ઇસ્લામાબાદ: પાકિસ્તાન અવારનવાર તેની આર્થિક અને રાજકીય સ્થિતિને કારણે ચર્ચામાં રહેતું હોય છે, પરંતુ આ વખતે તેના વિદેશ મંત્રાલયે કરેલી ગંભીર ભૂલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભારે બદનામી થઈ રહી છે. વડા પ્રધાન શહબાઝ શરીફના અમેરિકા પ્રવાસ અંગે જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં એવી ગંભીર ભૂલો જોવા મળી કે સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. મંત્રાલયની આ ભૂલ હવે પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિ બની ગઈ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટમાં વડા પ્રધાનના અમેરિકા પ્રવાસનો ઉલ્લેખ હતો, પરંતુ તેની હેડલાઈનમાં જ બે મોટી ભૂલો હતી. તેમાં "United States of America" ને બદલે "Unites States of Americas" લખવામાં આવ્યું હતું. એટલે કે 'United'માં 'd'ને બદલે 's' અને 'America' ના અંતમાં પણ વધારાનો 's' લગાડી દેવામાં આવ્યો હતો. આ નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકોએ પાકિસ્તાની અધિકારીઓની અંગ્રેજી સમજ પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

આ ભૂલ સામે આવ્યા પછી એક્સ (X) પર લોકોએ પાકિસ્તાન સરકારની ભારે મજાક ઉડાવી છે. 'પાકિસ્તાન (સિવિલિયન્સ)' નામના એક પ્રખ્યાત એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે, "તમારા પર લાનત છે." અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, "કર્ટન રેઈઝ (પરદો ઉઠાવવો) કરવામાં ભાઈએ થોડી વધારે જ અંગ્રેજી વાપરી નાખી." નેટીઝન્સનું કહેવું છે કે સરકારમાં બેઠેલા ભણેલા-ગણેલા અધિકારીઓ કરતા તો સામાન્ય જનતાને અંગ્રેજીનું જ્ઞાન વધારે છે.
આ કંઈ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની વડા પ્રધાન કે તેમના વિભાગે આવી ભૂલ કરી હોય. ગત વર્ષે જ્યારે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારે શહબાઝ શરીફે હુમલાની નિંદા કરવા માટે 'Condemn' લખવાના બદલે ભૂલથી 'Condom' શબ્દનો પ્રયોગ કરી નાખ્યો હતો. તે સમયે પણ પાકિસ્તાની પીએમની આ ભૂલ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી અને હવે ફરી એકવાર વિદેશ મંત્રાલયે આવી જ બેદરકારી દાખવી છે.
વડા પ્રધાન શહબાઝ શરીફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત 'બોર્ડ ઓફ પીસ'ની પ્રથમ બેઠકમાં હાજરી આપવા વોશિંગ્ટન પહોંચ્યા છે. તેમની સાથે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબ, વિદેશ મંત્રી ઈશાક ડાર અને માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાર સહિતનું મોટું પ્રતિનિધિમંડળ પણ ગયું છે. જોકે, આ મહત્વના પ્રવાસની શરૂઆત જ વિદેશ મંત્રાલયની અંગ્રેજીની ગંભીર ભૂલને કારણે વિવાદો અને મજાક સાથે થઈ છે.