નવી દિલ્હી / મુંબઈઃ મુંબઈના ભાઈંદર વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગર અલી વોરાનો લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ આખરે ઉકેલાવાની દિશામાં આગળ વધ્યો છે. અસગર અલી વોરા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડનગર સ્થિત બીએન હાઈસ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. તાજેતરમાં 8 સપ્ટેમ્બરના રોજ તેમણે મુંબઈ ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને ભાઈંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી પોતાની 2,810 ચોરસ મીટર જમીન પચાવી પાડવા અંગે રજૂઆત કરી હતી અને આ મામલે કડક પગલાં ભરવા વિનંતી કરી હતી. આ મુલાકાત બાદ જમીન વિવાદનો ઉકેલ આવશે તેવું લાગી રહ્યું છે.
જમીન વિવાદમાં ભાજપ નેતાનું નામ સામેલ હતું
અસગર અલી વોરાના જણાવ્યા અનુસાર, તેમણે વર્ષ 1989માં કાયદેસરના નોંધાયેલા કરાર દ્વારા આ જમીન ખરીદી હતી. પરંતુ વર્ષ 2011 દરમિયાન દસ્તાવેજોમાં ગડબડ કરીને બે કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા આ જમીન પર ગેરકાયદેસર રીતે અતિ ક્રમણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ કૌભાંડમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી એક નિર્માણ કંપનીનું નામ પણ સામે આવ્યું હતું, જેના કારણે તેમણે વડાપ્રધાન સમક્ષ આ સમગ્ર કેસની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ મૂકી હતી.
મુલાકાતના એક અઠવાડિયામાં આવ્યો મોટો વળાંક
વડાપ્રધાન સાથેની મુલાકાતના આશરે એક અઠવાડિયાની અંદર જ આ વિવાદિત મામલામાં મોટો વળાંક આવ્યો છે. ભાજપના નેતા નરેન્દ્ર મહેતાએ વિવાદિત પ્લોટ પરથી પોતાનો દાવો અને કબજો છોડવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે તેમણે આ જમીન પર મેળવેલી તમામ બાંધકામ મંજૂરીઓ પણ પરત સોંપવાની તૈયારી દર્શાવી છે. અગાઉ એકબીજા સામે કરવામાં આવેલી પોલીસ ફરિયાદો પાછી ખેંચીને હવે બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી પૂર્ણપણે સમાધાન થઈ ગયું છે.