ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
આરામ અને વિરામ એ બે શબ્દો ગુજરાતીઓમાં અને ખાસ કરીને રાજકોટવાસીઓમાં અત્યંત પ્રિય શબ્દો છે. બંનેના અર્થમાં નજીવો ફરક છે. માણસ થાકી જાય ત્યારે શરીરને વિશ્રાંતિ આપવા આરામ કરતો હોય છે. શરીરને રાહત થાય, પૂર્વવત સ્ફૂર્તિ આવી જાય એટલે આરામ થઈ ગયો એમ કહેવામાં આવે છે. ટૂંકમાં પ્રવૃત્તિ કરવા શરીર સજ્જ થઈ ગયું છે. આરામ પછી આગળ વધવાની કોઈ ખાતરી નથી હોતી. વિરામ એટલે થોભી જવું કે અટકવું એ અર્થ અભિપ્રેત છે. કોઈ વિરામમાં આરામ છે પણ આરામ થઈ ગયા પછી આગળ વધવાની વાત છે. એ જ રીતે ભાષામાં વિરામચિહ્નોનું વિશેષ મહત્ત્વ છે. વિરામચિહ્નોથી લખાણ વાંચવામાં અને તેનું તાત્પર્ય સમજવામાં ઘણી સરળતા પડે છે. અલબત્ત, જો વિરામચિહ્ન ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો અર્થનો અનર્થ કે મહા અનર્થ થઈ શકે છે. એક ઉદાહરણ પરથી સ્પષ્ટ થઈ જશે. વિદ્યાર્થી અવસ્થામાં અનેક શિખામણો આપવામાં આવે છે. એમાંની બહુસંખ્ય શિસ્ત અને શિક્ષણ વિશે હોય છે. ‘બરાબર ભણજે, નિયમિત અભ્યાસ કરજે, ભણતર ઊગી નીકળશે’ વગેરે વગેરે સર્વકાલીન બાબતો છે. એક ઉદાહરણમાં વીરામચિહ્ન ખોટી જગ્યાએ મૂકવાથી કેવો મોટો ગોટાળો સર્જાય એ જાણવા - સમજવા જેવું છે. વિદ્યાર્થીઓને સંબોધી બેનર બનાવવાનું હતું કે ‘ભણવામાં ધ્યાન રાખશો, નહીં રાખશો તો નાપાસ થશો.’ સાવ સીધી ને સરળ વાત છે જેમાં ભણતરની નિયમિતતાને પ્રાધાન્ય આપી અને એમ નહીં કરવાથી કેવું પરિણામ ભોગવવું પડે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જોકે, બેનર બનાવનારી વ્યક્તિમાં ભાષા પ્રત્યે સજાગતા બિલકુલ નહોતી. એટલે બેનર તો તૈયાર કરી દીધું, પણ અલ્પવિરામ - કોમા ખોટી જગ્યાએ મૂકી દીધું. બેનરમાં પડેલું લખાણ હતું ‘ભણવામાં ધ્યાન રાખશો નહીં, રાખશો તો નાપાસ થશો.’ અલ્પવિરામ રાખશો પછી હોવું જોઈતું હતું એની બદલે નહીં પછી મૂકવાથી અનર્થ થયો. બેનરના લખાણ અનુસાર વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન નહીં રાખવાની સલાહ આપવામાં આવી હતી અને આપશો તો નાપાસ થશો એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી. એક અલ્પવિરામમાં કેવી તાકાત હોય છે એ સમજાઈ જાય છે.
लोकजीवन मध्ये म्हणी
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એનું જીવન અન્ય પ્રાણીઓની સરખામણીમાં નોખું પડે છે એમાં ભાષાનો ઘણો પ્રભાવ છે. મરાઠી કાહેવતોમાં લોકમાનસમાં રહેલા શાણપણનું દર્શન થાય છે. એક કહેવત જોઈએ. घरातील तीडा आणि जोड्यातील खडा, दुसऱ्याला समजत नाही। વાક્યમાં તીડા એટલે મતભેદ અને ખડા એટલે નાનકડો પથ્થર કે કાંકરો. પહેરેલા જોડામાં પેસી ગયેલો કાંકરો ચાલતી વખતે આપણને જ ખૂંચે બહાર દેખાય નહીં. મતલબ કે અન્ય કોઈને ખબર ન પડે. એ જ રીતે ઘરમાં - પરિવારમાં રહેલા મતભેદ આપણને જ ત્રાસ આપે, તકલીફ પહોંચાડે. એની વાત બહાર કરાય નહીં. કહેવતનું તાત્પર્ય એટલું જ કે ગૃહક્લેશનો ઢંઢેરો પીટવાનો ન હોય. આપસમાં બેસીને એનો ઉકેલ લાવી દેવાનો હોય. घरोघरी त्याच परी, सांगेना तीच बरी કહેવતમાંથી પણ એવો જ ભાવાર્થ પ્રગટ થાય છે. પરી એટલે પ્રકાર. દરેક ઘરની કલહની કહાણી લગભગ સરખી હોય છે અને એ ન કહેવામાં જ સાર છે. ગુજરાતીમાં પણ અસ્સલ આવી જ એક કહેવત છે ને 'ઘેર ઘેર માટીના ચૂલા'. મતલબ કે દરેક ઠેકાણે સારું - ખરાબ કે ભલું - બૂરું ઓછેવત્તે અંશે તો રહેવાનું જ ને. કહેવતોમાંથી શાણપણ કેવું ટપકે છે. આ શાણપણ કેળવી શકાય તો ઘણી સમસ્યાઓનો ઉકેલ આસાનીથી આવી જાય.
पंचगव्य और पंचामृत
પૈસા પાછળ સતત દોડતી રહેતી આજની પ્રજા હવે શારીરિક સુજ્જતાને પ્રાધાન્ય આપવા લાગી છે. એમાં યોગ અને એના આસનોનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. યોગની પરંપરા શરૂ કરનારા બાબા ગોરખનાથની વાણી જીવન જીવવાનો વિશિષ્ટ ઉપદેશ આપવા માટે જાણીતી છે. એમની વાણીના કેટલાક રત્નો કહેવત બની ગયા છે. अवधु आहार तोड़ो, निद्रा मोड़ो, कबहुं ना होइगा रोगी એનું સમજવા જેવું ઉદાહરણ છે. અહીં આહાર તોડવાની એટલે કે આહારની માત્રા ઘટાડવાનો મહિમા છે. સાથે ઊંઘ પણ ઓછી કરવાની વાત છે. આહાર અને નીંદર પર અંકુશ લાવનારાના શરીરમાં ક્યારેય રોગ ઘર નહીં કરે એવી સમજણ મળે છે. બીજી એક જાણવાની વાત એ છે કે પંચગવ્ય અને પંચામૃતનું સેવન દીર્ઘાયુ બક્ષે એવી માન્યતા છે.पंचगव्य सौं न्हाय के, पंचामृत पी लेय, बिन मांगे सौ बरस की, उमर विधाता देय. મતલબ કે પંચગવ્યથી સ્નાન કરનાર અને પંચામૃતનું સેવન કરનાર લાંબું જીવી શકે છે. पंचगव्य એટલે ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણને ભેળવીને તૈયાર થતો પદાર્થ. અલબત્ત આ આપણી વૈદકીય પરંપરા છે,એકવીસમી સદીમાં આ પદ્ધતિમાં કોને વિશ્વાસ બેસે એ એક સવાલ છે. पंचामृत તો બધા જાણતા જ હશે. ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, મધ અને સાકરને ભેળવીને તૈયાર થતો પદાર્થ પંચામૃત કહેવાય છે.
IMPORTANCE OF COMMA
કડકડાટ અને સડસડાટ બોલવાના આગ્રહી લોકો ઉચ્ચારણમાં વિરામ ચિહ્નોની સાડીબાર નથી રાખતા. જરૂર હોય ત્યાં અટકે નહીં અને જરૂર ન હોય ત્યાં અટકી પડે. સાગમટે (એકસાથે કે સમૂહમાં કે ટોળામાં એવો અર્થ થાય છે) એકસાથે બોલવાને બદલે સાગ મટે એવો ઉચ્ચાર કરતા હોય છે. ગુજરાતી જ નહીં, દરેક ભાષામાં વિરામ ચિન્હોનું વિશેષ મહત્વ છે. એની હાજરી કે ગેરહાજરીથી અથવા ખોટી જગ્યાએ મુકાઈ જવાથી અર્થનો અનર્થ થવાની શક્યતા ભારોભાર રહેલી છે. ક્યારેક શબ્દનો અર્થ પણ ન સમજાય એવી સંભાવના રહેલી છે. અચરજ પમાડનારી વાત એ છે કે વિરામચિહ્નો વિશે એક આખું પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે. આ પુસ્તકમાં વિરામચિહ્નોમાં ગાફેલ રહેવાથી કેવા પારિણામ આવે એના સરસ ઉદાહરણ આપવામાં આવ્યા છે. એમાં એક હાસ્ય નિષ્પન્ન કરતી અને એની સાથે ભાષામાં વીરામચિહ્નોનું મહત્ત્વ સમજાવતી વાત કહેવામાં આવી છે. રીંછ પ્રજાતિના અને ચીનમાં જ જોવા મળતા પાંડા નામના પ્રાણીના અનુસંધાનમાં આ રમૂજી વાત જાણવા અને સમજવા જેવી છે.
Eats Shoots & Leaves લખાણની રજુઆત પરથી અલ્પવિરામ કેવો તરખાટ મચાવી શકે છે એનો ખ્યાલ આવે છે. પુસ્તકમાં વર્ણન કરવામાં આવેલા પ્રસંગ અનુસાર એક પાંડા એક કૅફેમાં જઈ એક સેન્ડવિચ માટે ઑર્ડર આપે છે. સેન્ડવિચ આવ્યા પછી પાંડા લિજ્જતથી ખાય છે અને પછી સૌના આશ્ચર્ય વચ્ચે તરત બંદૂક કાઢી હવામાં બે ગોળી ફાયર કરે છે. છે. સ્વાભાવિક છે અણધાર્યા ગોળીબારથી બધા ચોંકી જાય. દોડીને આવેલો વેઈટર ગોળીબાર કરવાનું કારણ પૂછે છે ત્યારે પાંડા વિરામચિહ્નોના ગોટાળાવાળું એક પુસ્તક પેલા વેઈટરના હાથમાં આપી એક વાક્ય પર ધ્યાન દોરે છે. એ વાક્ય પુસ્તકમાં આ પ્રમાણે છપાયું છેઃ The Panda Eats, Shoots & Leaves. હકીકતમાં આ વાક્ય હોવું જોઈએ The Panda eats shoots and leaves. મતલબ કે પાંડા ઝાડની ડાળીઓ ને પાંદડાં ખાય છે. જોકે, વ્યાકરણદોષવાળા વાક્યમાં Eats પછી કૉમા - અલ્પવિરામ હોવાને કારણે The Panda Eats, Shoots & Leaves એ વાાક્યનો અર્થ પાંડા ખાય છે, ગોળીબાર કરે છે અને પછી નીકળી જાય છે એવો થાય છે. આમ એક નાનકડું અલ્પવિરામ ખોટી જગ્યાએ હોવાથી કેવો અનર્થ થાય છે એ રમૂજી રીતે દર્શાવવામાં આવ્યું છે. 2008માં છપાયેલા આ પુસ્તકની 30 લાખ નકલ બે વર્ષમાં વેચાઈ ગઈ હતી.