Thu Aug 20 2026

Logo

સુખનો પાસવર્ડ: સકારાત્મક વિચારો સાથે ઊંઘવા માટે આટલું કરજો...

2026-08-02 09:35:00
Author: Aashu Patel
Article Image

 

 

 

- આશુ પટેલ

 

અગાઉ આ કોલમમાં નકારાત્મકતાથી દૂર રહેવા માટે અને સકારાત્મકતા સાથે દિવસની શરૂઆત કરવા માટે શું કરવું જોઈએ એ વિશે વાત કરી હતી. આ વખતે રાતે ઊંઘતા પહેલાં શું કરીએ તો સકારાત્મક વિચારો સાથે ઊંઘી શકીએ એની વાત કરીએ.

 

નકારાત્મક વિચારોને પડતા મૂકીને સકારાત્મક વિચારો સાથે શાંતિપૂર્ણ ઊંઘ લેવા માટે સૌ પ્રથમ તો રાતે સૂતા પહેલાં મનને ખાલી કરો. જેમ આખો દિવસ કામ કર્યા પછી આપણે શરીરને આરામ આપીએ છીએ તેમ આપણાં મનને પણ આરામની જરૂર હોય છે.    

 

જોકે મોટેભાગે થાય છે એવું કે આપણું શરીર પથારીમાં હોય છે અને મન આખા દિવસની ઘટનાઓમાં ભટકતું રહે છે.

 

કોઈએ શું કહ્યું?

 

મેં શું જવાબ આપ્યો?

 

મારી સાથે આવું કેમ થયું?

 

કાલે શું થશે?

 

આવા વિચારો મનને ઊંઘવા દેતા નથી.

 

સૂતા પહેલાં પોતાને એક પ્રશ્ન પૂછો:

 

‘શું મારી આવતીકાલ પણ આજ જેટલી જ મહત્ત્વની રહેશે?’

 

જો જવાબ ‘ના’ હોય તો આવતી કાલના વિચારોને આજે જ મનમાંથી ફંગોળી દો (આ કદાચ એક જ રાતમાં શક્ય નહીં બને, પણ થોડા દિવસ જાગૃત મન સાથે કોશિશ કરશો તો ચોકકસ સફળતા મળશે).   

 

સકારાત્મક વિચારો સાથે ઊંઘવા માટે આ પણ અમલમાં મૂકો: સૂતા પહેલાં દિવસમાં બનેલી ત્રણ સારી ઘટના કે વાત યાદ કરો , જેમ કે કોઈ મિત્ર સાથે થયેલી સારી વાતચીત, કોઈએ તમારી સામે જોઈને કરેલું સ્મિત. કોઈ કામમાં મળેલી સફળતા. ભલે ને પછી એ સફળતા એકદમ નાની કેમ ન હોય. દિવસ દરમિયાન કોઈએ તમને મદદ કરી હોય તો એ પણ યાદ કરો. એ મદદ એકદમ નાની હોય તો પણ યાદ કરો. ભલે ને કોઈએ તમારા હાથમાંથી પડેલી નાનકડી વસ્તુ ઊંચકીને તમારા હાથમાં પાછી મૂકી આપી હોય.

 

એક ઉદાહરણ આપું : થોડા દિવસો અગાઉ એરપોર્ટ પર એક ટીનેજર છોકરીના હાથમાંથી બોર્ડિંગ પાસ પડી ગયો હતો. તેના ખભે વજનદાર બેગ હતી એટલે તેને ઝૂકીને બોર્ડિંગ પાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મેં એ જોયું એટલે બોર્ડિંગ પાસ ઊંચકીને તેના હાથમાં આપ્યો. તે છોકરીએ મીઠું સ્મિત કરીને ‘થેન્ક યુ’ કહ્યું. તે છોકરીએ મારી પાસેથી અપેક્ષા નહોતી રાખી કે હું બોર્ડિંગ પાસ નીચેથી ઊંચકીને તેના હાથમાં આપીશ અને મેં પણ તેની પાસેથી સ્મિત અને ‘થેન્ક યુ’ શબ્દોની અપેક્ષા નહોતી રાખી, પણ તેનો એ વર્તાવ મને ગમ્યો.

 

માની લો કે આખા દિવસમાં આવું કશું પણ ન બન્યું અને તમારો દિવસ ખરાબ રીતે વીત્યો તો એ રીતે વિચારો કે આજે તમે એક મુશ્કેલીભર્યો દિવસ પસાર કરીને ય ટકી રહ્યા.

 

મોટા ભાગના માણસોનાં મન એવાં હોય છે એ દસ કે સો સારી વાતો ભૂલીને એક ખરાબ વાત યાદ રાખે છે  એટલે ઊંઘતાં પહેલાં મનને ખાસ યાદ અપાવો કે વીતેલા દિવસમાં કંઈ બધું જ ખરાબ નહોતું. 

 

આ વાત પણ અમલમાં મૂકવાની કોશિશ કરજો. તમારી સાથે ખરાબ રીતે વર્તનારા કે તમને અન્યાય કરનારા કે તમારું અહિત કરનારા કે તમારા વિશે ખરાબ બોલનારા માણસોને માફ કરીને સૂવાની ટેવ પાડો. રાત્રે મનમાં કોઈના પ્રત્યે ધૂંધવાતા ગુસ્સો લઈને ઊંઘવાથી સૌથી વધુ નુકસાન આપણને જ થાય છે. માફ કરવાનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિએ જે કર્યું એ યોગ્ય જ હતું.

 

માફ કરવાનો અર્થ છે કે હું આ વ્યક્તિ કે ઘટનાને મારી ઊંઘ બગાડવાની કે મારા મનની શાંતિ ડહોળવાની સત્તા નહીં આપું. આવું મનોમન બોલાયેલું વાક્ય પણ મનને હળવું કરી શકે છે.

 

 બીજાઓની સાથે પોતાની જાતને પણ માફ કરતાં શીખો. રાતે સૂતા પહેલાં કોઈ વાતે પોતાને દોષ ન આપો. ઘણા માણસો રાતે ઊંઘવા જતી વખતે પોતાની ભૂલોનું વિશ્ર્લેષણ કરતાં-કરતાં પોતાને જ દોષ આપતા રહે છે. પોતાની જાતને કોસતાં કહે છે: ‘મારે આવું નહોતું કરવું જોઈતું હતું’ કે પછી ‘હું નિષ્ફળ ગયો’ અથવા તો ‘મારાથી કશું સારું થતું નથી.’ આવી વાતો મનને વધુ નબળું બનાવે છે. એટલે પોતાની જાત પ્રત્યે ક્રૂરતા દાખવવાને બદલે પોતાની જાતને આવું કહો:

 

‘આજે મારાથી જે સારું થઈ શક્યું એ મેં કર્યું. આમ છતાં જ્યાં ભૂલ થઈ છે એમાંથી હું શીખીશ.’ ભૂલ કરવી અને ભૂલ બની જવું એ બંને અલગ વાત છે. 

 

સવારે ઊઠીને તરત જ મોબાઇલ હાથમાં નથી લેવાનો એ જ રીતે રાતે ઊંઘવા જવાના હો એ સમય અગાઉ દોઢ-બે કલાક પહેલાં મોબાઇલ ફોન બંધ કરીને એકબાજુ મૂકી દો. તમે ઇમરજન્સી સર્વિસિસ સાથે સંકળાયેલા હો તો જુદી વાત છે બાકી મોબાઇલને બેડની બાજુમાં પણ રાખવાની જરૂર નથી. 

 

સૂતા પહેલાં સતત સોશ્યલ મીડિયા પ્લેટ્ફોર્મ્સ જોવાથી મનમાં બીજાના જીવન સાથે પોતાની સરખામણી શરૂ થઈ જાય છે. કોઈ પ્રવાસ પર હોય, કોઈ સફળ થઈ રહ્યું હોય, કોઈ ખુશ દેખાતું હોય, કોઈ નવી વસ્તુ ખરીદી રહ્યું હોય એ બધું આપણા મનમાં આડકતરી રીતે ઈર્ષા જન્માવે છે. આપણે ભૂલી જઈએ છીએ કે સોશ્યલ મીડિયા પર લોકો પોતાના જીવનનું સંપૂર્ણ સત્ય નહીં, પરંતુ પસંદ કરેલો ભાગ બતાવે છે માટે સૂતા પહેલાં થોડો સમય મોબાઇલથી દૂર રહેશો એટલે સોશ્યલ મીડિયાથી પણ દૂર રહી શકશો.

 

ઊંઘવા જતી વખતે તમારા મનને કહો કે ‘હવે દુનિયાને નહીં, પણ હવે મારી જાતને સમય આપવાનો છે.’

 

આવતી કાલની ચિંતા સતાવતી હોય તો એને ઊંઘના સમય પૂરતા ભૂલવાની કોશિશ કરો. કારણ કે વિચારો કરીને તમારી જાતને તકલીફ આપવા સિવાય કશું કરી શકવાના નથી એટલે આવતી કાલની ચિંતા આવતી કાલ પર છોડી દો.

 

નકારાત્મક વિચારો જીવનનો ભાગ છે. એને સંપૂર્ણપણે દૂર કરવું હંમેશાં શક્ય નથી, પરંતુ એને આપણા મન પર કબજો જમાવવા દેવો કે નહીં એ અમુક હદ સુધી આપણા હાથમાં છે.

 

ટૂંકમાં સવારના પહેલા વિચારની જેમ જ રાતના છેલ્લા વિચારને પણ જાગૃત રહીને જોવાની કોશિશ કરજો, કારણ કે ઘણી વાર આખા દિવસનું વાતાવરણ આ બે વિચાર વચ્ચે જ જન્મે છે.