પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કર્યા બાદ અને પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લીધા પછી મોટાભાગના અરજદારોના મનમાં સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે પોલીસ વેરિફિકેશન માટે પોલીસ અધિકારી ઘરે તપાસ કરવા આવશે કે પછી એપ્લિનકન્ટે જાતે પોલીસ સ્ટેશન જવું પડશે? પાસપોર્ટ ઇશ્યૂ કરવાની સમગ્ર પ્રક્રિયામાં પોલીસ વેરિફિકેશન એક અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે, અને તેની પદ્ધતિ સ્થાનિક પોલીસ વ્યવસ્થા તેમજ કેસના પ્રકાર પર આધાર રાખે છે.
પાસપોર્ટ સેવા નિર્દેશિકા અનુસાર, નવા પાસપોર્ટના મોટાભાગના કિસ્સાઓમાં પાસપોર્ટ ઇશ્યૂ થતાં પહેલાં જ 'પ્રી-પોલીસ વેરિફિકેશન' કરવામાં આવે છે, જ્યારે અમુક રિ-ઇશ્યૂ કિસ્સાઓમાં પાસપોર્ટ મળ્યા બાદ પોસ્ટ-વેરિફિકેશન થાય છે અથવા તો તેની જરૂર પણ પડતી નથી.
પોલીસ વેરિફિકેશન માટે પોલીસ ઘરે આવે કે સ્ટેશન બોલાવે?
સ્થાનિક પ્રક્રિયા પર નિર્ભર: નિયમ મુજબ એવું કોઈ ફરજિયાત બંધન નથી કે દરેક અરજદારે પોલીસ સ્ટેશન જવું જ પડે અથવા પોલીસે ઘરે જ આવવું પડે. સ્થાનિક પોલીસ સ્ટેશન અને તપાસ અધિકારી (IO) ની કાર્યપદ્ધતિ અનુસાર આ નક્કી થાય છે.
ફોન કરીને બોલાવી શકે છે: સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાંથી અરજદારને ફોન કરીને અનુકૂળ સમયે જરૂરી કાગળો સાથે પોલીસ સ્ટેશને રૂબરૂ હાજર થવા જણાવાય છે, અથવા તપાસ અધિકારી અરજદારના રહેઠાણના સરનામે જઈને પડોશીઓની પૂછપરછ અને સરનામાની ભૌતિક ખાતરી કરે છે.
પોલીસ વેરિફિકેશનમાં કઈ બાબતોની ચકાસણી થાય છે?
સરનામું અને રહેઠાણનો પુરાવો: અરજીમાં દર્શાવેલું સરનામું સાચું છે કે નહીં તેની તપાસ થાય છે. અરજદારે છેલ્લા એક વર્ષ દરમિયાન જ્યાં-જ્યાં વસવાટ કર્યો હોય તે તમામ સ્થળોની સચોટ માહિતી આપવી ફરજિયાત છે.
ઓળખ અને ગુનાહિત ઇતિહાસ: અરજદારની નાગરિકતા, સાચી ઓળખ અને તેની સામે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગંભીર ફોજદારી કેસ નોંધાયેલો નથી તેની તપાસ કરવામાં આવે છે.
ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન: અરજી વખતે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ નકલો અને તેના અસલ (Original) પુરાવા અધિકારી સમક્ષ રજૂ કરવાના હોય છે.
પોલીસ સ્ટેશન જતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા?
ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર.
રહેઠાણનો પુરાવો: લાઈટ બિલ, ગેસ બિલ, ભાડા કરાર (જો ભાડે રહેતા હોવ તો) કે પછી પાસબુક.
જન્મ તારીખનો પુરાવો: જન્મનું પ્રમાણપત્ર અથવા સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ (LC).
પાસપોર્ટ એપ્લિકેશન સ્લિપ: પાસપોર્ટ સેવા કેન્દ્ર તરફથી મળેલી એકનોલેજમેન્ટ રીસિટ અને તમામ અસલ દસ્તાવેજો સાથે તેમની બે-બે ઝેરોક્ષ નકલો તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.