Mon Oct 05 2026

Logo

નવસારીમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અદ્યતન નમો કમલમનું ઉદ્ઘાટન

2026-09-08 19:05:25
Author: Pooja Shah
નવસારીમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અદ્યતન નમો કમલમનું ઉદ્ઘાટન

પાન, માસાલા, માવા છોડવાની કરી ટકોર

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા ભાજપાના નવનિર્મિત કાર્યાલય નમો કમલમ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યકરોને સંબોધતા વડા પ્રધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ઠા અને સેવાભાવનાને ભારોભાર બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે  આ કાર્યક્રમ માત્ર એક ઇમારતના ઉદ્ઘાટનનો નથી, પરંતુ દિવસ-રાત જોયા વગર અથાક પરિશ્રમ કરી જનતાની સેવા માટે ભેખ લેનારા કાર્યકર્તાઓના સન્માનનો અવસર છે.

પ્રચંડ બહુમતી મળવા છતાં અને આખા દેશમાં સૌથી વધુ મતોથી વિજય મેળવવાનો રેકોર્ડ બનાવવા છતાં, ભાજપનો એક પણ નાનકડો કાર્યકર્તા સત્તાના નશામાં ચકચૂર થયો નથી. ભાજપમાં કાર્યકર્તાઓ માટે 'આરામ હરામ હૈ' એ માત્ર નારો નથી, પરંતુ કાર્યકર્તાઓ તેમનાથી બનતા તમામ પ્રયત્નો થકી જનતાની સેવામાં અવિરત કાર્યરત રહે છે. ભાજપા માટે સત્તા, સંગઠન, પદ, પ્રતિષ્ઠા અને વ્યવસ્થા એ જનસેવાનું માધ્યમ છે. કાર્યકર્તાઓની રાત-દિવસની તપસ્યાના કારણે દેશવાસીઓના અપરંપાર આશીર્વાદ ભાજપાને પ્રાપ્ત થતા રહે છે.

સેવાના કાર્યો ક્યારેય એળે જતા નથી તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વડા પ્રધાને તેમના ગુજરાતના મુખ્યપ્રધાન કાળના સ્મરણો વાગોળ્યા હતા. તેમણે કન્યા કેળવણી અભિયાનને યાદ કરતા કહ્યું કે, શરૂઆતના વર્ષોમાં ૪૩ ડિગ્રી કાળઝાળ ગરમીમાં તેઓ ગામડે ગામડે જઈને દીકરીઓની આંગળી પકડીને તેમને શાળાએ લઈ જતા હતા. આજે એ જ જંગલ કે આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓ મોટી થઈને શિક્ષિત અને પગભર થઈને જ્યારે મળે છે, ત્યારે જીવનનો સૌથી મોટો સંતોષ પ્રાપ્ત થાય છે. સમાજ હંમેશા સેવાના ઋણને આશીર્વાદ રૂપે ચૂકવે છે અને તેમાંથી રોજ નવા સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે છે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કાર્યાલય માત્ર ઇમારત નહિ પરંતુ દુઃખિયારાઓનો આશ્રય અને અન્યાય સામે આશાનું કિરણ બનશે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને રમૂજ કરતા કરતા પાન-મસાલા, ગુટકા ખાવાની કુટેવને છોડવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, અહીં સૌરાષ્ટ્રના ઘણા ભાઈઓ રહે છે, તેમણે નવસારીને માવાની ટેવ આપી છે કે નહીં તે મને ખબર નથી, પરંતુ કેટલાક લોકો 'ભારત માતા કી જય' બોલે છે અને તરત જ પિચકારી મારે છે. પીએમ મોદીએ કેન્સરના નિષ્ણાત તબીબોની ચિંતાનો ઉલ્લેખ કરતા લોકોને માવા અને તમાકુથી મુક્ત થવા હાકલ કરી હતી.