ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં અભૂતપૂર્વ વધારા સામે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ વિરોધનો સામનો કર્યાના એક દિવસ પછી પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પેટ્રોલના ભાવમાં ૮૦ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
શરીફે શુક્રવારની મધરાતે જાહેરાત કરી હતી કે સરકારે પેટ્રોલ લેવી(ટેક્સ)માં પ્રતિ લિટર પાકિસ્તાની ૮૦ રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સામાન્ય ગ્રાહકને હવે પેટ્રોલ ૩૭૮ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહેશે. અત્રે નોંધનીય છે કે સરકારે ગુરૂવારે પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલ(એચએસડી)ના ભાવમાં અનુક્રમે ૪૩ ટકા અને ૫૫ ટકાના અભૂતપૂર્વ વધારાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ પેટ્રોલના ભાવ ૩૨૧.૧૭ રૂપિયાથી વધીને ૪૫૮.૪૧ રૂપિયા પ્રતિ લિટર થયા હતા. કારણ કે સરકારે ટેક્સને ૧૦૫ રૂપિયાથી વધારીને ૧૬૦ રૂપિયા પ્રતિ લીટર કરી દીધો હતો. સરકારે એચએસડીના ભાવમાં પ્રતિ લિટર ૧૮૪.૪૯ રૂપિયાનો વધારો કર્યો હતો- જે ૩૩૫.૮૬ રૂપિયાથી વધીને ૫૨૦.૩૫ રૂપિયા થયા હતા-પરંતુ તેના પરનો ટેક્સ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ નાગરિકોને થોડી રાહત મળી રહે તે માટે સરકારે પેટ્રોલના ભાવ મામલે પણ આવું જ કરવાની માંગ ઊઠી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે હું પેટ્રોલ લેવીમાં તાત્કાલિક પ્રતિ લિટર ૮૦ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરું છું. દેશમાં ૩૭૮ રૂપિયા પ્રતિ લિટરનો નવો ભાવ મધરાતથી લાગુ થશે અને દેશભરના પેટ્રોલ પંપો પર આ સુધારેલા દરે પેટ્રોલ ઉપલબ્ધ થશે. વડા પ્રધાને કહ્યું કે પેટ્રોલના આ ભાવ ઓછામાં ઓછા એક મહિના સુધી અપરિવર્તિત રહેશે.