Fri May 08 2026

Logo

પ્રભાસની ફિલ્મ 'ફૌજી'ના સેટ પર માતમ: ભયાનક માર્ગ અકસ્માતમાં ક્રૂ મેમ્બરનું મૃત્યુ, શૂટિંગ અધવચ્ચે રોકવું પડ્યું...

2026-05-07 10:27:00
Author: Darshana Visaria
Article Image

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ છેલ્લાં કેટલાય સમયથી પોતાની આગામી ફિલ્મ ફૌજીને લઈને ચર્ચામાં છે. હાલમાં પ્રભાસ હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટ કરી રહ્યો છે અને હવે એક મોટી દુર્ઘટનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. હૈદરાબાદ પાસે થયેલાં એક રોડ એક્સિડન્ટમાં ફિલ્મની યુનિટના એક સભ્યનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ જણને ઈજા થઈ છે. ચાલો જાણીએ આખા સમાચાર વિસ્તારથી... 

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ અકસ્માત એ સમયે થયો તકે જ્યારે ફિલ્મની શૂટિંગ માટે ટીમ રામોજી ફિલ્મ સિટી જઈ રહી હતી. વેહિકલ અબ્દુલ્લાપુરમેટ પાસે અનિયંત્રિત થઈને રોડ પર આવેલા ડિવાઈડર સાથે અથડાઈ ગયું હતું. આ ઘટના ચાઉટુપ્પલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ટૂપ્રાનપેટ બ્રિજ પાસે થઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું હતું જ્યારે અન્ય પાંચ જણને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ ઘટના બાદ ફિલ્મ ફૌજીની શૂટિંગ હાલમાં રોકી દેવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મનું 80 ટકા શૂટિંગ પૂરું થઈ ગયું છે અને થોડાક એક્શન સિક્વન્સ જ બાકી છે. હાલમાં મેકર્સ દ્વારા આ પ્રકારના એક્સિડન્ટ્સને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. 

વાત કરીએ ફિલ્મ ફૌજી વિશે તો આ એક પીરિયડ ડ્રામા છે અને આ ફિલ્મ હનુ રાઘવપુડીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 1940ના દાયકા અને સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની આઝાદ હિન્દ ફૌજની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, જયા પ્રદા, ઈમાનવી અને અનુપમ ખેર જેવા અનેક કલાકારો પણ જોવા મળશે.