Tue Apr 21 2026

Logo

ચૂંટણી સુધી જય હો... ચૂંટણી પછી ભય હો

2026-04-21 08:35:00
Author: Subhash Thaker
Article Image

 


મોજની ખોજ -સુભાષ ઠાકર

‘અરે યમરાજ એય ય..મ..રા..જ’ ઇન્દ્રએ બૂમ પાડી.

‘આપણી ઇન્દ્રપુરીમાં આ ઘંટનો અવાજ શાનો આવે છે?’

‘પ્રભુ, હમણાં આપણે ઇન્દ્રપુરીમાં ‘પાપનાદ ઘંટ’ નામનો નવો ઘંટ વસાવ્યો છે. એની ખૂબી એ છે કે પૃથ્વી પર એકવાર છેતરપિંડી, જૂઠ, બળાત્કાર, કપટ જેવાં પાપ થાય તો ‘ટન’ કરતો એક ટકોરો પડે, બીજીવાર થાય તો બીજો ટકોરો.. ટૂંકમાં જેટલાં પાપ એટલા ટકોરા એટલે ચોપડો ક્લીયર રાખવામાં મુશ્કેલી ન પડે. પાપની ગણતરી પ્રમાણેની સજા.’

‘આ તો જબરો ઘંટ. પણ ગઈકાલ રાતથી આ ઘંટ ટનટનટન... ટન વાગ્યા જ કરે છે બંધ જ નથી થતો. કારણ?’

‘હા પ્રભુ, પૃથ્વી પર ભારતમાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણી આવે છે ને? ખોટાં વચનોની લહાણી, છેતરપિંડી, સત્તાની ખુરશી માટે લાળ પાડતા પક્ષો, નેતાઓ એટલે ચૂંટણી સુધી વાગ્યા કરશે.’

‘સમજી ગયો, યમુ (યમરાજ) કોણ લાયક લાગે છે?’ ઇન્દ્રએ પૂછ્યું.

‘લાયકની ક્યાં માંડો છો, પ્રભુ, મને તો બધા ઉંમરલાયક લાગે છે’ યમરાજ બોલ્યા.

‘એકઝેટલી વત્સ, હું એ જ કહું છું કે બધા ઉંમરલાયક લાગતા હોય તો કોઈ નેતાનો આત્મા-બાત્મા લઇ આવો તો ભારતની પ્રજા થોડો નિરાંતનો શ્વાસ લે... આમેય તમારે માર્ચ એન્ડિંગનો ‘જીવનષ્ટ’નો ક્વોટા પૂરો કરવાનો બાકી છે.

ક્યારે કેટલાક નિર્દોષોના જીવ લઇ આવો છો એના કરતા આ લાપોડશંખોમાંથી કોઈ..’

‘યસ સર, આપની આજ્ઞા માથા પર, હમણાં જ નીકળું.’

એટલું બોલી યમરાજે ગેરેજમાંથી પાડો કાઢી પૃથ્વી પર આવી અમદાવાદના કાલુપુરમાં સાઈડમાં પાડાને એકબાજુ પાર્ક કરી નેનો કારમાં બેસી ‘પહેચાન કોન’ની જેમ રામદેવબાબાનો મુખવટો પહેરી ‘પ્રધાન યોગ શિબિર’ યોજી.‘જુઓ નેતાભાઈઓ, આપ સૌને ગુલાંટ મારતા તો આવડે છે. તમે કયા પક્ષમાં છો એ પણ યાદ દેવડાવું પડે છે. બધા પક્ષ એકબીજાના ટાંટિયા ખેંચવામાં પણ માસ્ટર છો. આમ તો હું તમને પ્રાણાયમની સમજ આપું. પણ એમાં મુશ્કેલી એ છે કે નાક દ્વારા શ્વાસ લેવો- મૂકવો પડે. પણ આપ સૌમાં નાક જેવું કઈ રહ્યું નથી ને નાક એટલે આબરૂ એ પણ સમજાવવું પડે. પણ આમ કરશો તો જગત છોડશો ત્યારે નરકમાં પણ જગા નઈ મળે.’

‘એ બાબા, અમારે નરકમાં જગા જોઈતી પણ નથી. નરકમાં જવું હોય તો રાજકારણ શું ખોટું છે.? આ ચૂંટણીની સિઝનમાં અમારી પાસે મરવાનો પણ સમય નથી. યમરાજ પણ અમને લઇ જતા ડરે, સમજ્યા?’

યમરાજને વીજળીનો કરંટ લાગ્યો. જીવ લેવા આવેલા યમરાજને જ પોતાનો જીવ જવાની બીક લાગી. બાબા રામદેવની ઈજ્જત જાળવવા થોડું ઘણું શરીર તપાસી એ તો ભાગ્યા પાછા ઇન્દ્રપુરી તરફ..

‘વત્સ યમરાજ, કેટલા આત્મા લાવ્યા?’ ઇન્દ્રએ હિસાબ માગ્યો.

‘ક્ષમા કરો, પ્રભુ ...મિચ્છામી દુકડમ’ યમરાજ રડું રડું થતાં બોલ્યા ‘કેટલાય નેતાઓનું શરીર ફેંદી વળ્યો પણ એકેયમાં આત્મા ન દેખાયો.’

‘અરે, ત્યાં જ તમે માર ખાઈ ગયા, આત્મા જેવી પવિત્ર ચીજ આ લોકોના શરીરમાં હોય ખરી? ફરીથી જાઓ અને પેલી સત્તાની ખુરશી નીચે તપાસો.’

યમરાજે ફરી નીચે આવી સત્તાની ખુરશી નીચે તપાસ કરી છતાં આત્મા ન મળ્યો. ઇન્દ્ર ફરી ઠપકો આપશે એ બીકમાં પ્રધાનોના પાળેલા પટાવાળાને 500ની નોટ પકડાવી પૂછ્યું : ‘અલ્યા ચપરાશી, આ નેતાઓના શરીરમાં કે ખુરશી નીચે પણ આત્મા દેખાતો નથી. તારી નજર ચોવીસ કલાક આ નેતાઓ ઉપર હોય છે યુ નો, કે એનો આત્મા ક્યાં રહે છે?’ 

‘જુઓ સાહેબ, કદાચ ટેબલ નીચે હોય તો...’

‘ટેબલ નીચે શું કામ?’

‘શું કામ એટલે? આખી જિંદગીની બે નંબરની કમાણી ટેબલ નીચેથી જ ઘરભેગી કરી છે.’

‘તું તો યાર બુદ્ધિશાળી નીકળ્યો. ગુડ.’

‘એ શું બોલ્યા સાહેબ, બુદ્ધિશાળી તો હોઉં જ ને... હું થોડો નેતા છું?’

યમરાજે ટેબલ નીચે તપાસ કરી તો આશ્ર્ચર્ય. આત્માને બદલે પ્રેતાત્મા દેખાયા. એક બીજા સામે ઘૂરકિયા કરતા પ્રધાનોના અવાજમાં ‘ભાઉ ભાઉ..કા-કા,હાંચી હાંચી...’ કરતા એકબીજા ઉપર થૂંક ઉડાડતા હતા.

યમરાજને નવાઈ તો એ લાગી કે જે રાજકારણીઓ પર આખો દેશ થું થું કરે છે એ લોકો અંદર અંદર થૂંક ઉડાડે ત્યારે..

યમરાજ તો હોલની બહાર નીકળી ગયા, પણ પાર્કિંગમાંથી પાડો ટો થઇ ગયો કે કોઈ દેખાવડી ભેંસ સાથે ભાગી ગયો એ ખબર ન પડી પણ ત્યાં પાડો ન્હોતો. યમરાજ તો દોડતા દોડતા હાંફતા હાંફતા ઇન્દ્ર પાસે આવી ગયા.

‘શું થયું, વત્સ? કેમ આમ ગભરાયેલા લાગો છો? ધમણની જેમ હાંફો છો.’

‘ગજબ વાતાવરણ છે, પ્રભુ, બધાના આત્મા પ્રેતાત્મા બની બેઠા છે. એમનો જીવ લઇ આવું તો એ તમારી ખુરશી પણ પચાવી પાડે ને આપને તો ભગવાનોની દુનિયામાં કોઈ પણ ભગવાન સાચવી લે પણ મારી નોકરીનું શું? પછી જીવ લાવવા મને કોણ રાખે? પ્રભુ, ભોળી જનતાને તો ખબર જ નથી કે સફેદ વસ્ત્રોમાં કાળો નાગ છુપાયેલો છે. ચૂંટણીના બે ચરણમાં ચૂંટણી પહેલા એ જનતાના ચરણમાં ને ચૂંટણી પછી જનતા એમનાં ચરણોમાં...ટૂંકમાં ચૂંટણી પહેલા ‘જય’ હો ને ચૂંટણી પછી ‘ભય’ હો ! . ટેલ મી, પ્રભુ... સાલુ ક્યાં સુધી આ ચહેરાઓથી દેશ છેતરાતો રહેશે?’ 

આનો જવાબ તો ઇન્દ્ર પાસે ન્હોતો પણ આપમાંથી કોઈની પાસે હોય તો મને જણાવો. હું મોબાઈલ લઈને જ બેઠો છું. શું કહો છો?