ટ કરી હોય એવા સાત ઉદાહરણ છે. મૂંગી ફિલ્મોના દોરથી બોલપટના યુગમાં કેટલીક કલાસિક ફિલ્મો (ધ થીફ ઓફ બગદાદ) આપનારા Raoul Walshએ 104 ફિલ્મ ડિરેક્ટ કરી છે.
આ સિવાય Leo McCarey (ઓસ્કર વિજેતા ‘ગોઈંગ માય વે’ સહિત 108 ફિલ્મ), સમુરાઇ ફિલ્મો માટે જાણીતા જેપનીઝ ડિરેક્ટરTakashi Miike(112 ફિલ્મ), Michael Curtiz (ઓસ્કર વિનર ‘કેસાબ્લાન્કા’ સહિત 129 ફિલ્મ), Jean-Luc Godard ( ફ્રેન્ચ ન્યુ વેવ સિનેમાના અગ્રણી-133 ફિલ્મ), John Ford ( જોન વેઈન અને હેન્રી ફોન્ડા સાથે સભ્યતા અને કાયદાના અભાવના સંઘર્ષનું પ્રતિબિંબ ગણાતી વેસ્ટર્ન ફિલ્મ્સ સહિત 139 ફિલ્મો),Louis Feuillade (સાઈલન્ટ ફિલ્મોના દોરમાં વિવિધ લંબાઈની 226 ફિલ્મો)નો સમાવેશ થાય છે.