Thu May 28 2026

Logo

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કર્યો મોટો દાવો: મારા પૂર્વજો હિન્દુ હતા પણ...

Islamabad   2026-05-27 15:21:00
Author: Vimal Prajapati
Article Image

પાકિસ્તાનીઓની માનસિકતા પર કર્યાં આકરા પ્રહાર, બાળકોને ભણાવાય છે ખોટો ઈતિહાસ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક એવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેના કારણે પાકિસ્તાનની અંદર પોતાની ઓળખ અને ઇતિહાસને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે. ખ્વાજા આસિફે જાહેરમાં સ્વીકાર્યું છે કે, પાકિસ્તાનના બાળકોને શાળાઓમાં ખોટો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે અને દેશના લોકો પોતાના અસલી મૂળથી દૂર થઈ રહ્યા છે.

ઇતિહાસના પુસ્તકો પર આકરા પ્રહારો કર્યા 
એક ઇન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાની રક્ષા પ્રધાને ઇતિહાસના પુસ્તકો અને પાકિસ્તાની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું, 'અમે અમારા હિંદુ પૂર્વજોને નફરત કરીએ છીએ, આપણે પાકિસ્તાની મુસ્લિમો આપણા જ હિંદુ પૂર્વજોને નફરત કરીએ છીએ. પાકિસ્તાનના અડધા લોકો એવો ખોટો દાવો કરે છે કે તેમના પૂર્વજો સાઉદી અરેબિયા અથવા ઈરાનથી આવ્યા હતા."

ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક કોણ હતા ભૂલ્યા
ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, ઇતિહાસના પુસ્તકોમાંથી હિંદુ શાસકોના નામો નિશાન મિટાવી દેવાયા છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકને ઇતિહાસના પુસ્તકોમાંથી હટાવી દીધા કારણ કે તેઓ હિંદુ હતા. આજે પાકિસ્તાનમાં ઘણા લોકોને એ પણ ખબર નથી કે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક કોણ હતા?
 
મૂળ વાત એ છે કે, પાકિસ્તાનનો સાચો ઈતિહાસ ભૂલાઈ ગયો છે તેવું ખ્વાજા આસિફે જાહેરમાં નિવેદન આપ્યું છે.  પાક સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે મારા પૂર્વજો હિંદુ હતા, તો શું તેનાથી હું ઓછો પાકિસ્તાની થઈ જાઉ? ખ્વાજા આસિફના મતે અમેરિકાની લડાઈઓમાં પાકિસ્તાનનો ઉપયોગ કરવા માટે સમાજની વિચારસરણીને જાણી જોઈને કટ્ટર બનાવવામાં આવી હતી અને તે જ હિસાબે ખોટો ઇતિહાસ રજૂ કરાયો હતો.

ઇઝરાયલને માન્યતા આપવાનો નનૈયો
ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ અમેરિકા અને ઇઝરાયેલના મુદ્દે અગાઉથી જ ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોને 'અબ્રાહમ એકોર્ડ્સ' (Abraham Accords) માં સામેલ થઈને ઇઝરાયલને સત્તાવાર માન્યતા આપવા અપીલ કરી હતી.

પાકિસ્તાન કદાપિ માન્યતા નહીં આપે
આ અંગે પાકિસ્તાનનો કડક વલણ સ્પષ્ટ કરતા રક્ષામંત્રીએ કહ્યું કે મને વ્યક્તિગત રીતે નથી લાગતું કે આપણે એવા કોઈ કરારમાં સામેલ થવું જોઈએ, જે આપણી પાયાની વિચારસરણી સાથે ટકરાતું હોય. જ્યાં સુધી ૧૯૬૭ની સરહદોના આધારે પૂર્વી યરૂસલેમને રાજધાની બનાવીને સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશનું નિર્માણ ન થાય, ત્યાં સુધી ઇસ્લામાબાદ ઇઝરાયલને માન્યતા આપશે નહીં.

ઈઝરાયલને દેશ તરીકે સ્વીકાર્યો નથી
પાકિસ્તાન-ઇઝરાયલ સંબંધોનો ઇતિહાસ વિશે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાને તેના 78 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ઇઝરાયલને દેશ તરીકે સ્વીકાર્યો નથી. પાકિસ્તાની પાસપોર્ટ પર પણ સ્પષ્ટ લખેલું હોય છે કે, ‘આ પાસપોર્ટ ઇઝરાયેલની યાત્રા માટે માન્ય નથી. ખ્વાજા આસિફના આ નિવેદન બાદ અમેરિકા તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. 

મધ્યસ્થતા સ્વીકારવાનું મુશ્કેલીજનક
અમેરિકન રિપબ્લિકન પાર્ટીના સાંસદ લિંડસે ગ્રેહામે પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ઇઝરાયલ પ્રત્યે પાકિસ્તાનનું વલણ હંમેશા નકારાત્મક રહ્યું છે. આવા સંજોગોમાં અમેરિકા-ઈરાન કે ઇઝરાયલ સાથે જોડાયેલા મામલાઓમાં પાકિસ્તાનની મધ્યસ્થતા સ્વીકારવી મુશ્કેલીઓથી ભરેલી સાબિત થઈ શકે છે.